Modi@70: આજે પીએમ નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ, ગુજરાત સરકાર આ વિકાસ કાર્યો સાથે કરશે ઉજવણી

News18 Gujarati
Updated: September 17, 2020, 12:11 AM IST
Modi@70: આજે પીએમ નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ, ગુજરાત સરકાર આ વિકાસ કાર્યો સાથે કરશે ઉજવણી
આજે પીએમ નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ, ગુજરાત સરકાર આ વિકાસ કાર્યો સાથે કરશે ઉજવણી

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ કાર્યક્રમોમાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સહભાગી થઇને ઇ-લોન્ચિંગ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાશે

  • Share this:
ગાંધીનગર : આજે (17 સપ્ટેમ્બર) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના 70માં જન્મદિવસને રાજ્યમાં વિવિધ પાંચ જેટલા વિકાસકામોના પ્રારંભ સાથે ઉજવવાનો નિર્ણય કર્યો છે. આવતીકાલે 17મી સપ્ટેમ્બરે રાજ્યમાં કૃષિ-ખેડૂત કલ્યાણ, મહિલા ઉત્કર્ષ, આદિજાતિ વિસ્તારમાં પાણી પૂરવઠાના કામોના લોકાર્પણ-કાર્યારંભ તેમજ કલાયમેટચેન્જ વિભાગના વિવિધ 10 જેટલા MoU અને પાટનગર ગાંધીનગરમાં 24x7 પીવાના પાણીની યોજનાના ઇ-ખાતમૂર્હત ઇ લોન્ચિંગ કાર્યક્રમો યોજાવાના છે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ કાર્યક્રમોમાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સહભાગી થઇને ઇ-લોન્ચિંગ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાશે. રાજ્યના 33 જિલ્લાઓના 70 જેટલા સ્થળોએ રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, બોર્ડ-નિગમના અધ્યક્ષો, પદાધિકારીઓ, ધારાસભ્યો આ કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના સંક્રમણ નિયંત્રણ પ્રોટોકોલના પાલન સાથે મર્યાદિત સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં જોડાશે.

ગુરૂવારે 17 સપ્ટેમ્બરે સમગ્ર દિવસ દરમ્યાન યોજાનારા આ વિકાસ કાર્યક્રમોમાં સૌ પ્રથમ કાર્યક્રમ ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ યોજના અન્વયે પ્રાકૃતિક ખેતી માટેના વધુ બે પગલાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને ગાય માટે નિભાવ ખર્ચની રૂપિયા 900ની સહાય તેમજ જિવામૃત બનાવવા માટે કિટ સહાયની યોજનાના ઇ-લોન્ચિંગ કરવામાં આવશે. મુખ્યમંત્રી આ અવસરે પ્રતિકરૂપે ગાંધીનગરમાં લાભાર્થીઓને સહાય મંજૂરી પત્રો અર્પણ કરશે. સમગ્ર રાજ્યમાં આ બે યોજનાઓ અંતર્ગત કુલ 80 કરોડ રૂપિયાની સહાય બે લાખ જેટલા ધરતીપુત્રોને આપવાનું આયોજન છે. પ્રધાનમંત્રીના જન્મદિવસ 17મી સપ્ટેમ્બરે માત્ર એક જ દિવસમાં 4900 લાભાર્થી ખેડૂતોને 1.32 કરોડ રૂપિયાની સહાય ચૂકવાશે.

આ પણ વાંચો - જ્યારે મણિનગરના ધારાસભ્ય તરીકે મોદીએ ‘મિની ઇન્ડિયા’નો વિકાસ કર્યો હતો!

ઉલ્લેખનીય છે કે “સાત પગલાં ખેડૂત કલ્યાણના’’ યોજના અન્વયે પ્રથમ બે પગલાં મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન સહાય યોજનાનું તાજેતરમાં 10મી સપ્ટેમ્બરે મુખ્યમંત્રીએ ઇ -લોન્ચિંગ કર્યુ હતું. પ્રધાનમંત્રીના જન્મદિને રાજ્યના ધરતીપુત્રોને ભેટ રૂપે હવે વધુ બે પગલાંઓનું લોન્ચિંગ થવાનું છે.

વિકાસ કાર્યક્રમો અન્વયે પ્રધાનમંત્રીના જન્મદિવસની આદિજાતિ વિસ્તાર સાગબારા-ડેડીયાપાડાને પણ અનોખી ભેટ મળશે. રાજ્યના પાણી પૂરવઠા વિભાગે 308 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદા જિલ્લાના સાગબારા-ડેડીયાપાડા અને તાપીના સોનગઢ તાલુકાના 205 ગામોની જૂથ પાણી પૂરવઠા યોજના પૂર્ણ કરી છે તેનો ઇ-લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં કરશે. એટલું જ નહીં પાટનગર ગાંધીનગરમાં દેશભરના શહેરોમાં પહેલરૂપ એવી સમગ્ર શહેર માટે 24x7 પીવાના પાણીનો પૂરવઠો આપતી યોજનાનું ઇ-ખાતમૂર્હત પણ મુખ્યમંત્રી- નાયબ મુખ્યમંત્રી કરવાના છે. ગૃહમંત્રી અમિત શાહ આ પ્રસંગે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાશે.સમગ્ર ગાંધીનગર શહેરમાં 24x7 પીવાનું પાણી પુરૂં પાડનારી 219 કરોડની આ યોજનામાં હાલની પ્રતિદિન 6.5 કરોડ લીટરની ક્ષમતાને વધારીને 16 કરોડ લીટર પ્રતિદિન પહોચાડવાની માળખાકીય સુવિધાઓ વિસ્તારવાના કામોનો આ ઇ-ખાતમૂર્હતમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યની ગ્રામીણ-શહેરી વિસ્તારની સામાન્ય-મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારોની માતા-બહેનોને આત્મનિર્ભરતા માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના પણ પ્રધાનમંત્રીના 70માં જન્મદિવસે બહેનો-માતાઓને ભેટ આપશે. આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં 50 હજાર અને શહેરોમાં 50 હજાર મળી કુલ 1 લાખ મહિલા જૂથો દ્વારા 10 લાખ જેટલી બહેનોને વગર વ્યાજે ધિરાણ-લોન મળવાનું છે. આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં 10 લાખ બહેનોને કુલ 1000 કરોડ સુધીનું લોન-ધિરાણ તબક્કાવાર આપવાનું આયોજન છે. તદઅનુસાર, ગુરૂવાર 17મી સપ્ટેમ્બરે ગુજરાત બરોડા ગ્રામીણ બેન્ક, ICICI અને ગુજરાતની અન્ય સહકારી બેન્કો રાજ્ય સરકાર સાથે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં MoU પણ કરવાની છે.

મુખ્યમંત્રી આ MoU ઉપરાંત પ્રધાનમંત્રીના 70માં જન્મદિવસના ઉપલક્ષ્યમાં યોજાનારા કાર્યક્રમો અન્વયે કલાયમેટ ચેઇન્જ વિભાગના 10 વર્ષ પૂર્ણ થવા અવસરે વિવિધ 10 જેટલા MoU સાઇનિંગના વર્ચ્યુલ સેરેમનીમાં ઉપસ્થિત રહેશે. આ સાથે તેઓ ‘‘બિલ્ડીંગ અ કલાયમેટ રિલેસીયન્સ ગુજરાત-અ ડિકેડ ઓફ કલાયમેટ એકશન એન્ડ રોડ-મેપ ફોર ધ ફયુચર કોમ્પોડીયમ’’નું પણ ઇ-લોન્ચિંગ કરવાના છે.
Published by: Ashish Goyal
First published: September 17, 2020, 12:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading