ન્યૂઝ 18 ગુજરાતી : વડાપ્રધાન મોદીએ આજે વહેલી સવારે માતા હિરાબાના આશિર્વાદ લઈ અને મતદાન કર્યુ હતું. નિશાન સ્કુલ પરથી મતદાન કરી તેમણે ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન કર્યુ હતું. મત આપ્યા પછી પત્રકારો સાથેની વાતચીતમાં પીએમ મોદીએ રાષ્ટ્રવાદનો રાગ આલાપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આતંકવાદનું શસ્ત્ર IED છે જ્યારે લોકતંત્રનું શસ્ત્ર Voter ID છે. દેશની જનતા ખૂબ જ સમજદાર છે અને તે નિર્ણાયક સરકાર બનાવવા માટે મતદાન કરશે.
મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ મોદીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, "આજે દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. મારું સૌભાગ્ય છે કે મને મારા હોમ સ્ટેટમાં મારું કર્તવ્ય નિભાવવાનો મોકો મળ્યો છે. મને આ મહાન લોકતંત્રના પર્વમાં સક્રિય ભાગીદારી કરવાનો મોકો મળ્યો. જેવી રીતે કુંભના મેળામાં સ્નાન કરીને એક પવિત્રતાનો આનંદ થાય છે એવો જ આનંદ હું આજે મતદાન કર્યા બાદ અનુભવી રહ્યો છું. હું દેશના તમામ નાગરિક ભાઈઓ અને બહેનોને આગ્રહ કરું છું કે જ્યાં જ્યાં મતદાન બાકી છે ત્યાં ઉત્સાહ અને ઉમંગ સાથે મતદાન કરે."
લોકો સમજદાર છે : મોદી
મોદીએ વધુમાં જણાવ્યું કે, "મતદાન કોને કરવું અને કોને ન કરવું તે ભારતનું મતદાતા સારી રીતે જાણે છે. મતદાતા નીર અને ક્ષીર વિવેક જાણે છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાની તેમની વિશેષતા રહી છે. આ પ્રસંગે પ્રથમ વખત લોકસભા માટે મતદાન કરવા માટે જઈ રહેલા યુવા મતદારોની લોકતંત્રના પર્વમાં દેશની નિર્ણાયક સરકાર બનાવવામાં સક્રિય ભાગરીદારીનું હું સ્વાગત કરું છું. હું તેમને શુભેચ્છા પાઠવું છું. આ આખી સદી તેમની સદી છે. તેમણે પોતાની સદીને ઉજળી બનાવવા માટે મતદાન કરવાનું છે."
"ભારતના લોકતંત્રની તાકાત છે કે આપણે દુનિયાને લોકતંત્રનું મહત્વ તેની સામે ઉદાહરણ સાથે રજૂ કરીએ છીએ. આતંકવાદનું શસ્ત્ર IED હોય છે, જ્યારે લોકતંત્રની શક્તિ વોટર આઈડી હોય છે. વોટર આઈડીની તાકાત IED કરતા અનેક ગણી વધારે છે."
મીડિયાને સંબોધન પહેલા મોદીએ હળવી શૈલીમાં હાજર લોકો અને મીડિયા મિત્રોને મજામાં છો કે નહીં તેવો પ્રશ્ન કર્યો હતો. સાથે પીએમ મોદીએ એવું પણ કહ્યું હતું કે, બહુ તકલીફ પડી હશે, આજ પછી આરામ કરજો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર