ખેડૂતોનો હંમેશા વોટબેંક તરીકે ઉપયોગ કરનારી કોંગ્રેસ ખેડૂતોની દુર્દશા માટે જવાબદાર છે : પરષોત્તમ રૂપાલા

ખેડૂતોનો હંમેશા વોટબેંક તરીકે ઉપયોગ કરનારી કોંગ્રેસ ખેડૂતોની દુર્દશા માટે જવાબદાર છે : પરષોત્તમ રૂપાલા
કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરષોત્તમ રૂપાલાએ ભાજપના પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ', ખાતે કૃષિ સુધારાઓના સંદર્ભે પત્રકાર પરિષદ સંબોધી

કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરષોત્તમ રૂપાલાએ ભાજપના પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ', ખાતે કૃષિ સુધારાઓના સંદર્ભે પત્રકાર પરિષદ સંબોધી

  • Share this:
ગાંધીનગર : દેશમાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદા સંસદમાં પસાર કર્યા બાદ દિલ્લી ખાતે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. પંજાબ અને હરિયાણાના ખેડૂતો મોટી સંખ્યામાં દિલ્લી બોર્ડર પર એકઠા થઇ વિરોધ કરી રહ્યા છે ત્યારે આજે કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરષોત્તમ રૂપાલાએ ભાજપના પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ', ખાતે કૃષિ સુધારાઓના સંદર્ભે પત્રકાર પરિષદને (parshottam rupala press conference) સંબોધન કર્યું હતું.

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ (parshottam rupala) જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરાયેલા કૃષિ સુધારા બિલ 2020માં 'The Farmers' Produce Trade and Commerce (Promotion and Facilitation) Bill, 2020' અને 'The Farmers (Empowerment and Protection) Agreement of Price Assurance and Farm Services Bill, 2020' ખેડૂતોને કોઈપણ પ્રકારનું નુકસાન થાય તેવી એક પણ જોગવાઇ નથી. રાજકીય વિરોધીઓ ફક્ત અને ફક્ત રાજકીય રોટલા શેકવા માટે દેશના કરોડો ખેડૂતોના હિતમાં લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણય અંગે અપપ્રચાર કરી ભ્રામકતા ફેલાવી રહ્યા છે. દેશ આઝાદ થયો ત્યારથી જ દેશના રાજકારણમાં 'ખેડૂત' શબ્દનો ખૂબ જ ઉપયોગ થયો છે, પણ તેમાં એક માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવા નેતા છે જેમણે દેશના કરોડો ખેડૂતોની આવક બમણી કરવા અંગે નિવેદન કર્યું અને તેને પરિપૂર્ણ કરવા માટે આજે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને ખેડૂતો માટે અનેકવિધ ઐતિહાસિક નિર્ણય તેઓ કરી રહ્યા છે.



રૂપાલાએ જણાવ્યું હતું કે, 2004માં બનાવવામાં આવેલા 'સ્વામીનાથન આયોગ'ના અહેવાલમાં દર્શાવાયેલા સૂચનોને લાગુ કરવાની માંગણી અનેક વર્ષોથી દેશભરના ખેડૂત સંગઠનો અને ખેડૂતો કરી રહ્યાં હતા. 10 વર્ષ સુધી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર રહી પણ તેમણે આ અંગે કંઈ ન કર્યું અને આજે દેશના ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું પાપ કોંગ્રેસ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકીય ઇચ્છાશક્તિ દાખવી ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં આ કૃષિ સુધારાઓ થકી એક સૂચક પગલું ભર્યું છે.

આ પણ વાંચો - PM મોદી 15 ડિસેમ્બરના લેશે કચ્છની મુલાકાત, ગુજરાતને મળશે આ ત્રણ અમૂલ્ય ભેટ

રૂપાલાએ જણાવ્યું હતું કે, આ કૃષિ સુધારા બિલ અંગે રાજકીય વિરોધીઓ દ્વારા એવું કહી દેશના ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે કે, તેના અમલથી કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોની જમીન વેપારીઓ અને ઉદ્યોગપતિઓને વેચી રહી છે, પરંતુ તથ્ય એ છે કે, આ બિલમાં પ્રાઇવેટ કંપની કે વેપારી સાથે ખેડૂતોની જમીન અંગેના કરારની કોઈ જોગવાઈ જ નથી. ખેડૂત પોતાની જમીન ઉપર ઉગનારી પેદાશના ભાવ અંગેનો કરાર વેપારી કે કંપની સાથે કરી કાયદાકીય સુરક્ષા સાથે વધુ સારું આર્થિક ઉપાર્જન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જો કોઈ કંપની કે વેપારી ખેડૂત સાથે થયેલા કરારમાં કોઈ ચૂક કરે તો ખેડૂત સ્થાનિક SDMને ફરિયાદ કરી શકશે જેનો 30 દિવસમાં નિકાલ કરી ખેડૂતને વળતર અપાવવાની જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે. આમ આ બિલમાં ખેડૂતોને કાયદાકીય સુરક્ષા સાથે ખેડૂતોના હિતોનું રક્ષણ થાય તે પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે.

કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સહિતના રાજકીય વિરોધીઓ ટેકાના ભાવ (MSP)થી ખેડૂતોની પેદાશોની ખરીદી કેન્દ્ર સરકાર આ બિલ દ્વારા બંધ કરી રહી છે તેવો દુષ્પ્રચાર કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ કૃષિ સુધારા બિલને MSP સાથે કોઈ જ લેવાદેવા નથી. MSPથી ખેતપેદાશોની ખરીદી થઈ રહી છે અને આગળ પણ થતી રહેશે. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ઘઉં, ચણા દાળ, મસૂર, રાઈ, તેલીબિયાં સહિતના રવિ પાકના MSP-ટેકાના ભાવમાં કરાયેલો વધારો કેન્દ્ર સરકાર ટેકાના ભાવથી ખેતપેદાશોની ખરીદી બંધ કરી રહી છે તેવો અપપ્રચાર કરનાર કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોને જડબાતોડ જવાબ છે.

રૂપાલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં વર્ષ 2013-14માં ડાંગરની MSP રૂ.1310, ઘઉંની રૂ.1,350, મગફળીની રૂ.4,000, રાયડાની રૂ.3,050 પ્રતિ કવિન્ટલ હતી જેની સામે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાશનમાં વર્ષ 2020-21 માં ડાંગરની MSP રૂ.1,868/-, ઘઉંની રૂ.1,925/- અને વર્ષ 2019-20ના આંકડાઓ પ્રમાણે મગફળીની MSPથી ખરીદીનો ભાવ રૂ.5,275/-, રાયડાની રૂ,4,650/- પ્રતિ કવિન્ટલ છે. ભાજપાની કેન્દ્ર સરકારે છેલ્લાં 6 વર્ષમાં ખેડૂતોના હિતમાં જુદા જુદા પાકોની MSPમાં અંદાજીત 40% જેટલો વધારો કર્યો છે. દાળ, મસૂર, મગ જેવા ઉત્પાદોની લઘુત્તમ ટેકાના ભાવથી ખરીદી 2013-14માં કોંગ્રેસના શાસનમાં તો થતી જ ન હતી જ્યારે ભાજપા ના શાસનમાં તેની પણ MSPથી ખરીદી કરવામાં આવી છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વની ભાજપા સરકાર દ્વારા છેલ્લા 4 વર્ષમાં રૂ.15 હજાર કરોડથી વધુના મૂલ્યની ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી કરી છે. આમ, ભાજપાની સરકારમાં ખેત ઉત્પાદોની MSPમાં પણ નોધપાત્ર વધારો કરવામાં આવ્યો છે અને રેકોર્ડબ્રેક માત્રામાં MSPથી ખરીદી પણ થઈ છે. ખેડૂતોનો હંમેશા વોટબેંક તરીકે ઉપયોગ કરનારી કોંગ્રેસ કે જે, ખેડૂતોની દુર્દશા માટે જવાબદાર છે તે આજે ખેડૂત આંદોલનને હાથો બનાવી લાજવાના બદલે ગાજી રહી છે.

કોંગ્રેસની યુપીએ સરકારની વર્ષ 2009-14ની રૂ.3.74 લાખ કરોડની ડાંગર અને ઘઉંની MSPથી ખરીદી સામે છેલ્લા 6 વર્ષમાં કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા ડાંગર અને ઘઉંની MSPથી અંદાજે રૂ.8 લાખ કરોડની એટલે કે કોંગ્રેસની સરકાર કરતા બમણાં કરતા પણ વધુની ટેકાના ભાવથી ખરીદી કરી છે. યુપીએ-2 માં 1.52 લાખ મેટ્રિક ટન કઠોળની ટેકાના ભાવથી ખરીદી થઈ હતી તેની સામે છેલ્લા 6 વર્ષમાં ભાજપની સરકાર દ્વારા 112 લાખ મેટ્રિક ટન કઠોળની MSPથી વિક્રમજનક ખરીદી કરવામાં આવી છે જે કોંગ્રેસની સરકાર કરતા 74 ગણી વધુ છે.

રૂપાલાએ જણાવ્યું હતું કે, વર્તમાન વ્યવસ્થામાં દેશભરના ખેડૂતો પોતાના વિસ્તારની આસપાસની સ્થાનિક એપીએમસીમાં પોતાની પેદાશનું વેચાણ કરે છે. એપીએમસી સુધારા બિલ દ્વારા દેશના કરોડો ખેડૂતો સ્થાનિક એપીએમસી સહિત દેશભરમાં જે કોઈપણ સ્થળે તેમને વધુ અને યોગ્ય ભાવ મળતો હોય તે વેપારીને ખેત પેદાશ વેચી શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા આ કૃષિ સુધારાઓનો એકમાત્ર ઉદ્દેશ આપણા અન્નદાતા એવા દેશના કરોડો ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનો, તેમની આવક બમણી કરવાનો છે, કૃષિ સુધારા બિલમાં ફક્ત અને ફક્ત ખેડૂતોના હિતોની વાત છે, તેમાં એક પણ બાબત એવી નથી કે જેનાથી ખેડૂતને નુકસાન વેઠવું પડે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર તેમજ અન્ય વરિષ્ઠ મંત્રીઓએ વારંવાર સ્પષ્ટ કર્યું છે કે, MSPથી ખેડૂતોની ઉપજની ખરીદી, APMCની વ્યવસ્થા ચાલુ છે અને આગળ પણ ચાલુ જ રહેશે.

રૂપાલાએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપા સરકાર ખેડુતો સાથે ખુલ્લા મને વાતચીત કરી કૃષિ સુધારાઓ અંગે રહેલી તમામ શંકાઓને દૂર કરવા તૈયાર છે. આજે ખેડૂતોને હાથો બનાવીને કોંગ્રેસ સહિતના વિરોધપક્ષો ખેડૂતોને ભ્રમિત કરી નિમ્નસ્તરનું રાજકરણ કરી રહ્યાં છે. ખેડૂતોનું અહિત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી ખેડૂતો માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હૈયે સદાયે ખેડૂતોનું હિત વસેલું છે, તેમના દ્વારા લેવાયેલું એક એક પગલું ખેડૂતોના ઉત્થાન માટે છે, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાત અને દેશના અન્ય રાજ્યના કિસાનો ખેડૂતવિરોધી તત્વોના ભ્રામક અપપ્રચારમાં આવશે નહીં.
Published by:Ashish Goyal
First published:December 14, 2020, 15:17 pm

ટૉપ ન્યૂઝ