પરેશ ધાનાણીનો CMને પત્ર: રાજ્ય બહાર ફસાયેલા ગુજરાતીઓને વતનમાં લાવો, તેમની સ્થિતિ વિકટ છે


Updated: April 26, 2020, 3:49 PM IST
પરેશ ધાનાણીનો CMને પત્ર: રાજ્ય બહાર ફસાયેલા ગુજરાતીઓને વતનમાં લાવો, તેમની સ્થિતિ વિકટ છે
વિપક્ષ નેતા પરેશ ધાનાણી

રાજ્ય/દેશમાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ જતાં આ વ્યક્તિઓ, બાળકો, સગર્ભા મહિલાઓ, વિઘાર્થીઓ, શ્રમિકો, રત્નકલાકારો તથા વૃદ્ધો જે-તે જગ્યાએ ફસાઈ ગયેલ છે, આ લોકોની સ્થિતિ ખૂબ જ વિકટ છે.

  • Share this:
ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્યના જિલ્લામાં, જિલ્લા બહાર અથવા રાજ્ય બહાર ફસાયેલા વ્યક્તિઓ, બાળકો, સગર્ભા મહિલાઓ, વિઘાર્થીઓ, વૃદ્ધો, શ્રમિકો, રત્નકલાકારો તથા કારખાના-ફેકટીઓમાં કામ કરતા તથા વિવિધ ક્ષેત્રમાં કામ કરતા કારીગરોના આરોગ્યની ચકાસણી કરી વતનમાં જવાની ટ્રાન્ઝીટ મંજુરી આપવા મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી.

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાન આ પત્રમાં જણાવ્યું છે કે, માનનીય મુખ્યમંત્ર વિજય રૂપાણી જયભારત સહ જણાવવાનું કે, સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં નોવેલ કોરોના વાયરસે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. દેશ અને રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ભયજનક રીતે વધી રહી છે. આ વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા માટે સમગ્ર દેશમાં તા. ૨૪ માર્ચ, ૨૦૨૦થી લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે, જેને આજે ૩૦ દિવસ ઉપરાંતનો સમય થયેલ છે. લોકડાઉન પૂર્વે પૂર્વ નિર્ધારિત પ્રસંગોપાત અથવા અભ્યાસાર્થે આંતર જિલ્લા, જિલ્લા બહાર તેમજ રાજ્ય બહાર ગયેલ પરંતુ અચાનક જાહેર થયેલ લોકડાઉનના કારણે સમગ્ર રાજ્ય/દેશમાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ જતાં આ વ્યક્તિઓ, બાળકો, સગર્ભા મહિલાઓ, વિઘાર્થીઓ, શ્રમિકો, રત્નકલાકારો તથા વૃદ્ધો જે-તે જગ્યાએ ફસાઈ ગયેલ છે, જેઓ લાંબા સમયથી પરિવારથી વિખુટા પડી ગયેલ છે. હાલમાં ફસાયેલા લોકોની સ્થિતિ ખૂબ જ વિકટ છે.

હાલના સંજોગો જોતાં સ્થિતિ પૂર્વવત ક્યારે થાય તે કહેવું મુશ્કેલ છે અને આ ફસાઈ ગયેલ લોકો પરત વતનમાં ક્યારે ફરશે તે પણ કહેવું મુશ્કેલ છે. જેથી નીચેની વિગતે ફસાયેલ લોકોના આરોગ્યની ચકાસણી કરી, તેઓ તાત્કાલિક ધોરણે વતનમાં પરત ફરે તે માટે ટ્રાન્ઝીટ મંજૂરી આપવી અત્યંત જરૂરી છે.

1 - અન્ય જિલ્લા કે રાજ્યમાં અભ્યાસાર્થે સ્થાયી થયેલ વિઘાર્થીઓ કોરોના વાયરસની પરિસ્થિતિથી લાગુ કરેલ લોકડાઉનના કારણે શિક્ષણ કાર્ય ઠપ્પ થઈ જતાં જે-તે જગ્યાએ ફસાઈ ગયેલ છે અને ત્યાં ખાવા-પીવાની વગેરે અવગવડતા ભોગવી રહેલ છે. આવા વિઘાર્થીઓ તાત્કાલિક વતનમાં પોતાના પરિવાર પાસે પહોંચે તે અત્યંત જરૂરી છે.

2 - સગર્ભા મહિલાઓ, નાના બાળકો, વૃદ્ધો વગેરે પૂર્વ નિર્ધારિત પ્રસંગોપાત અન્ય જિલ્લા કે રાજ્યમાં ગયેલા હતા, તેઓ પણ લોકડાઉનના કારણે જે-તે જગ્યાએ ફસાઈ ગયેલ છે. તેઓ અન્ય જિલ્લા કે રાજ્યમાં આરોગ્યને લગતા ગંભીર પ્રશ્નો હોવા છતાં પૂરતી મેડીકલ સારવાર લઈ શકતા નથી અને અત્યંત વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહેલ છે. આ સગર્ભા મહિલાઓ, નાના બાળકો, વૃદ્ધો વગેરે પણ તાત્કાલિક વતનમાં પોતાના પરિવાર પાસે પહોંચે તે અત્યંત જરૂરી છે.

3 - રાજ્યમાં પણ સૌરાષ્ટ્ર વિસ્તારના શ્રમિકો અને રત્નકલાકારો મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તથા અન્ય જિલ્લાઓમાં રોજગારી મેળવવા ગયેલ અને અચાનક લાગુ કરવામાં આવેલ લોકડાઉનના કારણે ત્યાં જ ફસાઈ ગયેલ છે. આ શ્રમિકો અને રત્નકલાકારો અન્ય જિલ્લામાં રોજગારી મેળવવા માટે નાની જગ્યા ભાડે રાખીને રહેતા હોય છે, જેથી ત્યાં સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાતું નથી, જેથી કોરોના વાયરસ વધુ ફેલાવાનો ભય રહેલો છે. આ શ્રમિકો અને રત્નકલાકારો પાસે પૈસા ખૂટી ગયેલ છે. તેમને તથા પરિવારને પૂરતું જમવાનું મળતું નથી તથા કુટુંબથી દૂર રહી માનસિક યાતના ભોગવી રહ્યાટ છે, આ શ્રમિકો અને રત્નકલાકારોને તેમના વતનમાં લાવવા અત્યંત જરૂરી છે.4 - વિવિધ ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકો, કારીગરો, મહામારીથી પીડાતા લોકો માનસિક, આર્થિક, શારીરિક પોતાના વતનથી દૂર યાતના ભોગવી રહેલ છે અને એલર્જીક સારવાર લેતા દર્દીઓ જીવના જોખમે વતનથી દૂર અન્ય સ્થળે સમય કાઢી રહેલ છે. આવા દુઃખી લોકો લોકડાઉનમાં અટવાઈ ગયેલા છે. તેઓ દ્વારા પોતાના વતનમાં જવાની મંજુરી માંગવામાં આવે તો સ્વૈચ્છિક મંજુરી આપવી અત્યંત જરૂરી છે.

5 - લોકડાઉનની જાહેરાત પહેલાં વ્યાપારિક, સામાજીક, ધાર્મિક, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી સેવાઓ માટે પૂર્વ નિર્ધારિત પ્રવાસ દરમ્યાન અન્ય રાજ્યોમાં અટવાઈ ગયેલા ગુજરાતીઓ તેમજ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં રહેવા, ખાવા-પીવાની તકલીફ વેઠતા લોકો સહિત કૌટુંબિક મરણ પ્રસંગે ફરજીયાત મુસાફરી દરમ્યાન ઉભી થતી અડચણો નિવારવા માટે આવા દરેક અરજદારોના આરોગ્યની ચકાસણી કરી અને તેમને પોતાના વતનમાં ધર સુધી પહોંચાડવા માટેની ખાસ વ્યવસ્થા ઉભી કરવી અત્યંત જરૂરી છે.

લોકડાઉન પૂર્વે પૂર્વ નિર્ધારિત પ્રસંગોપાત અથવા અભ્યાસાર્થે આંતર જિલ્લા, જિલ્લા બહાર તેમજ રાજ્ય બહાર ગયેલ પરંતુ અચાનક જાહેર થયેલ લોકડાઉનના કારણે સમગ્ર રાજ્ય/દેશમાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ જતાં જે-તે વ્યક્તિઓ, બાળકો, સગર્ભા મહિલાઓ, વિઘાર્થીઓ, શ્રમિકો, રત્નકલાકારો તથા વૃદ્ધો જે-તે જગ્યાએ ફસાઈ ગયેલ છે. આ ફસાઈ ગયેલ વ્યક્તિઓ પરિવારથી ૩૦ દિવસ ઉપરાંતથી વિખુટા પડી ગયેલ હોઈ તેઓની સામાજીક, આર્થિક અને માનસિક પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ ગયેલ છે. તેઓ તાત્કાલિક વતનમાં પોતાના પરિવાર પાસે પહોંચે તે માટે તેઓના આરોગ્યની ચકાસણી કરી, ખાસ કિસ્સામાં ટ્રાન્ઝીટ મંજુરી આપી, વાહનવ્યવહારની યોગ્ય વ્યવસ્થા કરી તેઓને વતનમાં પહોંચાડવા ખુબ જરૂરી છે.
First published: April 26, 2020, 3:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading