ગુજરાત કોંગ્રેસની હાલત પણ યૂપી, બિહાર જેવી થતી જાય છે

ગુજરાત કોંગ્રેસ એક રીતે છેલ્લા ઘણા મહિનાથી ફૂલ ટાઇમ રાજ્ય અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતા વગર કામ કરી રહી છે (પ્રતિકાત્મક તસવીર)

Gujarat Congress- ગુજરાત કોંગ્રેસમાં કેટલાક ધારાસભ્યોએ હાલમાં થયેલી પાર્ટી મિટિંગમાં માંગણી કરી છે કે ગુજરાતમાં પણ આગામી વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણીની (Assembly elections 2022)સ્ટ્રેટેજી બનાવવા માટે પ્રશાંત કિશોરને બોલાવવામાં આવે

  • Share this:
ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress)કેટલાક ધારાસભ્યોએ હાલમાં થયેલી પાર્ટી મિટિંગમાં માંગણી કરી છે કે ગુજરાતમાં પણ આગામી વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણીની (Assembly elections 2022)સ્ટ્રેટેજી બનાવવા માટે પ્રશાંત કિશોરને બોલાવવામાં આવે. છેલ્લા કેટલાક સમયથી તેની ચર્ચા પણ ચાલી રહી છે. આ બતાવે છે કે ગુજરાત કોંગ્રેસના (Congress)નેતા હવે પોતાના પર વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે.

ગુજરાતમાં કોંગ્રેસની હાલત એવી થઇ ગઈ છે કે છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસમાંથી નેતા છોડીને ભાજપામાં જતા હતા પણ હવે તે પાર્ટીઓમાં પણ જવા લાગ્યા છે જેમનો ગુજરાતમાં અત્યાર સુધી કોઇ મોટો જનાધાર નથી. જેમ કે આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલિમીન (એઆઈએમઆઈએમ).

રાજ્યમાં 2017ની ચૂંટણીમાં ઘણા વર્ષો પછી ભાજપા 100થી ઓછી સીટો જીતી શકી હતી (રાજ્યની 182 સીટમાંથી 99 સીટ). તેનાથી એ લાગ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ ફરીથી વાપસી કરી શકે છે અને એક મજબૂત વિપક્ષ બનશે. જોકે દોઢ વર્ષમાં એટલા નેતા પાર્ટી છોડીને જવા લાગ્યા અને પાર્ટી ખરાબ રીતે વિખેરાઇ ગઇ કે 2019માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 26માંથી એકપણ સીટ જીતી શકી ન હતી.

આ સિવાય 2015માં સ્થાનિક ચૂંટણીમાં પણ કોંગ્રેસે બમ્પર પ્રદર્શન કર્યું. શહેરમાં તો ભાજપા જીતી ગઈ પણ ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસે ભારે જીત મેળવી હતી. જોકે આ પછી સ્થાનિક ચૂંટણી 2020માં કોંગ્રેસ પાછળ રહી હતી. શહેરોમાં તો પોતાની સ્થિતિ ના સુધારી શકી પણ ગ્રામીણ વિસ્તારોમાં પણ પૂરી રીતે ધ્વસ્ત થઇ ગઈ હતી.

જેના કારણે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. મહત્વપૂર્ણ છે કે 2019ની લોકસભા ચૂંટણીના પરિણામો પછી પણ તેમણે રાજીનામાં આપ્યા હતા. જોકે ત્યારે તેમના રાજીનામાં નામંજૂર કર્યા હતા. પણ 2020માં સ્થાનિક ચૂંટણીમાં ખરાબ રીતે પરાજય પછી બંનેના રાજીનામા મંજૂર કરી લીધા હતા. જોકે તેમનું હજુ સુધી રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યું નથી. જેથી ગુજરાત કોંગ્રેસ એક રીતે છેલ્લા ઘણા મહિનાથી ફૂલ ટાઇમ રાજ્ય અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતા વગર કામ કરી રહી છે.

આ પણ વાંચો - જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર કોંગ્રેસમાં સામેલ થશે, 28 સપ્ટેમ્બરે થશે જાહેરાત- સૂત્ર

નવા અધ્યક્ષ બનાવવા માટે અંદરોઅંદરની સ્પર્ધા ઘણી તેજ છે. એટલું ઓછું હતું કે એક દુખદ ઘટનાનો પણ પાર્ટીએ સામનો કરવો પડ્યો હતો. કોરોનાની બીજી લહેરમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને મહારાષ્ટ્ર કોંગ્રેસના યુવા નેતા રાજીવ સાતવનું પણ દેહાંત થઇ ગયું હતું. ત્યારથી ગુજરાત કોંગ્રેસના કોઇ પ્રભારી નથી. ગુજરાત કોંગ્રેસને સૌથી મોટી ખોટ અહમદ પટેલની પડી રહી છે. અહમદ પટેલ દેશમાં તો કોંગ્રેસના મોટા નેતામાં હતા સાથે જ ગુજરાત કોંગ્રેસ માટે એક તરફ હાઇકમાન્ડ જ હતા. જોકે કોરોનાના કારણે લગભગ 10 મહિના પહેલા તેમનું મૃત્યું થયું છે. જ્યાં સુધી અહમદ પટેલ હતા ત્યાં સુધી ગુજરાતના કોઇપણ નેતાની પહોંચ કોંગ્રેસ હાઇકમાન્ડ સુધી હતી. કારણ કે જ્યારે પણ કોઇ દિલ્હી જતા હતા તો અહમદ પટેલને વાત કરીને તેમની વાત તરત પાર્ટી હાઇકમાન્ડને પહોંચી જતી હતી. જે હવે જો રાહુલ ગાંધીનો સમય ના મળે તો ગુજરાત કોંગ્રેસ પોતાની વાત હાઇકમાન્ડ સુધી પહોંચાડી શકતી નથી.

છેલ્લા એક વર્ષમાં આમ આદમી પાર્ટી ઘણી ઝડપથી ઉભરી રહી છે. સુરતમાં કોંગ્રેસની મોટાભાગની જમીન આમ આદમી પાર્ટી ખાઇ ગઈ છે અને ત્યાં સ્થાનિય ચૂંટણીમાં હવે કોંગ્રેસના સ્થાને આમ આદમી પાર્ટી છે. કોંગ્રેસનો સૌથી મોટો વોટર બેઝ મુસ્લિમ વોટર હતો, જેના ઉપર પણ અસદુદ્દીન ઓવૈસીના ગુજરાત રાજનીતિમાં સક્રિય થવાથી હવે ઘણો મોટો ખતરો ઉભો થયો છે. આ સપ્તાહે ઓવૈસી જ્યારે ગુજરાત આવ્યા તો ગુજરાત કોંગ્રેસના કોર્પોરેટર તેમને મળ્યા હતા, એટલું જ નહીં બધાએ ખુલીને કહ્યું કે રાજનીતિક લોકો મળે તો રાજનીતિક ચર્ચા પણ થાય છે. આ રીતે ગુજરાત કોંગ્રેસમાં પોતાનો દબદબો વધારવા માટે ઓવૈસી સાથે હાથ મિલાવવાની સંભાવના પણ વ્યક્ત કરી જેથી કોંગ્રેસ નેતૃત્વ પર દબાણ બનાવીને નવા પદ પર દાવેદારી નિભાવવા માંગે છે.

આવામાં કોંગ્રેસ કાર્યકર્તાઓમાં પણ નિરાશા જોવા મળી રહી છે. જેથી હવે કોંગ્રેસ નેતાઓની નહીં પણ પ્રશાંત કિશોરની માંગણી થઇ રહી છે. જોકે ગુજરાત કોંગ્રેસમાં કેટલા હાથ અજમાવવો જોઈએ એ પ્રશાંત કિશોર પણ વિચારતા હશે કારણ કે ગુજરાતમાં હજુ પણ બ્રાન્ડ નરેન્દ્ર મોદી સાથે મુકાબલો સૌથી મોટી ચેલેન્જ છે.

જોકે હાલ જાણકારોને એ લાગી રહ્યું છે કે જે રીતે અન્ય પાર્ટીઓ ગુજરાતમાં પગ જમાવી રહી છે આવામાં કોંગ્રેસ ગુજરાતમાં ધરખમ પરિવર્તન ના થયા તો અહીં પણ કોંગ્રેસની સ્થિતિ ઉત્તર પ્રદેશ અને બિહાર જેવી થઇ જશે જ્યાં કોંગ્રેસ પોતાના દમ પર ચૂંટણી લડવાની સ્થિતિમાં નથી. તેમણે કોઇપણ સ્થિતિમાં રાજ્યની મોટી રાજનૈતિક તાકાત સાથે જોડાવવું જ પડશે ત્યારે જ રાજ્યની રાજનીતિમાં થોડીક પકડ બની રહેશે.
Published by:Ashish Goyal
First published: