ગરમા ગરમ ભજિયા : લૉકડાઉનમાં ભજિયા-સમોસાનું ખુલ્લેઆમ વેચાણ, વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: April 29, 2020, 11:44 AM IST
ગરમા ગરમ ભજિયા : લૉકડાઉનમાં ભજિયા-સમોસાનું ખુલ્લેઆમ વેચાણ, વીડિયો વાયરલ
ભજીયા-સમોસા વેચતો વીડિયો વાયરલ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં વધુ એક યુવકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો.

  • Share this:
સુરેન્દ્રનગર : હાલ કોરોના વાયરસને પગલે રાજ્યમાં લૉકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે. આ દરમિયાન જીવનજરૂરિયાતની વસ્તુઓ સિવાય તમામ લારી, ગલ્લા અને દુકાનો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા (Surendranagar District)ના ધ્રાંગધ્રામાં લૉકડાઉનના ભંગનો એક વીડિયો (Video) સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ ખુલ્લેઆમ ભજિયા અને સમોસા વેચી રહ્યો છે. નોંધનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં એક કોરોના પોઝિટિવ કેસ (Corona Positive Case) નોંધાયેલો છે. હાલ તેની સુરેન્દ્રનગરની સિવિલ હૉસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.

ધ્રાંગધ્રા શહેરનો વીડિયો વાયરલ

લૉકડાઉન વચ્ચે ધ્રાંગધ્રા શહેરની ફુલ્લી વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક વ્યક્તિ ખુલ્લેઆમ જાહેરમાં ભજિયા અને સમોસાનું વેચાણ કરી રહ્યો છે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ ન થતું હોવાનું માલુમ પડી રહ્યું છે. કોરોનાના સંક્રમણનો ખતરો છે ત્યારે આ પ્રકારનું કૃત્ય નિંદાને પાત્ર છે. આ મામલે શા માટે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી તે પણ એક સવાલ છે.

કોરોના શંકાસ્પદ દર્દી.


થાનના વધુ એક યુવકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા

સુરેન્દ્રનગરના થાનમાં એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે અન્ય એક યુવકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. આ યુવક ડ્રાઇવિંગના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેની ટ્રાવેલ હિસ્ટ્રી કચ્છની છે. યુવક કચ્છની જેલમાં તેના ભાઈને છોડાવવા માટે ગયો હતો. બીજી તરફ તંત્રની બેદરકારી પણ સામે આવી છે. યુવકને શંકાસ્પદ લક્ષણો જણાવા છતાં તેને સી.એચ.સી. સેન્ટર ખાતે કલાકો સુધી કોઈ સારવાર મળી ન હતી. આ ઉપરાંત થાન આરોગ્ય કેન્દ્રમાં કલાકો સુધી વીજળી પણ ગુલ રહી હતી. દર્દીને રિફર કરવા માટે 108ને બોલાવવામાં આવી હતી, જે પણ પાંચ કલાક મોડી આવી હતી. વીજળી ન હોવાને કારણે યુવકને પાંચ કલાક સુધી બહાર ઓટલા પર જ બેસવું પડ્યું હતું.
થાનમાં એક પોઝિટિવ કેસ નોંધાયેલો છે ત્યારે હવે બીજો શંકાસ્પદ કેસ સામે આવતા ફફડાટ ફેલાયો છે. બીજી તરફ એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે થાનમાં હૉટસ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ નથી થયા. જે યુવકમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે તે પોઝિટિવ દર્દીના ઘરની નજીક જ રહેતો હોવાનું માલુમ પડ્યું છે. આરોગ્ય વિભાગની ટીમ સર્વે માટે જ્યારે પહોંચી હતી ત્યારે તેણે તાવ અને ગળામાં બળતરાની ફરિયાદ કરી હતી. જે બાદમાં તેને વધારે સારવાર માટે સુરેન્દ્રનગરની ગાંધી હૉસ્પિટલમાં ખસેડાયો છે.
First published: April 29, 2020, 11:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading