Home /News /gujarat /હવે મોહનથાળ પર રાજનીતિ: કોંગ્રેસ ગામે ગામ અંબાજી મંદિરમાં મોહનથાળ ધરાવશે, ચલો અંબાજીનો નારો આપ્યો
હવે મોહનથાળ પર રાજનીતિ: કોંગ્રેસ ગામે ગામ અંબાજી મંદિરમાં મોહનથાળ ધરાવશે, ચલો અંબાજીનો નારો આપ્યો
જગદીશ ઠાકોરે સરકારને સવાલ પૂછયા હતા કે શું જરૂર ઉભી થઇ કે મોહનથાળ બંધ કરવો પડ્યો.
માધુપુરા અંબાજી મંદિરના દર્શન કર્યા બાદ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પત્રકારોના સવાલ જવાબ આપતા કહ્યુ હતું કે અંબાજી મોહનથાળ પ્રસાદ બંધ કરાવી ભાજપ તમામ વર્ગ અને સમાજમાં ટેસ્ટ કરવા માંગે છે.
અમદાવાદ: સુપ્રસિદ્ધ અને માં જગત જનની અંબાજી ધામમાં મળતા મોહનથાળ પ્રસાદનો વિવાદ હવે ધીમે-ધીમે રાજકિય મુદો બની રહ્યો છે. એક તરફ સરકાર દ્વારા અંબાજી મંદિરમાં મળતા ચિક્કી પ્રસાદ અંગે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે અંબાજીમાં મોહનથાળના બદલ ચિક્કીનો પ્રસાદ ભક્તોને મળશે. ત્યારે કોંગ્રેસ પક્ષે સરકાર સામે બાયો ચઢાવી છે. અને કોંગ્રેસ પક્ષે જાહેરાત કરી છે કે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ ગામેગામ અંબાજી મંદિરમાં મોનહથાળનો પ્રસાદ ધરશે. અને ત્યાર બાદ ચલો અંબાજીનો નારો આપશે.
અંબાજી મંદિરમાં પ્રસાદ રૂપે મળતો મોહનથાળ બંધ કરતા તેના સ્થાને ચિક્કીનો પ્રસાદ રાખવાનો નિર્ણય કરાયો છે. ત્યારે તેના વિરોધમાં રચનાત્મક રીતે કોંગ્રેસ દ્વારા અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ અંબાજી મંદિર ખાતે મોહનથાળનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો. અને માં અંબાની પ્રાર્થના કરવામાં આવી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના નેતાઓ અંબાજી મંદિર પહોચ્યા હતા. અંબાજી મંદિરમાં પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે હુકાર કરતા કહ્યુ હતું કે ભાજપ સરકારના નિર્ણય સામે કોંગ્રેસ ગામે ગામ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ધરશે. અને ભક્તોને પ્રસાદી રૂપે અર્પણ કરશે. અને હજુ સરકાર જાગશે નહીં તો ચલો અંબાજીની કુચ કોંગ્રેસ પક્ષ કરશે. અંબાજીમાં મોહનથાળ પ્રસાદ શરૂ થાય તે કોંગ્રેસ કામ કરશે.
માધુપુરા અંબાજી મંદિરના દર્શન કર્યા બાદ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પત્રકારોના સવાલ જવાબ આપતા કહ્યુ હતું કે અંબાજી મોહનથાળ પ્રસાદ બંધ કરાવી ભાજપ તમામ વર્ગ અને સમાજમાં ટેસ્ટ કરવા માંગે છે.
કોંગ્રેસ દ્વારા અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ અંબાજી મંદિર ખાતે મોહનથાળનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો.
લોકોની લાગણી દુભાવી ભાજપ એજન્ડા સેટ કરવા પ્રયાસ કરે છે. ભુતકાળમાં સમ્મેત શિખર યાત્રાધામને પર્યટન સ્થળ કેન્દ્ર સરકારે જાહેર કર્યું હતું. અને વિરોધ થતા યાત્રા ધામ કરાયુ હતું. ભાજપ ધર્મ સમાજ અને સંપ્રદાયને ડરાવે છે. અંબાજીમાં વેપારી સાથે ગોઠવણ કરી ચીક્કીની મશીનરી લાવી ચીકી શરૂ કરી છે. 51 શક્તિપૂજા પૈકી સૌથી મોટી શક્તિ પીઠ અંબાજી છે. આસ્થા સાથે ધરાવાતો મોહનથાળ બંધ કરી વેપાર શરૂ કર્યો છે. કોંગ્રેસ ગામે ગામ મંદિરે મોહનથાળ ધરાવાશે ચલો યાત્રા ધામ અંબાજી કાર્યક્મ જાહેર કરાશે.
વધુમાં જગદીશ ઠાકોરે સરકારને સવાલ પૂછયા હતા કે શું જરૂર ઉભી થઇ કે મોહનથાળ બંધ કરવો પડ્યો, દાંતા દરબારે કહ્યું છે કે તેમના પુર્વજોએ મોહનથાળ થી પ્રસાદની શરૂઆત કરી હતી. ભાજપ સરકાર કાલે મહુડીમાં સુખડી બંધ કરી ગોળ ધાણા શરૂ કરશે. એવું કહેવા માંગે છે કે અમે ધર્મ પણ અમે કહીએ એમ ચલાવવાનો છે. કટ્ટરતા સાથે વરેલી ભાજપ ટેસ્ટ કરી એમનો એજન્ડા પાર પાડવા માંગે છે. ખેડૂતનો કાયદા યથાવત રહેશે એવી જાહેરાત કરી પાછો લેવો પડ્યો હતો. આમાં પણ સરકારે પીછે હઠ કરવી પડશે.
નોંધનિય છે કે અંબાજી મોહનથાળ મુદે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ કહ્યુ હતું કે, શ્રધ્ધાળુઓની લાગણીને ધ્યાને રાખીને પૌષ્ટિક-સ્વાસ્થ્યપ્રદ ચિક્કીનો પ્રસાદ શરૂ કરાયો છે. મહોનથાળની સાપેક્ષે ચિક્કીના પ્રસાદની સેલ્ફ લાઇફ વધુ છે. દર્શાનર્થીઓ દ્વારા ચિક્કીના પ્રસાદને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કોરોના મહામારી દરમિયાન સૌ પ્રથમવાર ઓનલાઇન દર્શનની સુવિધા શરૂ કરવામાં આવી હતી. જેનો લાભ વિશ્વના 27 જેટલા દેશોના 1.21 કરોડ શ્રદ્ધાળુઓએ લીધો હતો. વિશ્વભરમાંથી શ્રધ્ધાળુઓ અંબાજી ખાતે 'માં અંબા'ના દર્શનાર્થે આવતા હોય છે જેઓ પોતાના વતનમાં 'માં અંબા'નો પ્રસાદ લઈ જવા ઈચ્છતા હોય છે. આ પ્રસાદ સુકો અને વધુ સમય સુધી રહે તેવી લાગણી શ્રઘ્ધાળુઓ દ્વારા કરવામાં આવતી હોય છે.
વધુમાં ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, વર્ષમાં ચાર પ્રકારની નવરાત્રી, દર મહિનાની પૂર્ણિમા, આઠમ તેમજ વિવિધ વ્રતના દિવસે ફરાળી પ્રસાદ હોવો જોઈએ તેવી રજૂઆતો પણ દર્શનાર્થીઓ દ્વારા કરવામાં આવતી હતી. આવી અનેક લાગણીઓને ધ્યાને રાખીને અંબાજી ખાતે પ્રસાદમાં પૌષ્ટિક ચિક્કીના પ્રસાદનું વિતરણ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રસાદની ચિક્કી ઉપવાસમાં પણ ખાઈ શકાય તેવી છે તથા આશરે 3 માસ જેટલા સમય સુધી ગુણવત્તાયુક્ત રહે છે. આ પ્રસાદની ચિક્કી બજારમાં મળતી સામાન્ય ચિક્કી જેવી નથી. આ પ્રસાદની ચિક્કી આરોગ્યવર્ધક સીંગદાણાના માવામાંથી બનાવવામાં આવે છે. 3 મહિના જેટલી વધુ સેલ્ફલાઇફ ધરાવતા આ ચિક્કી ના પ્રસાદને નાગરિકો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
Published by:Rakesh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર