આનંદ જયસ્વાલ, પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર અનુસૂચિત જાતિના લોકો પર અત્યાચારની ઘટના સામે આવી છે. પાલનપુર તાલુકાના નળાસર ગામ રસ્તા મામલે બબાલ થતા ગ્રામજનોએ 58 જેટલા પરિવારોનો બહિષ્કાર કર્યો છે. જે મામલે દલિત સમાજના લોકો આજે જીલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચી બહિષ્કાર કરનાર સરપંચના પતિ સહિત 13 લોકો સામે ગુનો નોંધવા લેખિત ફરિયાદ કરી છે.
પાલનપુર તાલુકાના નળાસર ગામે ખેતરમાંથી અનુસૂચિત જાતિના જીતેન્દ્રભાઈ કલાણીયાના ઘરે જવાના રસ્તો બંધ કરી દેતા સામ સામે લેખિત અરજીઓ થઇ હતી. આ ઝગડા બાદ આ મામલે ગ્રામજનોએ ભેગા થઈ સભા કરી અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કાર કર્યો છે. ગામના અનુસૂચિત જાતિ લોકોનું કહેવું છે કે ગામમાં તેમનો બહિષ્કાર થતાં કરિયાણાની દુકાન પર તેમને કશું જ મળતું નથી. બાળકોને અભ્યાસ માટે પાલનપુર આવવાનું હોઈ ગામના રિક્ષાચાલકો બાળકોને રિક્ષામાં પણ બેસાડતા નથી.
આ તમામ બાબતોને લઈને નળાસર ગામના અનુસૂચિત જાતિના 80 પરિવારના 59 આગેવાનો આજે જિલ્લા પોલીસ વડાની કચેરી પહોંચ્યા હતા. જ્યાં ગામલોકોએ આ પ્રકાનો તઘલખી નિર્ણય લીધો છે તેવા 13 લોકોના નામ સાથે લેખિત ફરિયાદ કરી છે અને આ તમામ આગેવાનો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અનુસૂચિત સમાજના આગેવાન જયેશભાઇ ભાટિયાએ જણાવ્યું હતું કે ગ્રામજનોએ અમારા સમાજનો બહિષ્કાર કર્યો છે. બહિષ્કાર કરનાર 13 આગેવાન લોકો સામે ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા રજુઆત કરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર