કેતન પટેલ, મહેસાણા : ઠાકોર સમાજ સાથે કોંગ્રેસે વિશ્વાસઘાત કર્યો હોવાનું કારણ રજૂ કરી કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધા બાદ ઠાકોર સેનામાંથી જ વિરોધના સૂર ઊઠી રહ્યાં છે. મહેસાણા ઠાકોર સમાજના પ્રમુખ રામજી ઠાકોરે અલ્પેશ ઠાકોર પર સણસણતો આક્ષેપ મૂક્યો છે કે અલ્પેશે ભાજપના ઇશારે રાજીનામું ધર્યું છે. તેમણે વધુંમાં એમ પણ જણાવ્યું હતું કે અલ્પેશે સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે.
રામજી ઠાકોરે કહ્યું,“અલ્પેશ ઠાકોરે આ નિર્ણય પોતાના અંગત સ્વાર્થ માટે લીધો છે. અલ્પેશે ભાજપના ઇશારે સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યુ છે. અલ્પેશે કોંગ્રેસ છોડીને સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે, સમાજ તેને કદી માફ નહીં કરે તેમણે આવો નિર્ણય લેતા પહેલાં 1000વાર વિચાર કરવો પડે. તેમણે કોઈને પૂછ્યા વગર આ નિર્ણય લીધો છે. તેઓ ભાજપના મોટા નેતાઓ સાથે સંપર્કમાં હતા અને તેમણે ભાજપના નેતાઓને ઇશારે જ આ કામ કર્યુ છે. અલ્પેશે સેનાના યુવાનો સાથે વિશ્વાસઘાત કર્યો છે, અમે ઠાકોર સેના ચલાવીશું સમાજના યુવાનો જેમ કહેશે તેમ કહીશું. જો અલ્પેશ ઠાકોર મર્યાદામાં રહેશે તો વાંધો નથી બાકી વિરોધ કરવા આવશે તો અમે તૈયાર છીએ.” ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું તેનું પ્રમુખ કારણ ઠાકોર સમાજને કોંગ્રેસમાં થતો અન્યાય અને સમાજની ઉપેક્ષા થતી હોવાનું દર્શાવ્યું હતું.
અલ્પેશે રાજીનામું ધર્યા બાદ ભાજપમાં જોડાવાના સંકેતો આપ્યા નથી પરંતુ તેમણે જાહેરાત કરી છે કે તે ઠાકોર સમાજના અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર માટે પ્રચાર કરશે. સ્વરૂપજી ઠાકરો લોકસભાની બનાસકાંઠા બેઠક પર અપક્ષ ઉમેદવાર છે. અલ્પેશે કહ્યું હતું કે તે પાટણમાં જગદીશ ઠાકોરને નહીં નડે પરંતુ બંને પક્ષને હેરાન કરશે. આ સાથે અલ્પેશે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે 2022માં તે કિંગ મેકર બનશે. છેલ્લા કેટલાય સમયથી અલ્પેશ ઠાકોરની કોંગ્રેસ છોડવાની ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે આ ઘટના બાદ ઉત્તર ગુજરાતના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર