હિતેન્દ્ર બારોટ, ગાંધીનગરઃ દેશમાં ચૂંટણીનો ડંકો વાગી ગયો છે. દરેક પાર્ટી એકબીજાના ઉમેદવારની પસંદગીમાં વ્યસ્ત છે, તો કેટલાક ઉમેદવારની જાહેરાત પણ કરવામાં આવી છે. જો કે આ જાહેરાતથી નારાજગી પણ સામે આવી છે. ગુરુવારે ભાજપે બનાસકાંઠા સીટ પર પરબત પટેલની જાહેરાત કરી, જેને લઇને અહીં ઠાકોર સમાજ નારાજ હોવાનું સામે આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બનાસકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે પરબત પટેલની જાહેરાતને લઈ ઠાકોર સમાજમાં નારાજગી ફેલાઇ છે. ત્યારે સ્થાનિક રાજકારણ ગરમાયું છે અને ઠાકોર સમાજ પાર્ટી સામે બાયો ચડાવવાના મૂડમાં લાગી રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લા ભાજપના સમર્થક ઠાકોર સમાજે કેશજી ઠાકોર, સંસદ સભ્ય લીલાધર વાઘેલાએ બનાસકાંઠા બેઠક માટે દાવેદારી નોંધાવી હતી. ત્યારે આ આગેવાનોને સાઇડ લાઇન કરી પાર્ટીએ પરબત પટેલની પસંદગી કરી છે, જેને લઇને ઠાકોર સમાજના આગેવાનોમાં નારાજગી વર્તાઇ રહી છે. આગામી દિવસોમાં બનાસકાંઠાના ઠાકોર સમાજના આગેવાનો સંમેલન બોલાવી શકે છે.
બીજી બાજુ અંગત સૂત્રોનું કહેવું છે કે હાલ ભાજપે પાટણ બેઠકના ઉમેદવારની જાહેરાત કરી નથી, જો અહીં પણ ઠાકોર સમાજની અવગણના થશે તો કોઇ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઠાકોર પ્રભાવિત મતવિસ્તારોમાં ન્યાય નહીં મળે તો અપક્ષ ઉમેદવારી પણ નોંધાવવાની તૈયારીઓ ઠાકોર સમાજના આગેવાનોએ કરી લીધી છે. ત્યારે ફરીએકવાર ઉત્તર ગુજરાતમાં ટિકિટને લઇને હાઇકમાન્ડમાં ચર્ચાઓ જાગી છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર