શક્તિ અને ભક્તિના પર્વ એવા ચૈત્રી નવરાત્રિને ગુજરાત સહિત દેશભરમાં મનાવાઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં આવેલી અલગ અલગ શક્તિપીઠોમાં વિશેષ રીતે ઉજવણી કરવામાં આવે છે. માતાના દર્શન કરવા માટે આદ્યશક્તિના પાવનકારી ધામ એવા શક્તિપીઠ અંબાજીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યુ છે. આજે અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે મંગળા આરતીના દર્શનનું વિશેષ મહત્વ હોય છે. જેનો લાભ લેવા માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવી મળી હતી.આરતીનો ઘંટનાદ થતા જ ભક્તો જાણે ઘેલા બની ગયા હોય તેમ મંદિરમાં દોડીને માતાની એક ઝલક મેળવવા આતુર જોવા મળ્યા.
આ બાજુ, આજથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઇ છે ત્યારે નવરાત્રીની શરૂઆતની સાથે સાથે વિક્રમસવંત 2075 નો પણ આજે પ્રથમ દિવસ છે જેથી અમદાવાદ ના નગરદેવી માઁ ભદ્રકાળી મંદિર ખાતે આજે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો રહ્યો. સામાન્ય સંજોગોમાં પણ અમદાવાદીઓ પોતાના દરેક શુભકાર્યો ની શરૂઆત માઁ ભદ્રકાળીના આશીર્વાદથી કરતા હોય છે. ત્યારે આજે ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે માઁ ભદ્રકાળીને વિશેષ શણગાર કરવામાં આવ્યો અને મંદિરને પણ ફૂલોથી શણગારવામાં આવ્યું.
બીજી બાજુ, આજથી માશક્તિની આરાધનાનો પર્વ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવરાત્રી દરમિયાન પાવાગઢ ખાતે મહાકાળી અને ભદ્રકાળી માતાના દર્શનાર્થે આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. માતાના દરબારમાં આવતા ભક્તોને ધ્યાનમાં લઈ એસટી વિભાગ દ્વારા વધુ બસોની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે જિલ્લા વહિવટ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ છે. જેમાં ડિવાયએસપી, પીઆઈ તતેમજ પીએસઆઈ કક્ષાના અધિકારીઓ, પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનો તૈનાત કરાયા છે. જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોના ધસારાને પહોચી વળવા દર્શનનો સમય વધારવામાં આવ્યો છે. મંદિર ફક્ત રાત્રીના 1થી 4 કલાક સુધી જ બંધ રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર