ગાંધીનગર ખાતે શંકરસિંહ વાઘેલા ફરી એક્ટિવ થઇ ગયા છે, આ વખતે તેઓએ ભાજપ કે કોંગ્રેસ નહીં પરંતુ પ્રાદેશિક પક્ષોને સાથે રાખી સરકારને ઘેરવાનો તખ્તો ઘડ્યો છે. ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેઓએ મોદી સરકાર અને રૂપાણી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. શંકરસિંહે કહ્યું કે ગુજરાતમાં રૂપાણી સરકાર પેટ્રોલના ભાવ કેમ નથી ઘટાડતી. મોદીએ કરેલા વાયદાઓ હજી પૂરા થયા નથી.
શંકરસિંહ વાઘેલા હવે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી(એનસીપી)માં જોડાયા છે. આ જાહેરાત બાદ તેઓએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં તેઓએ આવનારી લોકસભા ચૂંટણીમાં મોદી વિરુદ્ધ લડવાની વાત કરી હતી. તેઓએ કહ્યું કે 2019ની લોકસભા ચૂંટણીમાં જે પણ પક્ષો ભાજપ વિરોધી છે તેઓને હું પ્રત્યેક કે પરોક્ષ રીતે સપોર્ટ કરીશ. ત્યારબા શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે થોડા દિવસથી હું દેશભરમાં ફરી રહ્યો હતો, વિવિધ રાજ્યોની મુલાકાત લીધી અને ત્યાંની સ્થાનિક પાર્ટીના નેતાઓ સાથે ચર્ચા કરી તેઓને 2019માં ભાજપ વિરુદ્ધ એક સાથે મળી લડવાની સલાહ આપી છે. હું તમામ પક્ષોને સપોર્ટ કરીશ અને ભાજપને હરાવવાના પ્રયાસો કરીશ.
ગુજરાતમાં કેમ ન ઘટાડી શકાય પેટ્રોલના ભાવ ?
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે જ્યારે દેશમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે મોદીથી લઇને અનેક નેતાઓએ પેટ્રોલ મુદ્દે કેન્દ્ર પર પ્રહાર કર્યા હતા, જેમાં ત્યાં સુધી કહ્યું કે ડૂબ મરો, પરંતુ હું કહું છે કે આજે ગુજરાતમાં અને કેન્દ્રમાં તમારી સરકાર છે તો કેમ પેટ્રોલના વધી રહ્યાં છે. બોલતા પહેલા વિચાર કરવો જોઇએ. જ્યારે નરેન્દ્રભાઇ કેન્દ્રમાં જતા હતા ત્યારે અમે કીધું હતું કે તમે જનતાને અનેક વાયદાઓ આપ્યા છે, આ વાયદા પૂરા કરવા માટે અમે તમને ચાર વર્ષ આપ્યા છે, હવે તમારે હિસાબ આપવાનો સમય આવી ગયો છે.