"શંકર" કોપાયમાન: નર્સિંગની છોકરીઓને તગેડી મૂકી!

News18 Gujarati
Updated: April 21, 2018, 9:24 PM IST
શંકર ચૌધરીના ઈશારે હવે નર્સિંગની 108 જેટલી વિદ્યાર્થિનીઓને અહીંની હોસ્ટેલમાંથી તગેડી મુકવામાં આવી છે

શંકર ચૌધરીના ઈશારે હવે નર્સિંગની 108 જેટલી વિદ્યાર્થિનીઓને અહીંની હોસ્ટેલમાંથી તગેડી મુકવામાં આવી છે

  • Share this:
અમદાવાદ : ના, શીર્ષક જોઈને ચોંકશો નહિ ! આ ભગવાન શંકરની વાત નથી. આ વાત છે, પૂર્વ આરોગ્ય મંત્રી અને વાવના હારેલા ધારાસભ્ય શંકર ચૌધરીની. એક સમયે ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદનું સ્વપ્ન સેવનારા, હાર્યા બાદ રાજ્યસભાના ઉમેદવાર બનવાના અભરખા રાખનારા અને આખરે 'અમૂલ' ડેરીના ચેરમેન બનવાનું સ્વપ્ન રોળાઈ જતા હવે લગભગ નવરાધૂપ બનેલા શંકર ચૌધરીએ 'લાઈમલાઈટ'માં રહેવા હવે એક નવી તરકીબ શોધી કાઢી છે.

કહેવાય છે કે, પાલનપુર સિવિલના ખાનગીકરણનો મામલો હવે ચૌધરીસાહેબની સરમુખત્યારશાહીનો ભોગ બની રહ્યો છે. સરકારની હોસ્પિટલનો કથિત રૂપે ગેરકાયદે કબજો લઈ લીધા બાદ શંકર ચૌધરીના ઈશારે હવે નર્સિંગની 108 જેટલી વિદ્યાર્થિનીઓને અહીંની હોસ્ટેલમાંથી તગેડી મુકવામાં આવી છે.

અહીં કેમ્પસમાં જ રહીને નર્સિંગનો અભ્યાસ કરનારી દીકરીઓને કહી દેવામાં આવ્યું છે કે કોઈએ હવે ભૂલથી પણ હોસ્ટેલમાં આવવું નહીં. આ વિદ્યાર્થીનીઓને ગઈકાલે રાત્રે જ  હોસ્ટેલ ખાલી કરાવી દેવામાં આવી છે . આજે 21 એપ્રિલ 2018ના રોજ અમદાવાદની બે વિદ્યાર્થીની હોસ્ટેલમાં આવી તો તેમનો સામાન ઉંચકીને બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. કેટલીક છોકરીઓને એક મહિનાની રજા આપીને ઘરે  ભગાડી દેવામાં આવી છે. જે હાજર નહોતી તેવી વિદ્યાર્થીનીઓનો સામાન એક રુમમાં બંધ કરી ઉપરથી તાળું મારી દેવામાં આવ્યું છે.

આ અંગે "ન્યૂઝ 18" દ્વારા તપાસ કરવામાં આવી તો જણાવવામાં આવ્યું કે, હોસ્ટેલનું રીનોવેશન કરવાનું હોઈ, વિદ્યાર્થીનીઓને હોસ્ટેલ ખાલી કરી દેવાની સૂચના આપી છે. ચૌધરી સાહેબ, રીનોવેશન તો તબક્કાવાર પણ થઇ જ શકે'ને ! હકીકત એ છે કે , મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એમસીઆઈ) દ્વારા અહીં મેડિકલ કોલેજને મંજૂરી આપવી કે નહિ તે અંગેનું ઇન્સ્પેકશન આવવાનું છે.  આ ઇન્સ્પેકશનમાં નર્સિંગની આ હોસ્ટેલને મેડિકલ કોલેજના બિલ્ડીંગ તરીકે બતાવવાની હોઈ હોસ્ટેલ ખાલી કરાવી દેવામાં આવી છે.

અમદાવાદની બે વિદ્યાર્થીનીનો સામાન ઊંચકીને બહાર ફેંકી દેવામાં આવ્યો તે જ સમયે  વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પાલનપુર સિવિલ  હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા અને તેમને હોસ્ટેલમાં એક રૂમ અપાવી હતી. તેમણે સરકારને તાકીદ કરી છે કે હવે અહીંની વિદ્યાર્થિનીઓ પર અત્યાચાર કરવાનું બંધ કરવામાં આવે. સિવિલની નર્સિંગ હોસ્ટેલ ખાલી કરાવવાના મામલે જિજ્ઞેશ મેવાણીએ હોસ્ટેલ સંચાલકોને ખખડાવ્યા હતા.

"આમ આદમી પાર્ટી"ના ભેમા ભાઈ ચૌધરીએ આ પગલાંને શંકર ચૌધરીની તાનાશાહી તરીકે દર્શાવી છે. યાદ રહે, આ હોસ્પિટલ સરકારની માલિકીની છે, હજુ સુધી  શંકર ચૌધરીના ટ્રસ્ટને તેનો કબજો સોંપવામાં આવ્યો નથી. આમ છતાં, ચૌધરી અહીં બેહુદુ વર્તન કરી રહ્યા છે જે અનુચિત છે. આમ પણ, શિક્ષણ ક્ષેત્રે નિષ્ફળ રહેલી સરકાર આરોગ્ય ક્ષેત્રનું પણ ઝડપભેર ખાનગીકરણ કરવાની દિશામાં અગ્રેસર થઈને સામાન્ય માણસનું જીવવનું દોહ્યલું કરી રહી છે !
First published: April 21, 2018
વધુ વાંચો
अगली ख़बर