North Gujarat Rain Update : ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મનમુકીને હેત વરસાવી રહ્યા છે. બનાસકાંઠામાં ત્રણ દિવસથી ભારે વરસાદ (Banaskatha Heavy Rain) ને પગલે હાલ બેહાલ થઈ ગયા છે. ડીસાના ખેંટવા ગામની સ્થિતિ વિકટ બની છે. અનાજ પલળી ગયું, ખાવા માટે કઈ નથી. પશુઓને પણ જે ખવડાવવાનું એ બધું જ પલળી ગયું. જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.
અમદાવાદ : બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ (Banaskatha Heavy Rain) થી ડીસા નજીકના ખેંટવા ગામ (Khentve Village Rain) માં પાણી ભરાયા છે. ગામમાં અંદર જવાના તમામ માર્ગો પર પાણી ભરાતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ વરસાદની સમગ્ર સ્થિતિ અંગે માહિતી મેળવવા ખેંટવા ગામે પહોંચી છે. ત્યારે આ ખેંટવા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જાણે આ ગામ ટાપુ પર વસેલું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ગામમાં ચાલીને જવાય તેવી સ્થિતિ ન હતી. જેથી ટ્રેક્ટર બેસીને ગામમાં અમારી ટીમને જવું પડ્યું. હાલ જળભરાવના કારણે આ ગામ સંપર્ક વિહોણું થયું છે.
હાલ ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ટ્રેક્ટરમાં બેસી ન્યૂઝ18 ગુજરાતીની ટીમ ગામમાં જઈ રહી હતી ત્યારે ત્યાંના સ્થાનિકે અમારી ટીમને ગામ લોકોને થઈ રહેલી મુશ્કેલી અંગે વાત કરી, તો તેમણે કહ્યું 2015 અને 2017ની યાદ અપાવી દીધી.
જો આ ગામમાં મેડિકલ ઇમરજન્સી આવે તો આ ખેંટવા ગામના 3000 લોકો પાસે બહાર જવાનો એક જ સહારો છે, એ છે ટ્રેક્ટર. કુદરતના કહેર સામે ગામના સરપંચે પણ કહ્યું અમારી પરિસ્થિતિ ખુબ ખરાબ છે. જો મેડિકલ ઈમરજન્સી આવી તો સ્થિતિ વકરી શકે છે.
ગામનું એક ફળિયું બાકી નથી જયાં પાણી ઘુસ્યું ના હોય, આ ગામના રોડ તો દેખાતા જ નથી. ત્યારે ટ્રેક્ટર પર આગળ વધતા વધતા ન્યૂઝ18 ટીમ આ ગામની શાળાએ પહોંચી તો ત્યાં પણ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. આખી શાળા પાણીમાં ગરકાવ થઈ ગઈ. જળભરાવના કારણે ગામ વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે. પાણીનો પ્રવાહમાં આ ગામમાં એવો આવ્યો કો ઘરવખરી બહાર તણાઈને આવી ગઈ. પાણીના પ્રવાહમાં ગેસની બોટલ બહાર તણાઈને આવી ગઈ હતી. આ ગામના પશુપાલકોએ બે દિવસથી દૂધ મંડળીમાં દૂધ ભરાવી શક્યા નથી
ખેંટવા ગામમાં પરિસ્થિતિ ખુબ વિકટ છે. ત્યારે ન્યૂઝ18 ગુજરાતીની ટીમ આ ગામાં આગળ વધી તો વરસાદે સર્જેલી તારાજીનો વધુ એક પુરાવો સામે આવ્યો. અમે એક એવા ફળિયામાં પહોંચ્યા જયાં પશુઓ પણ પાણીમાં રહેવા મજબૂર છે. ઘર-વખરી પાણીમાં ગરકાવ છે. જ્યા જુઓ ત્યાં જમીન નહીં પણ જળ દેખાય છે. જે અનાજ ખાવા માટે અને જીવન ચલાવવા માટે વાવ્યું હતું તે પાણીમાં ગરકાવ થઈ ગયુ. અનાજ પલળી ગયું, ખાવા માટે કઈ નથી. પશુઓને પણ જે ખવડાવવાનું એ બધું જ પલળી ગયું છે. આ પરિવારમાં પાણી સામે લાચાર જોવા મળી રહ્યા છે. ત્યારે લોકો કહી રહ્યા છે ખમૈયા કરો મેઘરાજા
તો ભીલડીના ખતરોમાં 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે. ખેતરોમાં પાણી ભરાતાં મગફળી,એરંડા તથા જુવારના પાકને નુક્સાન થયું છે. જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ભીલડીના ગોગામઢ, પંચવટી સોસાયટી, ગાયત્રી સોસાયટીમાં 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે. હાલ પણ ભીલડીની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે. ત્યારે ભીલડીની પંચવટી સોસાયટીમાં સતત 2 દિવસથી જળભરાવ જોવા મળતા ગામ લોકોમાં રોગચાળો ફાટી નિકળવાની દહેશત સર્જાઇ છે.
બનાસકાંઠામાં પર મેઘો કઈ રીતે આફત બનીને વરસ્યો છે, તે આ રિપોર્ટ પરથી સમજી શકાય છે. તબાહી અને બર્બાદી કેટલી છે જેનો પુરાવો એટલે કાંકરેજનું ખોડા ગામ. ભારે વરસાદ બાદ ખોડા ગામ પાણીમાં ગરકાવ થયું. ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ખોડા ગામનું એકપણ ફળ્યું પાણીની આફતથી બચી શક્યું નથી. ઘરોમાં પણ વરસાદી પાણી ભરાતા ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું. નીચાણવાળા વિસ્તાોરમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ગામમાં રોડ તો દેખાઈ જ નથી રહ્યા. અતિભારે વરસાદના કારણે ગામનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પાણી વચ્ચે જિંદગી જીવવા આ ગામના લોકો મજબૂર થાય છે.
આ બાજુ પાણીના ધસમસતા પ્રવાહે બનાસકાંઠા કેટલાય રસ્તાને હતા નહોતા કરી નાખ્યા. રોડ ધોવાઈ જતાં જોખમી બન્યા છે. અતિભારે વરસાદના કારણે નેશનલ હાઈવે પર ડાંગીયા ગામ પાસે રોડ પર પાણી ભરાયાં. દાંતીવાડા તરફ જતો રોડ પાણીમાં ધોવાઈ ગયો. રોડની એક તરફનો ભાગ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો. ચંડીસરથી દાંતીવાડા તરફ ડાંગીયા ગામ નજીક રોડ ધોવાઈ જતાં રસ્તો જોખમી બન્યો છે. બીજીબાજુ ઝેરડા ગામનું તળાવ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારો માટે આફત આવી છે. ઝેરડા તળાવ ઓવરફ્લો થતા કાંઠા વિસ્તારના કેટલાય ગામોમાં ફફડાટ ફેલાયો છે. જેનાલ અંડર બ્રિજ બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે. તો લડબી નદીમાં ભારે વહેણથી રસ્તાના ટૂકડે ટૂકડા થઈ ગયા. લડબી નદીમાં પાણીનો પ્રવાહ વઘતા 7 ગામનો સંપર્ક તૂટ્યો છે. આ વિસ્તારમાં વરસાદ એવો વરસ્યો છે કે જેનાલ સહિત તેની આસપાસના 6 ગામ વરસાદી પાણીના કારણે ડૂબમાં આવી ગયા છે.
ઉત્તર ગુજરાતના ડેમની સ્થિતિ અંગે વાત કરીએ તો. બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે. દાંતીવાડા ડેમમાં 78 હજાર 240 ક્યુસેક પાણીની આવક થઈ છે. સીપુ ડેમમાં હાલ 14 હજાર 410 ક્યુસેક પાણીની આવક થઈ છે. મોકેશ્વર ડેમમાં હાલ 2 હજાર 94 ક્યુસેક પાણીની આવક થઈ છે.
જો અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો, અરવલ્લી જિલ્લાનો મેશ્વો ડેમ ઓવરફ્લો થયો છે. મધ્યરાત્રિએ સપાટી પરથી 2 સેમી ઉપર પાણી વહી રહ્યું છે. વેસ્ટ વિયર ડેમનું પાણી મેશ્વો નદીમાં વહ્યુંસ જેના પગલે નીચાણવાળા 21 ગામોને એલર્ટ કરાયા છે. શામળાજી સહિતના નદી કાંઠાના વિસ્તારો સતર્ક કરવામાં આવ્યા છે.
આ બાજુ મહેસાણા જીલ્લાના બહુચરાજી તાલુકાના ખાંભેલ ગામમાં વરસાદી પાણી ઘુસ્યા છે. ખેતરોમાંથી પાણી ગામમાં ઘુસ્યા છે. ખાંભેલને જોડતા રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા છે. ખાંભેલ ગામમાં ઢીંચણ સમાં પાણી ઘુસ્યા, ખેતરોમાં પાણી ઓવરફ્લો થતા પાણી ગામમાં ઘુસ્યા, કાયમી સમસ્યા હોવા છતાં યોગ્ય કોઈ નિકાલ ના થતા લોકો પરેશાન.
તો ધરોઈ ડેમ માંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ. નદી કિનારાના ગામડાઓ ને એલર્ટ કરાયા છે. સપ્તેશ્વર મહાદેવ મંદિર અડધુ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. લોકો પાણી નિહાળવા ઉમટ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર