ગાંધીનગર: ગુજરાત (Gujarat) સ્થાપના દિવસ પહેલી મેથી કવોરી (Quarry industry strike) સંચાલકોની હડતાળ શરૂ થઇ છે. જેનો અંત આવે તેવી શક્યતા દેખાઇ રહી છે. 16 દિવસથી ચાલતી હડતાળના પગલે જાગેલી સરકારે કવોરી ઉદ્યોગના 17 પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે. રાજ્યમાં ક્વોરી ઉદ્યોગની હળતાળને કારણે આશરે એક હજાર કરોડથી વધુનું નુકશાન થયુ છે. આ સાથે ગુજરાત બ્લેક સ્ટોન ક્વોરી એસોસિએશને ચિમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી પ્રશ્ન નહીં ઉકેલાય ત્યાં સુધી હળતાળ ચાલુ રહેશે.
ગુજરાત સરકારે ગુજરાત ક્વોરી એસોસિએશન અને ખાણ ખનિજ કમિશ્નર સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં કવોરી ઉદ્યોગની પડતર માંગણીઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેનો હકારાત્મક યોગ્ય ઉકેલ લાવવા માટે સોમવારે ચાર વાગે ગાંધીનગરમાં ભૂસ્તર વિજ્ઞાાન અને ખનીજ કમિશનરની કચેરીએ ક્વોરી એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક પણ યોજાઇ હતી. પરંતુ માંગણીઓ ન સ્વિકારાતા બેઠક સફળ રહી ન હતી.
આજે ફરી ગુજરાત ક્વોરી એસોસિએશનના પ્રતિનિધિઓની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક થવાની છે. ગુજરાત કવોરી એસોસિશેનના પ્રમુખે સરકાર સમક્ષ સ્પષ્ટતા કરી જણાવ્યું હતું કે અમારી તમામ માંગણીઓ રાજ્ય સરકાર દ્વારા લેખિતમાં સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે.
આ હળતાળને કારણે ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ સેકટરો બંધ પડ્યા છે. ક્વોરી ઉત્પાદન બંધ થતા બાંધકામમાં મહત્વપૂર્ણ ભાગ ભજવતી કપચી બિલ્ડરોને ન પહોંચતા તમામ બાંધકામના પ્રોજેક્ટ હાલ બંધ પડ્યા છે. હવે ટૂંક સમયમાં કપચીનો સપ્લાય નહિ પહોંચે તો બિલ્ડરોને કરોડોનું નુકસાન થવાની સાથે બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા બિલ્ડર, કોન્ટ્રાક્ટરો અને મજૂરો માટે પણ વિકટ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે.