Home /News /gujarat /

Power Corridor: લ્યો, હવે બદલીઓમાં પણ વારો પડ્યો, Gujarat Government ટુકડે ટુકડે બદલીઓ કરી રહી છે

Power Corridor: લ્યો, હવે બદલીઓમાં પણ વારો પડ્યો, Gujarat Government ટુકડે ટુકડે બદલીઓ કરી રહી છે

સરકારે પ્રતિ સપ્તાહ બદલીઓ કરવાનું ધોરણ અપનાવ્યું હોય તેમ લાગે છે.

પાવર કૉરિડોર: રાજ્યમાં પ્રથમવાર એવું બન્યું છે કે, સામૂહિક બદલીઓ (transfer) પણ ટુકડામાં કરવામાં આવે છે.

ગાંધીનગર : ગુજરાત સરકાર (Gujarat Government) ટુકડે ટુકડે તેના અધિકારીઓની બદલી કરી રહી છે. રાજ્યમાં પ્રથમવાર એવું બન્યું છે કે, સામૂહિક બદલીઓ (transfer) પણ ટુકડામાં કરવામાં આવે છે. સરકારે પ્રતિ સપ્તાહ બદલીઓ કરવાનું ધોરણ અપનાવ્યું હોય તેમ લાગે છે. એક તરફ વિભાગોના એવા કર્મચારીઓ કે જેઓ ત્રણ કે તેથી વધુ વર્ષથી એક જ ટેબલ સંભાળે છે તેમને બદલવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે બીજી તરફ આઇએએસની બદલીઓ (IAS transfer) પણ સાપ્તાહિક હપ્તામાં થઇ રહી છે. ગુજરાતમાં સનદી અધિકારીઓની બદલી પછી હવે પોલીસ વિભાગના (Gujarat Police) ઉચ્ચ અધિકારીઓની બદલીની સંભાવના ઝડપી બની છે.

વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે જિલ્લા પોલીસ વડા, શહેરોના પોલીસ કમિશનર તેમજ વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં મોટાપાયે ફેરબદલ કરે તેમ મનાય છે. ગૃહ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, 30થી વધુ આઇપીએસ ઓફિસરોની બદલી થવાની સંભાવના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તાજેતરની ગુજરાત મુલાકાત દરમ્યાન પોલીસ વિભાગમાં ફેરબદલની સંભાવનાને બળ મળ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રીએ તેમની સાથે પોલીસ વિભાગમાં જે ફેરફારો કરવાના થાય છે તેની પ્રાથમિક ચર્ચા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસ વિભાગમાં આઇપીએસ ઓફિસરો ઉપરાંત ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતના માળખામાં મોટું પરિવર્તન આવી શકે છે. રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરના પોલીસ કમિશર પણ બદલાય તેવી સંભાવના ગૃહ વિભાગ વ્યક્ત કરી રહ્યું છે.પોલીસ ભવનમાં ફરજ બજાવતા અધિકારીઓ પણ બદલીની યાદીમાં સમાવિષ્ટ છે.

ડિફેન્સ એક્સપોમાં સીએમઓના અધિકારીઓને જવાબદારી

ગુજરાતમાં 10થી 12 માર્ચે ડિફેન્સ એક્સપો થવાનો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીઓ, કેન્દ્રીય બ્યુરોક્રેસી અને વિદેશી મહેમાનોની આગતા-સ્વાગતા માટે સીએમઓના અધિકારીઓ કે. કૈલાસનાથન, પંકજ જોષી અને અવંતિકા સિંઘને મહત્વની જવાબદારી સોંપી છે. એવું ચર્ચાઇ રહ્યું છે કે, ડિફેન્સ એક્સપો માટે વડાપ્રધાન ગુજરાતમાં બે દિવસનું રોકાણ કરવાના છે. તેમની સાથે કેન્દ્રીય ટીમ પણ રોકાણ કરશે. હાલ મહાત્મા મંદિર અને એક્ઝિબિશન સેન્ટરમાં એક્સપો માટેની કામગીરી ચાલી રહી છે. હોટલ લીલાને પણ બુક કરી દેવામાં આવી છે. આ ઇવેન્ટના આયોજનમાં ચીફ સેક્રેટરી પંકજકુમાર, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા અને ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ રાજકુમારનો રોલ પણ મહત્વનો માનવામાં આવે છે. 100 જેટલા દેશોના ડેલિગેટ્સ આ એક્સપોમાં ઉપસ્થિત રહેવાના છે.

ત્રણ આઇએએસ ઓફિસર ગુજરાત પાછા આવી રહ્યાં છે

ગુજરાત કેડરના 1987 બેચના આઇએએસ રાજકુમાર દિલ્હીથી પરત આવ્યા પછી ભારત સરકારમાંથી વધુ ત્રણ ઓફિસરો ડેપ્યુટેશન પરથી પાછા આવી રહ્યાં છે. આ ત્રણ ઓફિસરોમાં એસ. અપર્ણા, મોના ખંધાર અને ટી. નટરાજનનો સમાવેશ થાય છે. પહેલાં અમેરિકા અને પછી ભારત સરકારમાં કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઝર મિનિસ્ટ્રીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા 1988ની બેચના એસ. અપર્ણાનું પોસ્ટીંગ નાણા અથવા ગૃહ વિભાગમાં થાય તેવી સંભાવના છે. અગાઉ તેમણે ગૃહ વિભાગમાં ડેપ્યુટી સેક્રેટરી અને નાણા વિભાગમાં સચિવ (ખર્ચ)ની જવાબદારી સંભાળી ચૂક્યાં છે. સચિવાલયમાં ચાલતી ચર્ચા પ્રમાણે જૂન 2022માં રાજકુમાર ચીફ સેક્રેટરી બની જશે ત્યારે અપર્ણાની સચિવાલયમાં મહત્વની જવાબદારી હશે. અપર્ણા ઓક્ટોબર 2023માં વયનિવૃત્ત થાય છે.

અન્ય બે આઇએએસ ઓફિસરો પૈકી મોના ખંધાર હાલ ટોક્યો, જાપાન એમ્બેસીમાં ઇકોનોમિક એન્ડ કોમર્સમાં ઓગષ્ટ 2019થી ફરજ બજાવી રહ્યાં છે. જ્યારે, ટી. નટરાજન આઇએમએફ, યુએસએમાં ઇડીના સિનિયર એડવાઇઝર તરીકે ઓગષ્ટ 2019થી ફરજ બજાવે છે. આ બન્ને ઓફિસરો પણ પાછા આવી રહ્યાં છે. ગુજરાત કેડરના વધુ એક ઓફિસર રાજીવ ટોપનો પણ હાલ વર્લ્ડબેન્ક, યુએસએમાં ઓગષ્ટ 2020થી ફરજ બજાવી રહ્યાં છે. જોકે, તેમને હજી પાછા આવવામાં ઘણો સમય છે. આ અગાઉ તેઓ વડાપ્રધાન કાર્યાલયમાં ફરજ બજાવતા હતા.

ગુજરાત કેડરના એકપણ ઓફિસર કેબિનેટ સેક્રેટરી નહીં

ભારતના વિકાસમાં ગુજરાતનો મોટો ફાળો રહ્યો હોવા છતાં 1950થી અત્યાર સુધીમાં આવી ચૂકેલા 32 જેટલા કેબિનેટ સેક્રેટરી પૈકી ગુજરાત કેડરના એક પણ આઇએએસ અધિકારીને તક મળી નથી. રાજ્યના બે ડઝનથી વધુ સનદી ઓફિસરો કેન્દ્ર સરકારમાં ફરજ બજાવે છે. છતાં વર્ષોથી આ સુપ્રીમ પોસ્ટ બીજા રાજ્યની કેડરના ઓફિસર પાસે ગઇ છે. કેબિનેટ સેક્રેટરીની સિનિયર પોસ્ટ માટે આખા દેશના આઇએએસ ઓફિસરો ભલામણ કરતા હોય છે પરંતુ આ પોસ્ટ માટે લાયક ઉમેદવાર હોવા છતાં ગુજરાત કેડરને ન્યાય મળ્યો નથી. 2010 પછી કેબિનેટ સેક્રેટરીનો પોસ્ટ પ્રાઇમ મિનિસ્ટરના અંડરમાં આવે છે. આ પોસ્ટ પર અધિકારીની ટર્મ વધુમાં વધુ ચાર વર્ષની હોય છે. કેબિનેટ સેક્રેટરીએ કેન્દ્રના તમામ વિભાગોના હેડ હોય છે. તેઓ સિવિલ સેવા બોર્ડના અધ્યક્ષ તરીકે કામ કરે છે. એ ઉપરાંત તેમની પાસે વિશાળ સત્તા હોય છે. વિદેશ મંત્રાલયને બાદ કરતાં વિભાગોના સચિવ, અધિક સચિવ અને સંયુક્ત સચિવ જેવા પદોમાં પોસ્ટીંગ માટે તે ભલામણો કરતા હોય છે. કેબિનેટનો એજન્ડા તૈયાર કરવા ઉપરાંત તેઓ વડાપ્રધાનના વરિષ્ઠ સલાહકાર તરીકેનું કાર્ય પણ કરે છે.

દેશના પહેલાં કેબિનેટ સેક્રેટરી એનઆર પિલ્લાઇ હતા. તેમની નિયુક્તિ 6 ફેબ્રુઆરી 1950માં થઇ હતી અને તેઓ 13મી મે 1953 સુધી કાર્યરત હતા. ચાર વર્ષ સુધી કામ કર્યું છે તેવા અધિકારીઓમાં બીડી પાંડે (પશ્ચિમ બંગાળ) અને પીકે સિંહા (ઉત્તરપ્રદેશ) છે. બાકીના કેબિનેટ સેક્રેટરીનો પિરીયડ ચાર વર્ષ કરતાં ઓછો રહ્યો છે. સૌથી ઓછી એટલે કે માત્ર ત્રણ મહિના અને 26 દિવસની મુદ્દત માટે ભારતના નિવૃત્ત ચૂંટણી કમિશનર ટીએન સેશાન રહ્યાં છે. જ્યારે વીસી પાંડે, એમકે વેલ્લોદી, એસ રાજગોપાલ એક વર્ષ કરતાં ઓછો સમય સુધી કેબિનેટ સેક્રેટરી તરીકે રહ્યાં છે.

આ પણ વાંચો - પાવર કૉરિડોર: પંકજકુમાર, રાજીવ ગુપ્તા સહિત 17 IAS આ વર્ષે નિવૃત્ત થશે

પોલીસ કર્મચારીઓના આવાસ માટે 10,000 કરોડ જોઇશે

ગુજરાતમાં વિવિધ જગ્યાએ ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને સરકારી આવાસમાં હજી પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવાસની ગુણવત્તા અને કક્ષામાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં રાજ્યના 51 ટકા પોલીસ કર્મચારીઓને હજી રહેણાંકના આવાસ આપી શકાયા નથી. ગુજરાત પોલીસ આવાસ નિગમ વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે રહણાંકના આવાસ બનાવે છે. આ નિગમે અત્યાર સુધીમાં 47380 આવાસો તૈયાર કરીને પોલીસ કર્મચારીઓને રહેવા માટે આપ્યાં છે તેમ છતાં હજી પણ 48766 જેટલા આવાસ બનાવવાના બાકી છે. નિગમના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારીઓ માટે સરકારી આવાસ બનાવવા માટે અમને પ્રતિવર્ષ 1000 કરોડ રૂપિયા લેખે આગામી 10 વર્ષ માટે 10,000 કરોડ રૂપિયાની આવશ્યકતા છે. અમે દર વર્ષે 5000 આવાસ બનાવી શકીએ તે માટે સરકારે અમને 1000 કરોડ રૂપિયા આપવા પડે તેમ છે. જો સમયસર ગ્રાન્ટ મળશે તો આગામી 10 વર્ષમાં અમે 50,000 પોલીસ આવાસ બનાવવા તૈયાર છીએ.

આ પણ વાંચો - પાવર કોરિડોરના તમામ આર્ટિકલ અહીં ક્લિક કરીને વાંચો

તેમણે કહ્યું હતું કે, પોલીસ વિભાગના આવાસમાં અલગ ઓળખ ઉભી થાય તે હેતુથી અમે રહેણાંક અને બિન રહેણાંકના આવાસો માટે કલર કોડ નિશ્ચિત કર્યો છે. પોલીસ આવાસ માટે જમીન ખૂબ મોંઘી હોવાથી અમે હવે ઓછી જમીનમાં વધુ આવાસ બનાવી શકાય તે માટે બહુમાળી આવાસ તૈયાર કરી રહ્યાં છીએ. નિગમે અત્યાર સુધી પોલીસ આવાસ માટે 4351 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. તેમ છતાં 49 ટકા પોલીસ કર્મચારીઓને રહેવા માટેના આવાસ આપી શકાયા છે. અધિકારીએ કહ્યું હતું કે, સરકારે પોલીસના આવાસની કક્ષામાં વધારો કર્યો છે. જે અનુસાર કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને પહેલાં વન BHK ના આવાસ મળતા હતા તે હવે ટુ BHK ના કરવામાં આવ્યા છે, જ્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટરના આવાસ પહેલાં ટુ BHK ના હતા તેને થ્રી BHK ના કરવામાં આવ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gandhinagar News, Gujarat Government, Power Corridor, ગાંધીનગર, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन