Power corridor: ડીજીપી આશિષ ભાટિયાની કાર્યશૈલીથી પોલીસ ભવનમાં બેસતા ઉચ્ચ અધિકારીઓ હાલ તૌબા પોકારી ગયા છે. કારણ કંઇ મોટું નથી પણ વિચિત્ર અને અટપટું જરુર છે.
ગાંધીનગર: 1985 બેચના ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાની (Gujarat DGP Ashish Bhatia) કાર્યશૈલીથી પોલીસ ભવનમાં બેસતા ઉચ્ચ અધિકારીઓ હાલ તૌબા પોકારી ગયા છે. કારણ કંઇ મોટું નથી પણ વિચિત્ર અને અટપટું જરુર છે. ડીજીપી આશિષ ભાટિયાની લાંબી કલાકો સુધીની મિંટીગોના કારણે પોલીસ ભવનના અધિકારીઓ જ નહી પરંતુ જિલ્લાના પોલીસ વડાઓ, પોલીસ કમિશ્નરો અને રેન્જના અધિકારીઓ પણ તૌબા પોકારી ગયા છે.
'ડીજીપી કારણ વગર જ બેઠકો લાંબી ચલાવે છે'
અધિકારીઓના માનવા પ્રમાણે, ડીજીપી ભાટિયા કારણ વગર જ બેઠકો કલાકો સુધી લંબાવે છે. જે અધિકારીઓનું મિટીંગમાં કામ પણ ન હોય, તેઓએ પણ ડીજીપી ભાટિયાના ઓવરઓલ આદેશને શિરોમાન્ય રાખી ફરજિયાત બેઠકમાં બેસવું પડે છે. જેના પરિણામે સમય અને પૈસા બંન્નેનો વ્યય થઇ રહ્યો છે. આ ઉપરાંત અધિકારીઓ અનુભવી રહ્યા છે કે, લાંબી લાંબી ચર્ચાઓ અને પરફોર્મન્સ બાદ પણ પોલીસ ભવનના અધિકારીઓ પર ભાટીયાને વિશ્વાસ નથી. તે છતાંપણ અધિકારીઓ પોતાનુ કામ કચવાતા મને નીચી મુંડીએ કરી રહ્યા છે.
નડિયાદના પોલીસ વડાની બદલી થતા પૂર્વ મુખ્ય મંત્રી રુપાણી સરકારના ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ નડિયાદના ડીવાયએસપી અર્પિતા પટેલને નડિયાદ એસપી તરીકેનો ચાર્જ સોંપ્યો હતો. નડિયાદમાં અર્પિતા પટેલના તેમની જ બેચના સિનિયર કલ્પેશ ચાવડા હેડ કવાર્ટર ડીવાયએસપી હોવા છતાં તેમનાંથી જુનિયર અર્પિતા પટેલને એસ.પીનો ચાર્જ સોંપાતા અધિકારીઓમા ભારે કચવાટ જાગ્યો છે. નડિયાદ એસપીની બદલી થતા અને શરુઆતમાં અર્પિતા પટેલને ચાર્જ સોંપ્યા બાદ પહેલા તો બધુ સમુંસુતરુ ચાલતુ હતુ. પરંતુ, હેડ કવાર્ટર ડીવાયએસપી કલ્પેશ ચાવડા અને અર્પિતા પટેલ વચ્ચે રોજ તુ- તુ મે- મે થતી હતી. આ બધાની કંટાળીને આખરે હેડ કવાર્ટર ડીવાયએસપી કલ્પેશ ચાવડા ફેમિલી સીક પર ઉતરી ગયા છે.
નડિયાદમાં હેડ કર્વાર્ટર ડીવાયએસપીને બાદ કરીયે તો હવે એસપી ઇન્ચાર્જ અર્પિતા પટેલ અને એસસીએસટી સેલના ડીવાયએસપી જ હવે હાજર છે. આમ ચર્ચાએ જોર પકડ્યુ છે કે, ગૃહ વિભાગની પ્રાથમિક મુર્ખામીના કારણે કામનો બધો બોજો હાલ ઇન્ચાર્જ એસપી અર્પિતા પટેલ પર આવી ગયો છે.
IPS અધિકારીઓની બદલીઓ બાદ હસમુખ પટેલ લાઇમલાઇટમાં આવશે
ગુજરાતના આઇપીએસ અધિકારીઓમાં ટૂંક સમયમાં મોટા ફેર બદલ થવાના છે. વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ આઇપીએસ અધિકારીઓની બદલીઓ થવાની છે. જોકે, બદલીઓ તો થતા થશે પરંતુ પોલીસ બેડામાં બદલીઓની ચર્ચા એટલી હોટ છે કે, બદલીઓ પહેલા જ તમામને પોસ્ટીંગ અપાઇ ચૂક્યા છે. પોલીસ બેડામાં ચાલતી ચર્ચા મુજબ, પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના વડા હસમુખ પટેલને બરોડા પોલીસ કમિશ્નર બનાવાશે. જ્યારે સુરત પોલીસ કમિશ્નર અજય તોમરને સાઇડ પોસ્ટીગ આપીને તેમની જગ્યાએ સુરત એડીશનલ ડીજી રાજકુમાર પાંડીયનને સુરતના પોલીસ કમિશ્નર બનાવાય તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે. તેવી જ રીતે રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને પણ પોલીસ ભવનમાં લવાશે અને તેમની જગ્યાએ ૧૯૯૫ બેચના એડીજી, રાજુ ભાર્ગવ અને રાજકોટ પોલીસ કમિશ્નર બનાવાય તેવી ચર્ચાઓ છે.
અમદાવાદ શહેરમાં પણ ત્રણ ડીસીપીઓની બદલીઓ આવે તેવી શક્યતા છે. જેમાં ઝોન -7 ડીસીપી પ્રેમસુખ ડીલુની બદલીની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ ઝોન -5 ડીસીપી અચલ ત્યાગીને પણ કોઇ જિલ્લો મળે તેવી શક્યતા છે. ઝોન-૩ના ડીસીપી મકરંદ ચૌહાણને ડીઆઇજીમાં બઢતી મળશે તો તેમની જગ્યા પણ ખાલી પડશે.
તમામ નવા મંત્રી મંડળ સાથે તદન નવા પીએ -પીએસ- એપીએસને લગાવાતા સચિવાલયમા સન્નાટો છવાયો છે. એક ચર્ચા હતી કે, નવ નિયુક્ત મુખ્યપ્રધાન સાથે તદન નવુ મંત્રી મંડળ અને તેની સાથે તદન નવા પીએ, પીએસની નિમણૂકો કરાશે. પરંતુ, જેઓ સચિવાલયની આંટીઘૂંટી સુપેરે જાણનાર અને અલગ - અલગ મંત્રીઓ સાથે દસકો કાઢી નાંખનાર અનુભવીઓ માનતા હતા કે, સરકાર અધવચ્ચે બદલાઇ છે અને વિવિધ વિભાગની ચાલુ યોજનાઓ, સમસ્યાઓ અને ગૃહ વિભાગમાં અમિત શાહ વખતથી ચાલતા કેટલાક વિષયો એવા અને એટલા તો અટપટા છે કે, બધું બદલી નાંખો પરંતુ, કેટલાક જૂના જોગીઓને તો કન્ટીન્યુ કરે જ છૂટકો છે.
ખુદ મંત્રીઓ પણ આવા જૂના જોગીઓને પોતાના પીએ, પીએસ અને એપીએસ તરીકે પોતાની સાથે રાખવા ઇચ્છતા હતા કે, જેથી વિભાગને લગતી તેમની ખુદની સમસ્યાઓ થોડી હળવી થાય. મંત્રીઓએ પોતે પેનલમા આવા અનુભવીઓના નામ પણ સજેસ્ટ કરેલા. પરંતુ ,જે રીતે નિમણૂકોમા ફ્રેશરોના નામ ખુલ્યા છે, તે જોતા સચિવાલયમાં સન્નાટો છવાયો છે. અનુભવી ધારાસભ્ય - ઇવન મંત્રીઓમા પણ અંદરખાને ચર્ચા છે કે, આ જુગાર છે તે સમજી શકાય પરંતુ, કેલ્કયુલેટીવ જુગાર નથી તે સ્પષ્ટ છે. જે ફ્રેશરો આવ્યા છે તે તેમના અનુભવ કરતા વધુ ઉત્સાહી છે - તેઓ માટે રાત થોડીને વેશ ઝાઝા છે જેવો સમય છે.