Home /News /gujarat /

Power Corridor: GPSC ના ચેરમેન દિનેશ દાસા ૩૧ જાન્યુઆરીએ પદ પરથી વિદાય લેશે, UPSCમા મેમ્બર સેક્રેટેરી થવાનું પાક્કું?

Power Corridor: GPSC ના ચેરમેન દિનેશ દાસા ૩૧ જાન્યુઆરીએ પદ પરથી વિદાય લેશે, UPSCમા મેમ્બર સેક્રેટેરી થવાનું પાક્કું?

સૂત્રોનું માનીએ તો - આ પદ પરથી જતાં -જતાં દિનેશ દાસા જે નામની ભલામણ કરશે તેનીજ નિમણૂક આ પદ માટે કરાશે.

Power Corridor: જીપીએસસીના ચેરમેન તરીકે પોલિટીકલ નિમણૂક થશે કે, અધિકારી નિમાશે તેની પર સૌની નજર છે.

જીપીએસસીના ચેરમેન (GPSC cahirman) તરીકે દિનેશ દાસાની (Dinesh Dasa) મુદ્ત આગામી ૩૧મી જાન્યુઆરીએ પૂર્ણ થઇ રહી છે. ત્યારે જીપીએસસીના ચેરમેન તરીકે પોલિટીકલ નિમણૂક થશે કે, અધિકારી નિમાશે તેના પર સૌની નજર છે. બંધારણીય રીતે હવે ફરી આ પદ પર દિનેશ દાસાને રિપીટ કરવાનું શક્ય નહી હોવાથી ૩૧ જાન્યુઆરી ૨૦૨૨એ આ પદ પરથી દાસાની વિદાય નિશ્ચિત છે. સૂત્રોનું માનીએ તો - આ પદ પરથી જતાં -જતાં દિનેશ દાસા જે નામની ભલામણ કરશે તેનીજ નિમણૂક આ પદ માટે કરાશે.

દિનેશ દાસાની આગળની મંઝિલ હવે યુપીએસસી મેમ્બર સેક્રેટેરી તરીકેની હશે એમ મનાઇ રહ્યું છે

જયાં સુધી જીપીએસસીને લાગે વળગે છે ત્યાં સુધી, જીપીએસસીના ઇતિહાસમાં જીપીએસસીના ચેરમેન પદે માત્ર ત્રણ પોલિટિકલ નિમણૂકો થઇ છે. એ ત્રણ પોલિટીકલ નેતાઓમાંના એક રાઘવજી લેઉઆ ૧-૫- ૧૯૬૦ના રોજ ચેરમેન તરીકે નિમાયા હતા. એફ. એસ. પાલેજવાલા ૪-૭-૧૯૬૭ના રોજ ચેરમેન તરીકે નિમાયા હતા. જ્યારે દિનેશ દાસા ૩૧-૧-૧૬ મા ચેરમેન તરીકે નિમાયા હતા.

આશિષ ભાટીયાને એક્સટેન્શન મળે તેવી સંભાવના

ગુજરાતના પોલીસ દળના સાત આઇપીએસ અધિકારીઓ 2022ના વર્ષમાં નિવૃત્ત થઇ રહ્યાં છે. જેમાં હાલના રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાનો પણ સમાવેશ થાય છે. તેઓ આગામી મે મહિનામાં નિવૃત્ત થવાના છે. વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી સરકાર તેમના એક્સટેન્શન માટે ભલામણ કરી શકે તેમ છે. જો તેમ થાય તો તેઓ વિધાનસભાની ચૂંટણી સુધી આ પદ પર રહી શકે છે. અન્ય પોલીસ અધિકારીઓમાં ટીએસ બિસ્ટ અને એમએસ ભાભોર જૂન મહિનામાં, સતીષચંદ્ર વર્મા અને બીઆ પાંડોર સપ્ટેમ્બરમાં, આરએસ યાદવ ફેબ્રુઆરીમાં તેમજ પ્રવિણ સિંહા એપ્રિલમાં નિવૃત્ત થવાના છે.

આ પણ વાંચો - પાવર કૉરિડોર: પંકજકુમાર, રાજીવ ગુપ્તા સહિત 17 IAS આ વર્ષે નિવૃત્ત થશે

ગુજરાત કેડરના નિવૃત્ત થનારા આઇપીએસ અધિકારીઓની ઘટતી જતી સંખ્યા જોતાં હવે રાજ્યના પોલીસ દળમાં નવું બ્લડ આવ્યું છે. યંગ પોલીસ ઓફિસરો રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળી રહ્યાં છે.  ગુજરાતમાં આઇએએસની જેમ હવે પોલીસની કેડર પણ યુવાન બનતી જાય છે. ચાલુ વર્ષે રાજ્યના 17 આઇએએસ ઓફિસરો વયનિવૃત્ત થવાના છે. જેમાં રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમારનો પણ સમાવેશ થાય છે. એટલે કે રાજ્યના વહીવટી વડા અને રાજ્યના પોલીસ વડા બન્ને સાથે મે મહિનામાં નિવૃત્ત થઇ રહ્યાં છે.

પાછલા પાંચ વર્ષના આંકડા જોઇએ તો, આઇપીએસ ઓફિસરોની નિવૃત્તિનો આંકડો 15થી 18 ઓફિસરોનો હતો પરંતુ હવે તે ઘટીને સાત થયો છે. એટલે કે, અડધો થઇ ગયો છે. રાજ્યના પોલીસ વિભાગમાં સિનિયર ડ્યુટી પોસ્ટ 114 અધિકારીઓની છે.

45 સેન્ટ્રલ ડેપ્યુટેશન, 28 સ્ટેટ ડેપ્યુટેશન પોસ્ટ છે. ડાયરેક્ટર રિક્રુટમેનટની પોસ્ટ 145 મળીને કુલ ઓથોરાઇઝ્ડ સ્ટ્રેન્થ 208 ઓફિસરોની છે. સૌથી નાની વયના એટલે કે, 1995માં જન્મેલા ત્રણ આઇપીએસ ઓફિસરમાં જગદીશ બાંગરવા 2019ની બેચના ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી છે, જ્યારે અન્ય સફીન હસન અને વિશાખા ડબરાલ એ 2018ની બેચના ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી છે.

આ પણ વાંચો - Power Corridor: વાંચો ગુજરાત બ્યુરોક્રસીની અંદરની વાત, કોણ છે આલોક પાંડે, કેમ આવે છે તેમને ગુસ્સો?

રાજકુમાર ફરીથી દિલ્હીમાં

દિલ્હીથી જે પ્રકારે રાજકુમારને  ડેપ્યુટેશન પરથી તાબડતોબ ગુજરાત પરત બોલાવાયા હતા. તેના પરથી ગુજરાતમાં અફવાઓનો દૌર શરુ થયો હતો. એક તબક્કે ચીફ સેક્રેટેરી પંકજ કુમારને ટર્મ પૂરી થયા પહેલા જ પદ પરથી હટાવીને રાજકુમારને મુકાવાની ચર્ચા પૂરજોશમાં હતી.

રાજકુમાર પોતે પણ એવા અવઢવમાં હતા કે, દિલ્હીથી ગુજરાત ખાતે સામાન શીફટ કરવા માટે ય સમય નહોતા શોધી શકયા. જોકે, ફાઇનલી તમામ અફવાઓ પર હાલ પૂરતું તો પૂર્ણ વિરામ લાગી ચૂક્યું છે ને રાજકુમારને સેક્ટર ૧૯મા ૨૦૪ નંબરનો બંગલો ફાળવી દેવામાં આવ્યો છે. રાજકુમાર હાલ બે વીકની રજા પર ઉતર્યા છે. શિફટીંગ માટે ૧૨ દિવસની રજા મુકીને તેઓ ફરીથી દિલ્હી પહોંચ્યા છે. હવે પરિવાર અને સામાન સાથે તેઓ ગુજરાત પરત ફરશે.

ચંદ્રેશ કોટકની ગુજરાત ડ્રાઇવની નોંધ કેન્દ્ર સરકારે પણ લીધી 

સીએમના જન સંપર્ક કાર્યાલયમાંથી રાજ્યના અન્ન -નાગરિક પૂરવઠાને ગ્રાહકોની બાબતોના નિયામક તરીકે બદલી પામેલા ચંદ્રેશ કોટકે આવતાની સાથે જ વિભાગમા જે પ્રકારે સપાટા બોલાવ્યા છે, તે જોઇને વર્ષોથી આ વિભાગમાં કામ કરનારા અધિકારીઓ પણ સન્નાટામાં છે. આ વિભાગના અધિકારીઓ ને પોતાને જ પોતાના કાર્યક્ષેત્ર વિશે ખબર નહોતી. એવામાં કોટકે પોતાના વિભાગ સાથે જીએસટી સહિતના અન્ય ડીપાર્ટમેન્ટને પણ જોડીને સમગ્ર ગુજરાતમાં એકસાથે રેડ પાડવાના આયોજન કર્યા છે. જેને ગુજરાત મોડેલ નામ આપ્યું છે.

૩૩ જિલ્લામાં એકસાથે આ પ્રકારની કામગીરી ની નોંધ કેન્દ્ર સરકારે પણ લીધી છે. દેશના અન્ય રાજ્યોમાં આ મોડેલ લાગુ કરવા કેન્દ્રના અન્ન પૂરવઠા વિભાગના જોઇન્ટ સેક્રેટેરી અનુપમ મિશ્રાએ આ મુદ્દે વિગતો મંગાવી છે.

અધિકારીઓને હવે એક નાનકડા પ્રાણીની બીક લાગે છે

સચિવાલયના વિભાગોમાં શ્વાન ફરી રહ્યાં છે અને પાર્કિંગમાં વાંદરા તરખાટ મચાવે છે ત્યારે ફરીથી એક નાનકડું પ્રાણી એવો ઉત્પાત મચાવે છે કે, વિભાગના અધિકારીઓને બીક લાગી રહી છે. આ પ્રાણી મૂશક છે.  વાંદરા અધિકારીઓના વાહનો પર કૂદીને નુકશાન કરે છે અને આ મૂષક એટલે કે, ઉંદર ઓફિસના અગત્યના કાગળો અને કોમ્પ્યુટર સહિતના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોને મોટું નુકશાન કરી રહ્યાં છે.  સચિવાલયમાં ઉંદર પકડવાના પાંજરા મૂકવામાં આવ્યા છે પરંતુ વાયબ્રન્ટ ગુજરાતમાં સ્માર્ટ બનેલા ઉંદરો પાંજરામાં કેદ થતાં નથી. માર્ગો પર રખડતી ગાયો જેમ પ્લાસ્ટીક ખોલીને અંદરનો ખોરાક ખાઇ રહી છે તેમ ઉંદરો પણ પાંજરાની સાઇડમાંથી નિકળી જાય છે.

આ પણ વાંચો - ગુજરાતના મહત્ત્વના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

સચિવાલયમાં ઉંદરો વધવાનું કારણ આપતાં એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સચિવાલયનું નિર્માણ ખેતરોમાંથી થયું છે તેથી જમીનમાંથી તેઓ બહાર આવે છે. બીજું અને મહત્વનું કારણ આપતાં તેઓ જણાવે છે કે, સવારે 10 વાગ્યે ઓફિસમાં આવી જતા અધિકારીઓ અને કર્મચારીઓ બપોરનું ભોજન અને સાંજનો નાસ્તો સચિવાલયમાં કરતા હોવાથી ઉંદરોને ભરપૂર ભોજન મળી રહે છે. આ ઉંદરો માત્ર ગ્રાઉન્ડફ્લોર પર જ નહીં નવમા માળે આવેલી ઓફિસમાં પણ જોવા મળી રહ્યાં છે. ઘણી જગ્યાએ ઉંદર પકડવાના પાંજરા પણ મૂકવામાં આવ્યા છે પરંતુ તે બિન અસરકારક સાબિત થઇ રહ્યાં છે. હવે કેટલાક અધિકારીઓએ ગમપેડ મંગાવ્યા છે પરંતુ શરૂઆતમાં ઉંદર ગમપેડ પર લગાવેલો ખોરાક ખાવા જતો હતો અને ત્યાં ચોંટી જતો હતો પરંતુ હવે ઉંદરોની જમાત આ ગમપેડની આસપાસ પણ ફરકતી નથી. તેથી વિભાગના વડા અને ઉચ્ચ ઓફિસરો ઉંદર પકડવાના બીજા વિકલ્પો માગી રહ્યાં છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gandhinagar News, Power Corridor, ગાંધીનગર, ગુજરાત

આગામી સમાચાર