ગાંધીનગર: અમદાવાદના પૂર્વ સીપી એ.કે.સિંઘ (A K Singh) તેમના કાર્યકાળ દરમિયાન સરકાર, સામાન્ય પ્રજા અને તેમના સહ પોલીસ કર્મીઓમાં લોકપ્રિય રહ્યા હતા. અમદાવાદના પૂર્વ પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ હવે સાયકલના પંચર જાતે બનાવશે. જીહાં, સામાન્ય રીતે મોટા ભાગના અધિકારીઓને વય નિવૃત્તિ બાદ પણ પદ ના અભરખા રહેતા હોય છે. તેઓ મનોમન ઇચ્છે છે કે, સરકારની ગુડ બૂકમાં રહ્યા છે તો વય નિવૃત્તિ બાદ પણ સરકાર સરપાવ સ્વરુપ કોઇને કોઇ હોદ્દો જરુર આપશે અને ક્યાંકને ક્યાંક તો સમાવશે.
જ્યારે કેટલાક અધિકારીઓ એવા અભરખા છોડીને જીંદગીમાં જે અત્યાર સુધી નથી કરી શકયા તે તમામ વસ્તુઓ કરવાનો, જીંદગીનો આનંદ માણવાનો, પરિવારને સમય આપવાનો રસ્તો અપનાવે છે. પૂર્વ સીપી એ.કે.સિંઘે જીંદગી માણવાનો રસ્તો અપનાવ્યો છે. હાલ, તેઓ ટ્રેકિંગ સહિત એડવેન્ચર સ્પોર્ટસનો પત્ની સાથે લ્હાવો લઇ રહ્યા છે અને એટલે જ પહાડો ખૂંદતા જો સાયકલમાં પંચર પડે તો એ કેવી રીતે રીપેર કરવું એ શીખ્યા છે. પૂર્વ સીપીએ અમદાવાદ પૂર્વની એક સાયકલ શોપમાં પહોંચીને ફાઇનલી સાયકલનુ પંચર બનાવતા શીખી લીધું છે.
નિવૃત્ત અધિકારીને એક્સટેન્શન મળવું મુશ્કેલ બનશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું નક્કી કર્યું છે કે, સચિવાલયના વિભાગો તેમજ જાહેર સાહસોમાં અનિવાર્ય સંજોગોમાં એક્સટેન્શન આપવાનું રહેશે. અન્યથા નિવૃત્તિથી ખાલી પડેલી જગ્યાઓ પર પ્રમોશન અને નવી ભરતીથી નિયુક્તિ કરવાની રહેશે. કેટલીક કાયદાકીય અને ટેકનિકલ પોસ્ટ પર કર્મચારી કે અધિકારી ન હોય તો નિવૃત્ત થનાર અધિકારીને એક્સટેન્શન આપી શકાશે પરંતુ પ્રત્યેક નિવૃત્ત અધિકારીને એક્સટેન્શન આપવું હિતાવહ નથી.
સીએમઓના સૂત્રોનું માનીએ તો, માહિતી વિભાગમાં એક ઓફિસરના એક્સટેન્શન પર રોક લગાવી દેવામાં આવી છે અને અન્ય વિભાગોના વડાને કહેવામાં આવ્યું છે કે, તેમના વિભાગની એક એવી યાદી બનાવે કે જેમાં, કેટલા ઓફિસરોને એક્સટેન્સન આપવામાં આવ્યું છે અને તેઓ કેટલા વર્ષથી એક્સટેન્શન મેળવી રહ્યાં છે.
અત્યારે સચિવાલયના વિવિધ વિભાગો, જિલ્લા કચેરીઓ તેમજ બોર્ડ-નિગમમાં 220થી વધુ ઓફિસરો એક્સટેન્શન ભોગવી રહ્યાં છે. જે લોકો અત્યારે એક્સટેન્શન પર છે તેમને ફરીથી નિયુક્તિ આપવી નહીં તે જોવા પણ આદેશ કરવામાં આવ્યો છે.
સરકારના કાયદા વિભાગમાં પોલિસી મેકરોની અછત છે. પાણી પુરવઠા બોર્ડ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જેવી કચેરીઓમાં ટેકનિકલ સ્ટાફ મળતો નથી તેથી તેવી કેટલીક જગ્યાએ ગુણદોષના આધારે એક્સટેન્શન આપવાનું રહેશે, તેવો આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી કાર્યાલયને જાણ કર્યા વિના કોઇપણ અધિકારીને એક્સટેન્શન આપવામાં આવે નહીં.
ગાંધીનગરમાં સાંસદો, ધારાસભ્યો અને ભારતીય વહીવટી સેવાના અધિકારીઓને આપવામાં આવેલા રાહતદરના પ્લોટની કિંમતનો આંકડો ત્રણ કરોડને વટાવી ચૂક્યો છે. તાજેતરમાં એક આઇએએસ અધિકારી અને એક ધારાસભ્યએ પ્લોટનું વેચાણ કરી ત્રણ કરોડ મેળવી લીધા છે.
ધારાસભ્યને આપવામાં આવેલા પ્લોટને 25 વર્ષ થઇ ચૂક્યાં હોવાથી તેમાં પ્રિમિયમની રકમ ભરવી પડી નથી. પરંતુ આઇએએસ ઓફિસરના પ્લોટને હજી 25 વર્ષનો સમય થયો નથી. તેથી ખરીદનાર પાર્ટીને 25 ટકા રકમ પ્રિમિયમથી ભરવી પડી છે. એટલે કે, તેને આ પ્લોટમાં 75 લાખ વધારે ભરવા પડ્યા છે. ગાંધીનગરમાં રાહતદરના પ્લોટની સંખ્યા 19 હજારથી વધારે છે. રાહતદરના પ્લોટ લઇને લાભાર્થીઓ ખુલ્લા બજારમાં ઉંચા દામે વેચી દેતાં હોવાથી એક પિટીશનમાં નામદાર હાઇકોર્ટે સ્ટે આપેલો છે. તેથી જે અધિકારી કે રાજકીય નેતાને પ્લોટ વેચવો હોય તેણે રાજ્યના માર્ગ મકાન મારફતે હાઇકોર્ટની પરમિશન લેવાની રહે છે.
બીજીતરફ રાજ્યના ધારાસભ્યો, સંસદસભ્યો, સનદી અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, ગુજરાતના વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓના બનેલા વિવિધ મંડળો અને સંગઠનોએ રાહતદરના પ્લોટની માગણી કરી છે. પરંતુ સરકાર હવે પ્લોટ ફાળવી શકે તેમ નથી, કારણ કે ગાંધીનગરમાં એટલી જગ્યા વધી નથી. રાહતદરના પ્લોટ અંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે એવી વિચારણા કરી હતી કે, હવે ગાંધીનગરની બહાર ગુડા વિસ્તારમાં પ્લોટની ફાળવણી કરવી પરંતુ ભૂપેન્દ્ર પટેલની સરકારે આ વિચારણાના છેદ ઉડાવી દીધો છે.
હવે ગાંધીનગરમાં રાહતદરના પ્લોટ મેળવવા અધરા બનશે, કેમ કે, માર્ગ-મકાન વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે, જો સરકારને રાહતદરના પ્લોટ આપવા હોય તો હવે જમીન નહીં હોવાથી એપાર્ટમેન્ટની સ્કીમો બનાવવાની રહેશે. એટલે કે, ઓછી જમીનમાં વધુ લાભાર્થીઓને આવરી લઇ શકાય, જોકે, સરકારે હજી એવી કોઇ વિચારણા શરૂ કરી નથી. માત્ર શહેરના સેક્ટર-17માં જૂના સદસ્ય નિવાસને તોડીને ધારાસભ્યો માટે 250 જેટલા લકઝુરિયસ સરકારી આવાસ બની રહ્યાં છે.