Home /News /gujarat /

વિસનગર તોડફોડ કેસઃ હાર્દિક, લાલજી અને એ.કે. પટેલનો શરતી જામીન પર છૂટકારો

વિસનગર તોડફોડ કેસઃ હાર્દિક, લાલજી અને એ.કે. પટેલનો શરતી જામીન પર છૂટકારો

ફાઇલ ફોટો

    પાટીદાર અનામત આંદોલન દરમિયાન મહેસાણાના વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં કરવામાં આવેલી તોડફોડ મામલે બુધવારે વિસનગર કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે.પટેલને આ કેસમાં દોષિત જાહેર કર્યા હતા. આ કેસમાં કોર્ટે ત્રણેય આરોપીઓને બે-બે વર્ષની સજા તેમજ રૂ. 50-50 હજારનો દંડ ફટકાર્યો હતો. સજા બાદ કોર્ટે ત્રણેય આરોપીઓને શરતી જામીન પર મુક્ત કર્યા હતા.

    15 હજારના બોન્ડ પર છૂટકાર

    સજાના એલાન બાદ હાર્દિક પટેલ, લાલજી પટેલ અને અંબાલાલ પટેલે જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જેમાં કોર્ટે રૂ. 15 હજારના બોન્ડ પર તમામના શરતી જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે જામીન આપતા હાર્દિક, લાલજી અને અંબાલાલ પટેલે જેલમાં રાત નહીં વિતાવવી પડે. કોર્ટે ત્રણેયને હાઇકોર્ટમાં અરજી કરવા માટે 25મી ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે.

    ઋષિકેશ પટેલને રૂ. 40 હજારનું વળતર ચુકવવા આદેશ

    કોર્ટે ધારાસભ્ય ઋષિકેશ પટેલને રૂ. 40 હજારનું વળતર તેમજ ફરિયાદીને રૂ. 10 હજારનું વળતર અને તોડફોડ વખતે જેની કારમાં તોડફોડ કરવામાં આવી હતી તે કાર માલિકને રૂ. 1 લાખનું વળતર ચુકવવાનો પણ આદેશ કર્યો હતો. ત્રણેયને રાયોટિંગના ગુનામાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે.  ચુકાદાને પગલે વિસનગર કોર્ટમાં ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્રણ સિવાય તમામ લોકોને કોર્ટે નિર્દોષ છોડ્યા હતા. આ કેસમાં હાર્દિક, લાલજી પટેલ સહિત 17 જેટલા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

    હાર્દિક સામે લાગેલી કલમોઃ

    કલમ 120/B કાવતરૂ કરવું, કલમ 435- આગ લાગાવવી, કલમ 427 - જાહેર સંપત્તિને નુકસાન, કલમ 143, 147, 148- રાયોટિંગનો ગુનો

    ઉપવાસ આંદોલન પહેલા હાર્દિકને ઝટકો

    પાટીદારોના આંદોલનમાં નવા પ્રાણ ફૂંકવા માટે હાર્દિક પટેલ આગામી 25મી ઓગસ્ટથી ઉપવાસ આંદોલન શરૂ કરવાનો હતો. જોકે, આંદોલન પહેલા જ વિસનગરના કેસમાં હાર્દિકને મોટો ઝટકો લાગ્યો છે.

    અમને ન્યાય તંત્ર પર ભરોશોઃ લાલજી પટેલ

    કોર્ટના ચુકાદાને પગલે એસપીજીના લાલજી પટેલ વિસનગર કોર્ટ પહોંચ્યા હતા. અહીં મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોશો છે. જો ચુકાદો અમારી વિરુદ્ધમાં આવશે તો પણ અમે અમારી લડત ચાલું રાખીશું.

    હાર્દિકે કરી શાંતિ જાળવી રાખવાની અપીલ

    વિસનગર કોર્ટમાં ચુકાદા પહેલા પાસના આગેવાન હાર્દિક પટેલે એક વીડિયો જાહેર કરીને તેના શુભેચ્છકો અને સમર્થકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. હાર્દિકે વીડિયોમાં કહ્યું છે કે કોર્ટનો ચુકાદો ગમે તે આવે, તમે લોકો શાંતિ જાળવી રાખજો.

    શું હતો બનાવ?

    23મી જુલાઈ, 2015ના રોજ અનામત આંદોલનને લઈને વિસનગરમાં પાટીદારોની વિશાળ રેલી નીકળી હતી. બાદમાં અનામત આંદોલનકારીઓ સ્થાનિક ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસે આવેદનપત્ર આપવા માટે ગયા હતા. આ સમયે ટોળાએ ધારાસભ્યની ઓફિસે તોડફોડ કરી હતી. આ ઘટનાનું રિપોર્ટિંગ કરી રહેલા ટીવી ચેનલોના કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા હતા.

    વાહનોમાં તોડફોડ

    ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ બાદ એકઠા થયેલા ટોળાને વિખેરવા માટે પોલીસ અહીં ટિયરગેસના શેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. ટોળાએ ધારાસભ્યની ઓફિસ બહાર પાર્ક કરવામાં આવેલા વાહનોમાં પણ
    તોડફોડ કરી હતી. આ સમયે પોલીસે ટોળાને વિખેરવા માટે છ રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવાની પણ ફરજ પડી હતી. આ કેસમાં કોર્ટમાં હાજર ન રહેલા હાર્દિક પટેલ અને લાલજી પટેલ સામે કોર્ટે ધરપકડ વોરંટ પણ ઈશ્યૂ કર્યું હતું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Visnagar, ધારાસભ્ય, પાટીદાર, લાલજી પટેલ, હાર્દિક પટેલ

    આગામી સમાચાર