ગાંધીનગર : તાપી-નર્મદા પાર રિવર લિંક (Par Tapi Narmada river linking project) યોજનાને સ્થિગિત કરવાનો ખુબ જ મહત્વનો નિર્ણય લેવાયો છે. ગુજરાતના આદિવાસી adivasi મંત્રીઓ અને ધારાસભ્યોએ દિલ્હી જઈને કેન્દ્રના મંત્રીઓ સાથે લાંબી ચર્ચા વિચારણા કર્યા બાદ આ યોજનાને હાલ પૂરતી આગળ નહીં વધારવાનું નક્કી કરાયુ છે. નોંધનીય છે કે, ગાંધીનગરમાં કોંગ્રેસની આગેવાનીમાં આદિવાસીઓનું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ વિરોધ પ્રદર્શન પાર તાપી લિંક યોજના અંગે આદિવાસીઓનો વિરોધ મુદ્દે મોટી સંખ્યામાં પ્રદર્શનકર્તાઓ ગાંધીનગર પહોંચ્યા હતા. તાપી નર્મદા રિવર લિંક યોજના ઘણી જૂની છે. ભૂતકાળમાં પણ આદિવાસી લોકોએ ભારે વિરોધ કર્યો હતો.
આગામી ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી આદિવાસીઓનો આક્રોશ નુકસાન કરાવી શકે તેવી પરિસ્થિતિ ઉદ્ભવી હતી. સોમવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની આગેવાનીમાં ભાજપના તમામ આદિવાસી સાંસદો અને ધારાસભ્યો તેમજ ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી નરેશ પટેલ દિલ્હી ગયા હતા. જ્યાં ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સિતારામન અને સિંચાઈમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સાથે મિટિંગ કરલામાં આવી હતી. આ બેઠકના અંતે આદિવાસીઓ પ્રમાણે નિર્ણય લેવામાં આવ્યો છે.
શું છે આ પ્રોજેક્ટ?
પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટની કલ્પના ભૂતપૂર્વ કેન્દ્રીય સિંચાઈ મંત્રાલય અને સેન્ટ્રલ વોટર કમિશન (CWC) હેઠળ 1980ની રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના હેઠળ કરવામાં આવી હતી.
આ પ્રોજેક્ટ પશ્ચિમ ઘાટના સરપ્લસ પ્રદેશોમાંથી નદીના પાણીને સૌરાષ્ટ્ર અને કચ્છના ખાધવાળા વિસ્તારોમાં સ્થાળાંતરિત કરવાની દરખાસ્ત કરે છે. તે ત્રણ નદીઓને જોડવાની દરખાસ્ત કરે છે - પાર, મહારાષ્ટ્રના નાસિકમાંથી નીકળે છે અને વલસાડમાંથી વહે છે, તાપી સાપુતારાથી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સુરતમાંથી વહે છે, અને નર્મદા મધ્યપ્રદેશમાંથી નીકળે છે અને મહારાષ્ટ્ર અને ગુજરાતના ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી વહે છે.
પાર-તાપી-નર્મદા લિંક હેઠળ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છ ડેમનું નિર્માણની વાત હતી.
- ઝરી ડેમ : મહારાષ્ટ્રમાં નાસિક જિલ્લાના છ ગામ ડૂબમાં જશે. એક અનુમાન પ્રમાણે, આ બનવાથી એક હજારથી વધુ પરિવારના 5,733 લોકો વિસ્થાપિત થશે.
- પૈખેડ ડેમ : મહારાષ્ટ્રમાં નિર્માણ પામનાર આ ડેમમાં 11 ગામડાંના પણ એક હજારથી પણ વધુ પરિવારના 7,360 લોકો વિસ્થાપિત થવાનું અનુમાન હતુ.
- ચિકાર ડેમ : ગુજરાતના ડાંગ જિલ્લામાં ચિકાર ડેમનું નિર્માણ થવાથી નવ ગામના લગભગ 1300 પરિવારના 7, 800 જેટલા લોકો વિસ્થાપિત થવાનું અનુમાન હતુ.
- ચાસ-માંડવા ડેમ : ગુજરાતના વલસાડ જિલ્લામાં નિર્માણ પામનારા ડેમમાં ધરમપુર તાલુકાનાં સાત ગામના બે હજારથી વધુ પરિવારના લગભગ 9,700 લોકો વિસ્થાપિત થઇ શકે છે.
- દાબદર ડેમ : ડાંગ જિલ્લામાં બનનારા આ ડેમના પગલે ગામમાં 11 ગામના એક હજારથી વધુ પરિવાર તથા લગભગ 10, 660 લોકો બેઘર થવાનું અનુમાન છે.
- કેળવણ ડેમ : ડાંગ જિલ્લામાં બે હજારથી વધુ પરિવારના લગભગ 12 હજાર લોકો વિસ્થાપિત થવાની શક્યતા છે.
દાનહ સાંસદ કલાબેન ડેલકરે આ રિવરલિંક પ્રોજેક્ટનો મુદો શુક્રવારે લોકસભામાં ઉઠાવ્યો હતો. જેમાં તેમણે આદિવાસી સમાજના હજારો પરિવારોને બચાવી લેવા માટે ભલામણ કરી હતી. તેમણે લોકસભામાં જણાવ્યુ હતું કે, આ પરિયોજના આકાર લેશે તો લોકોને ભારે નુકસાન થશે. 75 જેટલા ગામો અને અને તેમા વસતા 35 હજાર જેટલાં પરિવારોના જીવન પર અનેક પ્રકારની માઠી અસર થશે. લોકો બેરોજગાર થશે, બાળકોના શિક્ષણ પર અસર થશે. જળ -જંગલ ,જમીન પર વર્ષોથી અહીંના લોકોનો અધિકાર છે. આદિવાસી વિસ્તાર હોવાથી લોકો ખેતી પર નિર્ભર છે તેઓને વિસ્થાપિત થવું પડશે. લોકો ખેતી સાથે ઘર વિહોણા બની જશે. પ્રાણી અને વન્ય જીવોની સાથે પર્યાવરણ પર પણ અસર થશે.
તાપી પાર રિવર લિંક યોજના ગુજરાત માટે સ્થગિત, કેન્દ્ર સાથે આદિવાસી વિસ્તારના સાંસદ અને ધારાસભ્યોની બેઠક
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બેઠકમાં હાજર રહ્યા હતા, નિર્મલા સીતારમણ તથા ગજેન્દ્ર શેખાવત સાથે યોજાઇ બેઠક pic.twitter.com/rjsOccXcHL
આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, આઝાદી મળ્યાને 75 વર્ષ વિતવા છતાં હજુ આદિવાસીઓની હાલત પહેલા જેવી જ છે. અમારા સમાજનો વિકાસ થયો જ નથી. આજે આદિવાસીઓ ભેગા થયા છે, તે અસ્તિત્વની લડાઇ માટે ભેગા થયા છે. સમાજના કોણ દુશ્મન છે, તે યુવાનોએ ઓળખી લેવાની જરૂર છે. આદિવાસી સમાજના લોકો કોંગ્રેસમાં હોય, ભાજપમાં હોય તે તમામ મારા ભાઇ છે. તે લોકોનું બીજા લોકો રાજકીય ફાયદો ઉઠાવે તે અમને પોસાય એવું નથી.
ઉલ્લેખનિય છે કે, તાપી પાર રિવર લિંક યોજના કોંગ્રેસના સમયમાં અમલમાં આવી હતી અને આ યોજના માત્ર ગુજરાત પૂરતી જ ન હતી અને દેશના અન્ય રાજ્યો સાથે પણ સંકળાયેલી હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર