પાલનપુર: માનસરોવર પાસે રેલ્વે લાઈન પર બનતા બ્રિજના અધુરાકામથી લોકો ત્રાહિમામ

  • Share this:
    પાલનપુર માનસરોવર નજીક આવેલી અમદાવાદ દિલ્હી રેલવે લાઇન ફાટક પર ચાલતા રેલવે ઓવરબ્રિજના અધૂરાકામથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને છેલ્લા પાંચ મહિનાથી આ કામ બંધ હાલતમાં હોવાથી લોકો એન છૂટકે 2 કિલોમીટર દૂર ફરીનેજવું પડી રહ્યું છે.

    આમ તો લોકોની સવલત માટે ઓવરબ્રિજ બનાવવામાં આવતો હોય છે, પરંતુ બનાસકાંઠામાં ઓવરબ્રિજનું અધૂરાકામ લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયું છે. પાલનપુર શહેરમાં માનસરોવર વિસ્તારમાંથી પસાર થતી અમદાવાદ-દિલ્હી રેલવેલાઇન પરથી દિવસ દરમ્યાન અસંખ્ય ટ્રેનો પસાર થતી હોવાથી વારંવાર ફાટક બંધની સ્થિતિ સર્જાતી હતી. જેને લઇ શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેને ધ્યાને લઇ તાજેતરમાં તંત્ર દ્વારા માનસરોવર ફાટકને ઓળંગવા રેલ્વે ઓવરબ્રિજ બનાવવાનું કાર્ય હાથ ધરાયુ હતું. જેથી ઓવરબ્રિજના કામકાજ દરમ્યાન શહેરના ડીપી વિસ્તારથી જૂના આરટીઓ સર્કલ સુધીનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ ઓવરબ્રિજના કોન્ટ્રાક્ટરે નિયમો અનુસાર માર્ગ બંધ કરવા સર્વિસ રોડ બનાવવો પડે, પરંતુ કોન્ટ્રાકટરે સર્વિસ રોડ બનાવ્યા વગર જ માર્ગ બંધ કરી દેતા શહેરીજનોને લાંબા રસ્તેથી ફરીને જવું પડી રહ્યું છે, અને કોન્ટ્રાક્ટરે છેલ્લા 5 મહિનાથી આ બ્રિજનું કામ અઘરું રાખતા લોકો પરેશાન થઈ રહ્યા છે. જેને લઇ આ વિસ્તારમાં આવેલી શાળાઓના વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

    સ્થાનિક ઋષિ જોશીએ જણાવ્યું કે, છેલ્લા પાંચ મહિનાથી બ્રિજ નું કામ બંધ હોવથી મુશ્કેલી વેઠવી પડી રહી છે. રિક્ષાચાલક મયૂદિન પઠાણ કહે છે કે, રોડનું કામ બંધ હોવાથી 2 કિલોમીટર ફરીને અવર જવર કરવી પડે છે.

    પાલનપુર માનસરોવર ફાટક નજીક રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે જેના કોન્ટ્રાક્ટરે કાર્ય દરમિયાન માર્ગ બંધ કરી દીધો છે, પરંતુ સર્વિસ રોડ ન બનાવતા વિસ્તારમાં આવેલી હોસ્પિટલોમાં આવતી ઈમરજન્સી વખતે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે ઓવરબ્રિજનું કાર્ય ગોકળગતિએ થઈ રહ્યું છે જે બાબત ધ્યાને આવતા જિલ્લા કલેકટરે કોન્ટ્રાક્ટર ને નોટિસ ફટકારી તાત્કાલિક કામ પૂર્ણ કરવાની નોટિસ ફટકારી છે.

    કલેક્ટર સંદીપ સાગલેએ જણાવ્યું કે, ઓવરબ્રિજનું કામ અધુરું હોવાની રજુઆત મળી હતી, જે મામલે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે.

    આમ તો ઓવરબ્રિજ લોકોની સુવિધા માટે બનાવવામાં આવી રહ્યો છે પરંતુ તેના અધૂરા કામથી લોકો હાલમાં પરેશાન થઈ રહ્યા છે ત્યારે લોકોને આ સમસ્યાથી ક્યારે છુટકારો મળશે તે જોવું રહ્યું.

    સ્ટોરી - આનંદ જયસ્વાલ
    Published by:kiran mehta
    First published: