ગાંધીનગર: અમદાવાદના (Ahmedabad) પૂર્વ કમિશ્નર એ.કે.સિંઘની (ex commissioner A.K. Singh) લોકપ્રિયતા આજેપણ એટલી અડીખમ છે કે, એમનું સ્થાન તેમની વય નિવૃત્તિ બાદ પણ કોઇ લઇ શકયુ નથી. જોકે, વયનિવૃ્ત થયેલા એ. કે.સિંઘે ફાઇનલી તેમની પોલીસ દુનિયાને અલવિદા કહી દીધી છે. હાલ તેઓ એવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જે, તેમની જોબ પ્રોફાઇલ દરમિયાન તેઓ ક્યારેય કરી શકયા નહોતા. એ. કે. સિંઘ તેમના પત્ની સાથે હિમાલયના જોશીમઠ ખાતે ગ્લેશિયર માઉન્ટેનિયરનો કોર્સ કરીને પરત ફર્યા છે. આ કોર્સ માટે સામાન્ય રીતે 35 વર્ષ સુધીની વય મર્યાદા હોય છે. 35 વર્ષ ઉપરનાને આ કોર્ષમાં પ્રવેશ નથી મળતો. પરંતુ, સાઇઠી વટાવી ગયેલા એ. કે. સિંઘ ફીટનેસના મામલે એ વન - હોઇ તેમણે આ કોર્સમાં એડમિશન મેળવ્યું હતું. એટલુ જ નહીં, બે મહિના સુધીમા આ કોર્સ પૂરો કરીને તેમણે સર્ટીફિકેટ પણ મેળવ્યું છે.
અમદાવાદ પોલીસ કમિશ્નર શ્રીવાસ્તવ 2 દિવસના ડીજીપી બન્યા
રાજ્યના પોલીસ વડા DGP આશિષ ભાટીયાની (DGP Ashish Bhatia) દીકરીના (Ashish Bhatia daughter's marriage in Goa) ગોવામા લગ્ન છે. લગ્નને કારણે આશિષ ભાટીયા એક મહિનાની લાંબી રજા પર ઉતરતા ડીજીપીનો વધારાનો હવાલો સીઆઇડી ક્રાઇમના ડીજી ટી.એસ.બિસ્ટને સોંપવામા આવ્યો હતો. પરંતુ, ડીજી ટી.એસ.બિસ્ટ ડીજીપી આશિષ ભાટીયાના બેચમેટ હોવાથી તેઓ પણ લગ્નમાં ભાગ લેવા માટે ગોવા ગયા હોવાથી ડીજીપીનો વધારાનો હવાલો અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવને સોંપવામા આવ્યો છે. ડીજી ટી.એસ.બિસ્ટ શુક્રવારે સાંજથી રજા પર ગયા છે અને રવિવાર સુધી તેઓ રજા પર છે. સોમવારે સવારે એટલે કે, આજે તેઓ ફરજ પર પરત ફરશે. બે દિવસ સુધી તેમની ગેરહાજરીમા ડીજીપીનો વધારાનો હવાલો અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે સંભાળ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત વખતે પણ તેમને આવકારવા માટે ઇન્ચાર્જ ડીજીપી સંજય શ્રીવાસ્તવ એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા.
મુકીમને મળ્યો સરપાવ, પૂર્વ સીએસને જર્કના ચેર પરસન બનાવાયા, સવાલ એ કે, સરપાવ માટેના સરકારના માપદંડ શું?
પૂર્વ સીએસ અનિલ મુકીમે (Anil Mukim) વય નિવૃત્તિ બાદ પણ રાજ્યના ચીફ સેક્રેટેરીના પદ પર એક સાથે છ મહિના લાંબા એક્સટેન્શનનો રેકોર્ડ નોંધાવ્યો હતો. પૂર્વ સીએસ અનિલ મુકીમ ગુજરાતના એકમાત્ર એવા સીએસ હતા જેમણે એક સાથે છ મહિના લાંબું એક્સટેન્શન ચીફ સેક્રેટેરી પદે મેળવ્યું હોય. એક્સટેન્શન પૂરુ થયા બાદ મુકીમને પીએમઓમા લઇ જવાશે એવી સંભાવના હતી. પરંતુ, મુકીમને દિલ્હી લઇ જવાને બદલે ગુજરાત ઇલેક્ટ્રીકસિટી રેગ્યુલેરિટી કમિશન ( જર્ક )ના ચેર પરસન બનાવીને ગુજરાતમાંજ રખાયા છે. છેલ્લા થોડા વર્ષોમા ગુજરાતના ચીફ સેક્રેટેરી પદે રહી ચૂકેલા અધિકારીઓની વાત કરીયે તો જી.આર.અલોરિયા , જે.એન.સિંઘ સહિતના પૂર્વ ચીફ સેક્રેટરીઓ પણ આશા રાખી રહ્યા હતા કે, વય નિવૃત્તિ બાદ રાજ્ય સરકાર તેમને કોઇને કોઇ પદ જરુર આપશે. પરંતુ એવું બન્યુ નથી. મુકીમને લગભગ 8 મહિનાના અંતરાલ બાદ જર્કનુ ચેરમેન પદુ આપીને નવાજવામા આવ્યા છે. જોકે, સરકારના સરપાવનો માપદંડ શુ ? એ હજુ સુધી એકેય અધિકારીઓ કળી શકયા નથી.
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ જ્યારે એમ કહે કે, લગ્નોના કારણે કોરોના ફેલાય છે, ત્યારે સરકાર કેમ ઉંઘે છે?
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે હાલમાંજ એક મોટું નિવેદન આપ્યું છે કે, લગ્નના કારણે કોરોના ફેલાય છે. તેમણે નિવેદન આપતા તો આપી દીધુ છે. પરંતુ, હવે તેમના જ નિવેદનમાં તેઓ બરાબરના ફસાયા છે. કેમકે, રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવના આટલા મોટા નિવેદન સામગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે, લગ્નમા 400ની મર્યાદા હોવા છતાં 600થી 700 લોકો આરામથી જોવા મળે છે. એવી જ રીતે, સરકારી કાર્યક્રમોમા પણ હેકડેઠઠ ભીડ જોવા મળે છે. ગૃહ વિભાગની ગાઇડ લાઇન ગમે તે હોય, પરંતુ પાછલા બારણે બધી જ છૂટ હોય તેવું વાતાવરણ જોવા મળે છે . લગ્ન સમારોહમા તો ભાગ્યેજ માસ્ક પહેરેલું કોઇ જોવા મળે છે. જાહેર જગ્યાઓ ઉપર પણ માસ્કના પાલન માટે કોઇ ચુસ્તતા જોવા મળતી નથી. તો સવાલ એ છે કે, આરોગ્યના અધિક મુખ્ય સચિવે જે વાત જાહેરમાં કહી એ જ વાત, તેમણે કોર કમિટીની બેઠકમામાં પણ કહી હશે. પગલા લેવા સૂચન પણ કર્યું હશે ત્યારે, રાજ્ય સરકાર આંખ આડા કાન કરી રહી છે. એનુ કારણ શું? જાહેરમાં થર્ડ વેવની આગાહી કરનાર અગ્રવાલ રાજ્ય સરકારની આ ઉંઘ ઉડાડવા હવે શું કરશે?
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર