આનંદ જયસ્વાલ, પાલનપુર : બનાસકાંઠાના પાલનપુરના એક અનાથ બાળકને અમેરિકાના દંપતીએ દત્તક લીધું છે, જે બાળક ને બે વર્ષ પહેલા જન્મતાની સાથે જ તરછોડી દીધું હતું. આ બાળક હવે નવા નામ અને નવા માતા પિતા સાથે નવા દેશમાં કિલ્લોલ કરશે. પાલનપુરના અનાથ આશ્રમમાં રહેતા એક બાળકને અમેરિકાના દંપતીએ દત્તક લેતા તે હવે અમેરિકામાં રહેશે. આ બાળકનું નામ નીરજ છે.
નીરજના જન્મથી લઇ અમેરિકન માતા-પિતા મળવા સુધી સફરની વાત કરીએ તો 20 માર્ચ 2019ના રોજ રાત્રે 8.30 કલાકે પાલનપુર ખાતે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થાના મુખ્ય ગેટ આગળ રાખવામાં આવેલ પારણામાં કોઇ અજાણી વ્યક્તિ કુમળા ફુલ જેવા નવજાત બાળકને મુકીને જતી રહી હતી. જેની જાણ સંસ્થાના કર્મચારીને થતાં તાત્કાલિક ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેનને જાણ કરવામાં આવી અને બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયું હતું. સંસ્થા દ્વારા તે સમયે આ અનાથ બાળકનું નામ નીરજ પાડવામાં આવ્યું. જન્મ સમયે બાળક નીરજનું વજન માત્ર 900 ગ્રામ હોવાથી તેને 20 માર્ચ 2019થી 15 એપ્રિલ 2019 એટલે કે 27 દિવસ સુધી સઘન સારવાર આપવામાં આવી હતી.
તેના માથાનો ભાગ થોડો મોટો હોવાથી એમ.આર.આઇ.કરાવી વિવિધ પ્રકારના મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યા હતા. મેડિકલ ટેસ્ટ અને સારવાર કરાવતાં ખબર પડી કે બાળક નીરજ અધુરા માસે જન્મેલ હોવાથી મગજના લકવાની બીમારી છે. તેથી આ બાળકને સ્પેશ્યલ નીડ જાહેર કરવામાં આવ્યું હતું. બાળક નીરજને ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા લીગલી ફ્રી ફોર એડોપ્શવન જાહેર કરતાં દત્તક આપવાની પ્રક્રિયા માટે મુકવામાં આવ્યું હતું. બાળક નીરજ સ્પેશ્યલ નીડ બાળક હોવાથી ગાઇડલાઇન મુજબ ઇન્ટરકન્ટ્રી એડોપ્શન માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં અમેરિકાના દંપતી લોરીઅન્સ ઓલીવર વોઘન અને તેમની પત્ની મેડલીન ડોરી વોઘે બાળક નીરજને દત્તક લેવા માટે પસંદ કર્યુ હતું. આ બાળક નીરજનું નવું નામ જોશિયા નિરજ બોઘન રાખવામાં આવ્યું છે.
" isDesktop="true" id="1106669" >
બાળક દત્તક આપવા અંગેની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જેનું આ દુનિયામાં કોઇ ન હતું. તેને નવા માતા-પિતા, નવા દેશ સાથે નવી જિંદગી મળી છે. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવા, ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના અધ્યક્ષ અનિકેતભાઇ ઠાકર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.કે.જોષી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ર્ડા. એન.વી.મેણાત સહિત સંસ્થાના બાળકો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.