ગાંધીનગર: બુધવારી અમાસની (Amavasya) ઢળતી સાંજે આકાશમાં વીજળીના કડાકા (rainfall and lightning in gandhinagar) ભડાકા સાથે ગાંધીનગર પંથકમાં વરસાદ વરસી રહ્યો હતો . આ સમયગાળામાં અડાલજના માણેકબા પીટીસી કૉલેજના (Manekba PTC College) ગેટ પાસેના ઝાડ નીચે ઉભી રહેલી બે વિધાર્થિનીઓ પર વીજળી પડવાની ગમખ્વાર ઘટના બની હતી. આ દૂખદ ઘટનામાં 18 વર્ષની એક વિધાર્થિનીનું મોત નીપજ્યું છે . જ્યારે અન્ય એક યુવતીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવી છે .
બે બહેનપણીઓ વરસાદ પડતાં ઝાડ નીચે ઉભી હતી
આ અંગે મળતી વિગતો અનુસાર, ખોરજ ખોડિયાર ગામે રહેતી 18 વર્ષીય આરતીબા જાડેજા અને નમ્રતા ઠાકોર નામની બે યુવતીઓ બુધવારે અડાલજ માણેકબા કૉલેજના ગેટ પાસે ઉભી હતી . ત્યારે પાંચેક વાગ્યાના અરસામાં કડાકા ભડકા સાથે વરસાદ શરૂ થયો હતો. જેથી વરસાદથી બચવા બન્ને બહેનપણીઓ કોલેજના મુખ્ય પ્રવેશ દ્વાર પાસેના ઝાડ નીચે જઈને ઉભી રહી ગઇ હતી . તે વખતે અચાનક આકાશમાં જોરદાર ધડાકો થયો હતો અને વીજળી પૃથ્વી પર ઉતરી આવી હતી .
એક બહેનપણીનું મોત તો અન્ય આઇસીયુમાં
આકાશમાંથી વેરણ બની ને પડેલી વીજળીએ બંને યુવતીઓને ગંભીર રીતે ઘાયલ કરી હતી . કોલેજ છૂટવાના સમયે વીજળી પડવાથી મોટી સંખ્યામાં અન્ય વિધાર્થિનીઓ પણ ગભરાઈ ગઈ હતી . બંને બહેનપણીઓ પૈકી નમ્રતા ઠાકોર ત્યાં જ ઢળી પડી હતી . બનાવ અંગે ઈમરજન્સી 108 ને જાણ કરાતા તાત્કાલિક એમ્બ્યુલન્સ બનાવ સ્થળે દોડી આવી હતી . 108 એમ્બ્યુલન્સ દ્વારા બન્ને ને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે નમ્રતાને મૃત જાહેર કરી હતી .
અન્ય વિદ્યાર્થીઓમાં શોકનો માહોલ
જ્યારે આરતીબાની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે આઇસીયુમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે કોલેજના પ્રિન્સિપાલ સહિતના સ્ટાફ કર્મચારીઓ પણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા . બનાવને લઇ કોલેજ સ્ટાફ અને અન્ય વિધાર્થીઓમાં શોક છવાઇ ગયો હતો.
વિસનગરમાં પણ વીજળી પડતાં મામી- ભાણેજના મોત થયા હતા
થોડા સમય પહેલા વિસનગર તાલુકાના ગણપતપુરા ગામમાં પણ આવી જ એક ઘટના ઘટી હતી. જેમા એક ખેતરમાં મામી-ભાણેજ કામ કરી રહ્યા હતા. ત્યારે વરસાદી માહોલ વચ્ચે અચાનક વીજળી પડતા બંનેના મોત થયા હતા. મામી-ભાણેજનું મોત થતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.