રાજ્યમાં ચોમાસુ બેઠુ પણ વાવણી હજુ ધીમી: ખેડૂતો શ્રીકાર વર્ષાની રાહમાં

રાજ્યમાં ચોમાસુ બેઠુ પણ વાવણી હજુ ધીમી: ખેડૂતો શ્રીકાર વર્ષાની રાહમાં

 • Share this:
  ગુજરાતમાં ચોમાસુ બેસી ગયુ છે પણ ખેડૂતો હજુ ધીંગા વરસાદની રાહ જોઇને બેઠાં છે. જુલાઇનું પહેલુ અઠવાડિયું બેઠુ છતાંય ગુજરાતમાં હજુ અનેક તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ થયો નથી. ખેતીવાડી વિભાગનાં આંકડાઓ મુજબ, 2 જુલાઇની સ્થિતિએ રાજ્યમાં માત્ર 10 ટકા વિસ્તારમાં વાવણી થઇ છે. રાજ્યમાં હાલ8.63 લાખ હેક્ટરમાં વાવેતર થયુ છે. ગયા વર્ષે આજ તારીખે (2 જુલાઇ) 25.86 લાખ હેક્ટરમાં વાવણી થઇ ચૂકી હતી. આનો મતલબ એવો થાય છે કે, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે હજુ માત્ર રાજ્યના સરેરાશ વાવણી લાયક વિસ્તારમાં મત્ર દશ ટકા વિસ્તારમાં જ વાવેતર થયુ છે. કેમ કે, ખેડૂતો હજુ શ્રીકાર વર્ષાની રાહ જોઇ રહ્યા છે.

  ખેડૂતોએ કપાસ, મગફળી, ઘાંસચારો, જુવાર, બાજરી, તુવેર, સોયાબીન અને શાકભાજીનું વાવેતર શરૂ કરી દીધુ છે. ખેડૂતો માટે જુલાલઇ મહિનાનો વરસાદ ખુબ જ અગત્યનો બની રહેશે. કેમ કે, જો જુલાઇમાં સાર્વત્રિક વરસાદ ન થાય તો ખેડૂતો માટે ચિંતાના વાદળો ઘેરાઇ શકે છે.  ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વરસાદના આંકડાઓ મુજબ, ગુજરાતમાં હજુ માત્ર સિઝનનો 9 ટકા વરસાદ જ થયો છે અને કેટલાય તાલુકાઓ કોરા ધાકોર છે. આ આકંડાઓ મુજબ રાજયના વિવિધ વિસ્તારોમાં- દક્ષિણ ગુજરાતમાં 15 ટકા, સૌરાષ્ટ્રમાં 4 ટકા મધ્ય ગુજરાતમાં 8 ટકા,ઉત્તર ગુજરાતમાં 9 ટકા અને કચ્છમાં સિઝનનો માત્ર 1 ટકા વરસાદ પડ્યો છે.
  છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં 29 જિલ્લાના 108 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળમાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. આ આંકડાઓ મુજબ, રાજ્યના 12 તાલુકાઓમાં છાંટોય વરસાદ પડ્યો નથી.
  Published by:Vijaysinh Parmar
  First published:July 03, 2018, 14:12 pm

  टॉप स्टोरीज