કેતન પટેલ, મહેસાણા: ગુજરાતના લોકલાડીલા લોકગાયક કિર્તીદાન ગઢવીને ડાયરામાં નાયક-ભોજક સમાજ વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી ભારે પડી છે. નાયક-ભોજક સમાજ દ્વારા કિર્તીદાન વિરુદ્ધ પાટણમાં પોલીસ ફરિયાદ આપવામાં આવી છે. રોષે ભરાયેલા નાયક-ભોજક સમાજે લાગણી વ્યક્ત કરી કે, કિર્તીદાન ગઢવી તત્કાલીન નાયક ભોજક સમાજની માફી માંગવી જોઈએ.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના પ્રખ્યાત લોકગાયક કિર્તીદાન ગઢવીનો ઉત્તર ગુજરાતના પાટણમાં એક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં આસપાસના ગામના અનેક લોકો ડાયરો સાંભળવા આવ્યા હતા. તે સમયે આ ડાયરાના કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવીએ નાયક-ભોજક સમાજ વિશે અભદ્ર ટીપ્પણી કર્યોનો આક્ષેપ લાગ્યો છે. જેમ જેમ કિર્તીદાનના ડાયરાની વાત વાયુવેગે નાયક-ભોજક સમાજમાં ફેલાઈ તેમ તેમ તેમની સામે લોકોએ પોતાના વિરોધ સૂર શરૂ કર્યો ,આખરે પાટણમાં કિર્તીદાન ગઢવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ મામલે આજે પણ નાયક-બોજક સમાજ દ્વારા કિર્તીદાનનો વિરોધ કરવામાં આવ્યો હતો, મહેસાણામાં નાયક-ભોજક છાત્રાલય ખાતે સમાજે એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો. કિર્તીદાન ગટવી માફી માંગેના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શ ન કરવામાં આવ્યું હતું.
આ બાજુ પાટણમાં પણ નાયક-ભોજક સમાજ દ્વારા કિર્તીદાનનો વિરોધ કરવામાં આવ્યો છે. નાયક સમાજ દ્વારા રોષ જોવા મળ્યો હતો, આ મામલે લોક લાગણી દુભાવવા મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સિવાય ભોજક સમાજે પાટણ અને મહેસાણામાં કિર્તીદાન ગઢવીનો વિરોધ કર્યો હતો અને કલેક્ટરને મળીને ભોજક સમાજે એક આવેદનપત્ર આપીને માંફીની માંગણી કરી હતી.