Home /News /gujarat /

સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં નહીં રહે રોડ અને ટ્રાફિકની સમસ્યા! સંસદમાં કરાઇ રજૂઆત

સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં નહીં રહે રોડ અને ટ્રાફિકની સમસ્યા! સંસદમાં કરાઇ રજૂઆત

બહુચર મંદિર

Mahesana News: શંખલપુર ગામમાં બહુચર માતાજીનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર પણ છે.  જ્યાં દર ચૈત્ર અને આસો સુદ પૂનમની રાત્રે બહુચર માતાની સવારી બેચરાજી મંદિરથી શંખલપુર મંદિરે આવે છે.  જેમાં હજારો ભક્તો હાજરી આપે છે. 

    કેતન પટેલ, મહેસાણા: લોકસભાના સાંસદ સભ્ય શારદાબેન પટેલ (Shardaben Patel) દ્વારા દિલ્હી ખાતે સંસદમાં (parliment) બેચરાજીમાં શંખલપુર રોડ મામલે રજૂઆત  કરાઈ હતી. બેચરાજીમાં (Mahesana news) શંખલપુર રોડ ઉપર આવેલા માર્કેટ યાર્ડ પાસે બનતા અંડરપાસ અને ટ્રાફિકની સમસ્યાઓથી બચવા રેલવેના ફાટક નં. 69થી ફાટક નં. 68 સુધી રેલવેના સમાંતર રોડ બનાવવા માટે સંસદમાં રજૂઆત કરવામાં આવી.

    તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે, મારા સંસદીય મતવિસ્તારમાં આવેલા બેચરાજીમાં વિશ્વ પ્રસિદ્ધ બહુચર માતાજીનું પવિત્ર યાત્રાધામ છે.  બેચરાજીમાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) પણ છે. જેમાં મારુતિ સુઝુકી, હોન્ડા અને અન્ય ઘણી મોટી કંપનીઓના ઉત્પાદન પ્લાન્ટ છે.  જેના કારણે બેચેરાજીનો ઘણો વિકાસ થઈ રહ્યો છે.  હાલમાં અમદાવાદ-બેચરાજી-રણુંજ-પાટણ બ્રોડગેજ રેલ્વે લાઇનનું કામ પણ પ્રગતિમાં છે.  જેમાં શંખલપુર રોડ પર બેચરાજી કિસાન મંડી (APMC) પાસે એલસી નંબર 69ની જગ્યાએ અંડરપાસ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.  આ અંડરપાસ યાત્રાધામ બેચરાજીને યાત્રાધામ શંખલપુર ગામને જોડતા અતિ મહત્વના માર્ગ પર આવેલો છે.

    લોકસભાના સાંસદ સભ્ય શારદાબેન પટેલ


    બેચરાજી તાલુકાની સૌથી મોટી સરકારી સિવિલ હોસ્પિટલ શંખલપુર રોડ પર આવેલી છે.  દરરોજ આસપાસના 50થી વધુ ગામડાઓમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે.  APMC માર્કેટ યાર્ડ અંડરપાસ પાસે આવેલ છે.  ખેડૂતો તેમની ઉપજ વેચવા માટે ટ્રેક્ટર અને ટ્રક દ્વારા માર્કેટયાર્ડમાં આવે છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે.

    શંખલપુર ગામમાં બહુચર માતાજીનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર પણ છે.  જ્યાં દર ચૈત્ર અને આસો સુદ પૂનમની રાત્રે બહુચર માતાની સવારી બેચરાજી મંદિરથી શંખલપુર મંદિરે આવે છે.  જેમાં હજારો ભક્તો હાજરી આપે છે.  શંખલપુર ખાતે આ રોડ પર ફાર્મસી કોલેજ અને બેચરાજી તાલુકાની એકમાત્ર ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન શાળા આવેલી છે.  આ શૈક્ષણિક સંસ્થાઓમાં બેચરાજીની બાજુમાંથી આશરે 15 થી 20 ગામના બાળકો અભ્યાસ અર્થે આવે છે.

    આ પણ વાંચો - ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના: ગુજરાત સરકારે સહાય રકમમાં કર્યો વધારો, હવે 40% સહાય મળશે

    વરસાદી ઋતુમાં અંડરપાસમાં પાણી ભરાવાના સંજોગોમાં ઈમરજન્સી સેવાઓ અને શાળાના બાળકો અને ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.  આ પ્રદેશમાં SIR વિસ્તરણમાં મારુતિ અને હોન્ડા જેવી ઘણી કંપનીઓ છે અને તે કંપનીઓ પર આધાર રાખીને બીજી સેંકડો નાની કંપનીઓ કાર્યરત છે.  અલગ-અલગ કંપનીઓના વાહનોની અવરજવરને કારણે ટ્રાફિકની પણ ઘણી સમસ્યા સર્જાય છે.  આ તમામ મુસીબતોથી બચવા માટે શંખલપુર રોડ પર આવેલ એલસી નંબર 69 થી બેચરાજી 68 સુધીની સમાંતર 10 થી 15 મીટર પહોળાઈનો આરસીસી રોડ બનાવવો અત્યંત જરૂરી છે, જેથી આ ટ્રાફિક દરમિયાન ઈમરજન્સી સેવાઓને અસર ન થાય.

    આ પણ વાંચો - ભાજપના નેતાઓના પરિવારના લગ્નમાં નથી લાગતા કોવિડના નિયમો? વલસાડમાં મોટી સંખ્યામાં લોકો થયા ભેગા

    તેથી આ રજુઆતને અગ્રતા રૂપે લઈ મારી વિનંતી છે કે, શંખલપુર રોડ પર આવેલ એલસી નંબર 69થી બેચરાજી એલસી 68ને સમાંતર 10થી 15 મીટર પહોળાઈનો આરસીસી રોડ બનાવવા માટે ખાસ મંજુરી આપવામાં આવે અને રોડ બનાવવામાં આવે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, મહેસાણા

    આગામી સમાચાર