ઉત્તર ગુજરાતની 5 બેઠક માંથી સાબરકાંઠા બેઠક પર સૌથી વધુ અંદાજે 66.36% મતદાન

ઉત્તર ગુજરાતમાં પાંચ લોકસભા સીટનો સમાવેશ થાય છે

ઉત્તર ગુજરાતની વાત કરીએ તો તેમાં પાંચ લોકસભા સીટનો સમાવેશ થાય છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: રાજ્યની 26 લોકસભા સીટ માટેનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. રાજ્યમાં સરેરાશ 62.36 ટકા મતદાન થયું હોવાનો અંદાજ છે. રાજ્યમાં 26 સીટ પર 371 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થઇ ગયું છે. જ્યારે 23 મેના રોજ પરિણામ આવશે.

  જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો તેમાં પાંચ લોકસભા સીટનો સમાવેશ થાય છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર. આ તમામ પાંચ સીટમાંથી સૌથી વધુ મતદાન સાબરકાંઠા બેઠક પર અંદાજે 66.36% નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું પાટણ બેઠક પર અંદાજે 61.23% નોંધાયું હતું.

  પાટણ બેઠક પર અંદાજે 61.23% મતદાન નોંધાયું હતું. પાટણ લોકસભા બેઠક પર આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ મંડાયો છે. કહેવાય છે કે, આ બેઠક ઉપરથી ટિકિટ મેળવવાની મમતમાં જ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. ખરું-ખોટું જે હોય તે પરંતુ અહીં કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર અને ભાજપના ઉમેદવાર ભરત ડાભી વચ્ચે ઠાકોર મતદારોને આકર્ષવાની હોડ લાગી હતી.


  બનાસકાંઠા બેઠક પર અંદાજે 64.71% મતદાન નોંધાયું હતું. અહીં ભાજપના ઉમેદવાર પરબત પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ઠાકોર અને ચૌધરી મતદારોનું પ્રભુત્વ રહેલું છે. જેમાં ચૌધરી સમાજ મોટા ભાગે ભાજપની વોટબેંક ગણાય છે. જ્યારે ઠાકોર વોટબેંક ઉપર કોંગ્રેસ પક્કડ ધરાવે છે. અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર અને શંકર ચૌધરીનું જ્ઞાતિગત રાજકારણ અહીં મહત્વનો ભાગ ભજવી જશે.


  મહેસાણા બેઠક પર અંદાજે 61.23% મતદાન નોંધાયું હતું. શું આ વખતે કોંગ્રેસ ભાજપનો ગઢ ગણાતી મહેસાણા બેઠક પર ગાબડું પાડી શકશે? કોંગ્રેસે પાટીદાર આગેવાન અને નિવૃત અધિકારી એ.જે. પટેલને મેદાને ઉતાર્યા છે તો સામે ભાજપે પૂર્વ ઉધોગ મંત્રી અનિલ પટેલનાં પત્ની શારદાબેન પટેલને મેદાને ઉતાર્યા છે. શારદાબેન પટેલ નાનાબાર કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. શારદાબેન હાલમાં સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. એ.જે. પટેલ ગુજરાત સરકારના ઔદ્યોગિક વિભાગ (ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ)માં 25 વર્ષ સુધી ક્લાસ વન ઓફિસર તરીકે સેવા આપી ચુક્યા છે. તેઓ જોઈન્ટ કમિશ્નર ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ગુજરાત તરીકે નિવૃત્ત થયા છે.

  આ પણ વાંચો: રાજ્યમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ, 63.57 ટકા મતદાનનો અંદાજ, 371 ઉમેદવારોનું ભાવી સીલ

  સાબરકાંઠા બેઠક પર અંદાજે 66.36% મતદાન નોંધાયું હતું. અહીં ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડ અને કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર ઠાકોર વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. સાબરકાંઠા બેઠક પર પરિવર્તનનો પવન ફુંકાશે કે પુનરાવર્તન થશે તે અંગે અનેક રાજકીય પંડિતો પોતાની રીતે આગાહી કરી રહ્યા છે. આખરે નિર્ણય તો મતદાતાઓ જ નક્કી કરતાં હોય છે.

  ગાંધીનગરની બેઠક પર અંદાજે 64.96% મતદાન નોંધાયું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસના ડૉ.સી.જે.ચાવડા વચ્ચે આ બેઠક ઉપર સીધો જંગ હતો. ગુજરાતમાંથી લોકસભાની 26 બેઠકોમાં ભાજપ માટે સૌથી સલામત મનાતી બેઠકોમાં ગાંધીનગર બેઠક પણ એક છે. 1989ની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર શંકરસિંહ વાઘેલા કોંગ્રેસનાં કોકિલાબેન વ્યાસને 2,68,492 મતોની જંગી સરસાઈથી હરાવીને જીત્યા એ પછી કદી ભાજપે આ બેઠક ગુમાવી નથી.
  Published by:Azhar Patangwala
  First published: