ધાનેરા નગરપાલિકાની પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં ભાજપે ખેલ પાડ્યો

ધાનેરા નગરપાલિકાની પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં ભાજપે ખેલ પાડ્યો
પ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપની બે મહિલાઓ વચ્ચે ટાઈ પડી, ચિઠ્ઠી ઉછાળતા કિરણબેન સોની નવા પ્રમુખ બન્યા

વિકાસ કમિશનરે કોંગ્રેસના 15 સભ્યો સસ્પેન્ડ કરતા ભાજપને લોટરી લાગી, પ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપની બે મહિલાઓ વચ્ચે ટાઈ પડી, ચિઠ્ઠી ઉછાળતા કિરણબેન સોની નવા પ્રમુખ બન્યા

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકાની આજે પ્રમુખપદ માટેની ચૂંટણી પહેલા જ ભાજપે કોંગ્રેસનો ખેલ પાડી દીધો હતો. જેમાં ગઈકાલે કોંગ્રેસના 15 સભ્યો સસ્પેન્ડ થતાં આજે ધાનેરા નગરપાલિકામાં ભાજપ સત્તા સ્થાને આવ્યું છે. જોકે પ્રમુખપદ માટેની ચૂંટણીમાં ભાજપની જ બે મહિલાઓ વચ્ચે ટાઈ પડતાં ચિઠ્ઠી ઉછાળતા કિરણબેન સોની પ્રમુખ બન્યા હતા.

  ધાનેરા નગરપાલિકાના પ્રમુખ જગલબેન ઠાકોરનું અવસાન થતાં આજે પ્રમુખપદ માટેની ચૂંટણી યોજાનાર હતી. જોકે તે પહેલા જ ભાજપે કોંગ્રેસનો ખેલ પાડી દીધો હતો અને ગઈકાલે વિકાસમાં ગેરરીતિના મુદ્દે વિકાસ કમિશ્નરે કોંગ્રેસના 15 સભ્યોને સસ્પેન્ડ કરતાં ભાજપની બહુમતી થઈ ગઈ હતી. જે પછી ધાનેરા નાયબ કલેકટર યોગેશભાઈ વ્યાસના અધ્યક્ષ સ્થાને પ્રમુખપદ માટેની ચૂંટણીની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ભાજપની જ બે મહિલાઓ જ્યોત્સનાબેન ત્રિવેદી અને કિરણબેન સોનીએ ફોર્મ ભરતા બંનેને 6 - 6 સભ્યોનો ટેકો મળતા ટાઇ પડી હતી. બાદમાં બંનેના નામની ચિઠ્ઠી બનાવી ઉછાળતા કિરણબેન સોનીનું નામ નીકળતા તેઓ ધાનેરા નગરપાલિકાના નવા પ્રમુખ બન્યા છે.  આ પણ વાંચો - અમદાવાદ : મિત્રતા નિભાવવા શખ્સોએ કરી લૂંટ, આરોપીઓનું કામ જોઈને તમે પણ શરમાશો

  ધાનેરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો આંતરિક વિખવાદ પણ સામે આવ્યો હતો. જ્યોત્સનાબેન ત્રિવેદીને બનાવવા માટે તેમના પતિ યોગેશભાઈ ત્રિવેદીએ ભાજપના ના જ સભ્યો પર ગાડી ઉઠાવી જવાના પ્રયાસો કર્યા હોવાના ગંભીર આક્ષેપો ભાજપના સદસ્ય ઉમાકાન્તભાઈ મિસ્ત્રીએ કર્યા હતા.

  ઉલ્લેખનીય છે કે ધાનેરા નગરપાલિકામાં હવે કોંગ્રેસના એક પણ સદસ્ય નથી અને ભાજપ સત્તા સ્થાને આવી છે. જોકે ભાજપમાં પણ હવે આંતરિક વિખવાદ ચરમસીમાએ હોવાથી અત્યારે ભાજપમાં રીતસર બે ભાગલા પડી ગયા છે. ત્યારે હવે ભાજપ શાસિત નગરપાલિકાના નવનિયુક્ત કિરણબેન સોની સભ્યોને સાથે લઇ કેટલો સમય પ્રમુખપદ જાળવી શકશે તે જોવું રહ્યું.
  Published by:Ashish Goyal
  First published:June 19, 2021, 15:36 IST