મહેસાણાના ખેરાલુમાં ત્રિકોણીયા જંગથી રાજકીય માહોલ ગરમાયો

પ્રતિકાત્મક તસવીર

  • Share this:
ગુજરાતના મહેસાણા જીલ્લાની ખેરાલુ વિધાનસભા બેઠકમાં ત્રણ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. જેમાં સતલાસણા, ખેરાલુ અને વડનગર તાલુકાના કેટલાંક ગામોનો સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠક પર કુલ 2,37, 753 મતદારો છે. જેમાં 1,24,418 પુરુષ અને 1,13,335 મહિલા મતદારો છે. ખેરાલુ વિધાનસભા બેઠક પર કુલ 270 પોલીંગ બુથ છે.

2017ના ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર નજર કરીએ તો આ વખતે પણ કોંગ્રેસે ખેરાલુ સીટ પર ટિકિટ આપવામાં ભૂલ કરી નાંખી છે તેવું લોક મોઢે ચર્ચાઈ રહ્યું છે. આ વખતે ખેરાલુ સીટ પર સૌથી પ્રબળ દાવેદાર તો બીજેપીના ભરતસિંહ ડાભી જ જણાઈ રહ્યાં છે, જોકે ખેરાલુ તાલુકાના લોકોમાં તેમના કામને લઈને અંસોતોષ પણ જણાઈ રહ્યો છે. મળેલી માહિતી અનુસાર ખેરાલુમાં ત્રિકોણીયો જંગ થવા જઈ રહ્યો છે. ખેરાલુના પૂર્વ કોંગ્રેસ નેતા મુકેશ દેસાઈને ટિકિટ ના ફાળવાતા તેમને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે કોંગ્રેસે ઠાકોર મતદારોને જોતા મહેસાણાના જિલ્લાના તળેટી ગામના રહેવાસી રામાજી ઠાકોરને ટિકિટ ફાળવી છે. જોકે ખેરાલુની જનતા તેમને જાણતી  ના હોવાના કારણે રોષે ભરાઈ હતી, મળી રહેલ રિપોર્ટ અનુસાર , ખેરાલુ તાલુકાના લોકોની માંગ હતી કે, તેમને લોકલ નેતા જોઈએ છે, જોકે તેમના લોકલ નેતા મુકેશ દેસાઈને કોંગ્રેસ દ્વારા ટિકિટ ફાળવવામાં આવી નહતી, જેના કારણે ખેરાલુ અને આસપાસના ગામડાના લોકોએ મુકેશ દેસાઈને ટેકો આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ ચોક્કસ રીતે અપક્ષ ઉમેદવાર મુકેદ દેસાઈ બીજેપી અને કોંગ્રેસ માટે એક પડકાર રૂપ બની રહ્યા છે. જોકે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસની અંદોરઅંદરની લડાઈના કારણે ભાજપ બાજી મારી શકે છે.

અપક્ષ ઉમેદવાર મુકેશ દેસાઈ, ખેરાલુ

મહેસાણાની ખેરાલુ વિધાનસભા બેઠક પરની ચુંટણી પરિણામો પર નજર કરીએ તો જણાશે કે વર્ષ 2012ની વિધાનસભા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ કોંગ્રેસના ઉમેદવાર બાબુજી ઠાકોરને 14.49 ટકા મતથી હરાવીને બેઠક જીતી હતી. જયારે વર્ષ 2007માં પણ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ કોંગ્રેસના ઉમેદવાર અંજના દેસાઈને 17 હજાર મતથી હરાવ્યા હતા. આ બેઠક પર છેલ્લી ત્રણ ટર્મથી ભાજપના ઉમેદવાર સતત ચુંટણી જીતતા આવ્યા છે. જયારે વર્ષ 1990 થી અત્યાર સુધી યોજાયેલી 6 વિધાનસભા ચુંટણીમાં બે વાર કોંગ્રેસના ઉમેદવાર વિજયી બન્યાં છે.

મહેસાણા જીલ્લાની ખેરાલુ વિધાનસભા બેઠક પરના જાતીય ગણિતની વાત કરીએ તો જણાશે કે 52 ટકા ઓબીસી, 9 ટકા મુસ્લિમ, 10 ટકા એસ.સી., 1 ટકા એસ.ટી અને 26 ટકા અન્ય જાતિનો સમાવેશ થાય છે. આ બેઠક પર ઠાકોર અને ક્ષત્રિય સમાજના મતોનું પ્રભુત્વ વધારે છે.
First published: