આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠા (Banaskantha)સહિત ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને (Heavy rain in Gujarat)પગલે જિલ્લામાં અનેક વ્હોળા અને ઝરણાઓમાં ધોધ (Waterfalls)વરસવાનું શરૂ થઈ ગયું છે. સૂકા ભઠ્ઠ પડેલા વ્હોળાઓમાં પાણી આવતા જ લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. બનાસકાંઠામાં ભાદરવાની શરૂઆત સાથે જ મેઘો મન મૂકીને વરસ્યો છે. બે દિવસથી ભરપૂર વરસાદ (rain )થતા અનેક વ્હોળા અને ઝરણાંઓમાં ફરી વખત પાણીથી વહેવા લાગ્યુ છે.
વડગામ તાલુકામાં આવેલ પાણીયારીમાં આ વર્ષે પ્રથમ વખત પાણીનો ધોધ વહેતો થતાં જ આજુબાજુના લોકો જોવા માટે આવ્યા હતા. આ સિવાય પાલનપુર તાલુકાના વિઠોદર અને આલવાડા ખાતે આવેલા વ્હોળાઓમાં પણ પાણી વહેવા લાગ્યું હતું. આમ તો આ વર્ષે અત્યાર સુધી નહીવત વરસાદ હોવાના કારણે મોટાભાગના ઝરણાં અને વ્હોળા સૂકા ભઠ્ઠ હતા. પરંતુ છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસતા જિલ્લાના વ્હોળા, ઝરણાંમાં પાણી વહેતુ થતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. હજુ પણ ભારતીય મોસમ વિભાગ દ્વારા આગામી 12 તારીખ સુધી ભારે વરસાદની આગાહી છે જેથી આગામી બે દિવસ સુધી સારો વરસાદ પડે તો બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વ્હોળાઓ અને ઝરણાં ફરી સજીવન થઇ જશે તેવી લોકો આશા રાખી રહ્યા છે.
વેડંચાથી હોડા વચ્ચે પુલ પાસેનો માર્ગ તૂટી જતા 10 જેટલા ગામનો સંપર્ક તૂટી ગયો છે
ભારે વરસાદને પગલે વેડંચા-હોડા વચ્ચે માર્ગ તૂટ્યો
પાલનપુરમાં ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ નુકસાનની ઘટનાઓ બની છે. જેમાં વેડંચાથી હોડા વચ્ચે પુલ પાસેનો માર્ગ તૂટી જતા 10 જેટલા ગામનો સંપર્ક તૂટી ગયો છે. એક જ વર્ષમાં બીજી વાર આ માર્ગ તૂટી જતાં તંત્ર સામે લોકોમાં રોષ ફેલાયો છે. આજે વહેલી સવારથી પાલનપુરમાં ચાર કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક જગ્યાએ નુકસાનની ઘટનાઓ પણ સામે આવી છે. જેમાં પાલનપુર તાલુકાના વેડંચા થી હોડા વચ્ચેનો માર્ગ પણ ભારે વરસાદના કારણે તૂટી ગયો છે. પુલ પાસેનો માર્ગ તૂટીને પાણીના વહેણમાં તણાઈ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. આ માર્ગ તૂટી જતા 10 જેટલા ગામોનો પણ અત્યારે સંપર્ક તૂટી ગયો છે. હવે આ સંપર્ક વિહોણા બનેલા ગામના લોકોએ 10 થી 12 કિલોમીટર ફરીને અવરજવર કરવાની નોબત આવી છે.
આ માર્ગ તૂટી જતાં અહીંથી પસાર થતા પશુપાલકો, વાહનચાલકો અને વિદ્યાર્થીઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે હલકી ગુણવત્તાવાળી કામગીરીના કારણે એક જ વર્ષમાં બે વાર આ માર્ગ તૂટી જતા લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. અત્યારે તો ભારે વરસાદના કારણે આ માર્ગ તૂટી જતાં દસથી બાર જેટલા ગામના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. હવે આ ગ્રામજનોએ 12 કિલોમીટર ફરીને અવરજવર કરવી પડશે. ત્યારે તંત્ર તાત્કાલિક આ માર્ગનું ગુણવત્તાયુક્ત સમારકામ કરાવે તેવી લોકોની માંગ છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર