Home /News /gujarat /

ગુજરાતની 'જલીકટ્ટુ' પરંપરા : વાલમ ગામમાં થતા 'હાથિયા ઠાઠુ'એ લીધો એકનો જીવ!

ગુજરાતની 'જલીકટ્ટુ' પરંપરા : વાલમ ગામમાં થતા 'હાથિયા ઠાઠુ'એ લીધો એકનો જીવ!

વાલમમાં દર વર્ષે ચૈત્ર વદ નોમ અને દશમે ઉજવાય છે હાથિયા ઠાઠુનો પ્રસંગ, શું છે તેની પરંપરા?

વાલમમાં દર વર્ષે ચૈત્ર વદ નોમ અને દશમે ઉજવાય છે હાથિયા ઠાઠુનો પ્રસંગ, શું છે તેની પરંપરા?

  ન્યૂઝ18 ગુજરાતી : તમિલનાડુની લોકપ્રિય રમત 'જલીકટ્ટુ' જે તમિલ લોકો પોંગલ ઉત્સવના સમયે આખલા સાથે સ્પર્ધા કરતા રમે છે. લગભગ તેવી જ એક રમત ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના વિસનગર અને ઊંઝા તાલુકાની વચ્ચે આવેલા વાલમ ગામે પણ યોજાય છે. આ રમતનું નામ છે 'હાથિયા ઠાઠુ'. દર વર્ષે વાલમમાં હાથિયા ઠાઠુનો પ્રસંગ ચૈત્ર વદ નોમ અને દશમના દિવસે ઉજવવામાં આવે છે.

  'જલીકટ્ટુ'ની જેમ 'હાથિયા ઠાઠુ' વાલમ ગામમાં લોકશક્તિ અને દૈવીશક્તિના સમન્વયના દર્શન કરાવતો પ્રસંગ છે. રાત્રે ગામના સાંકડા રસ્તા વચ્ચેથી નીકળેલા હાથિયા ઠાઠુના પાણીદાર બળદો સાથે 60થી 70 કિમીની ઝડપે દોડતાં ગ્રામજનોનું દ્રશ્ય જોઇ ઘડીભર માટે તમારા શ્વાસ થંભી જાય છે. આ ચૈત્રી નવરાત્રીના નોમ-દશમની રાત્રીએ આ વખતે 8 વર્ષીય જયેશ પટેલ નામના યુવકનું મોત નિપજ્યું હતું. બળદ ગાડું દોડાવવાની પ્રથા દરમિયાન આ યુવક બળદ ગાડાની વચ્ચે આવી જતાં તેનું મોત નિપજ્યું હતું. જેના પગલે વિસનગર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે.

  હાથિયા અને ઠાઠુમાં શું છે ફરક?

  હાથિયો અને ઠાઠુ આ બંને અલગ-અલગ પ્રકારના ગાડા વાલમ ગામમાં તૈયાર કરવામાં આવે છે. ગામના વતની કલ્પના નાયકે જણાવ્યું કે, ગામના લોકો દ્વારા હાથિયા અને ઠાઠુને તૈયાર કરવામાં આવે છે. હાથિયાના આગળના ભાગમાં ઘાસની મદદથી હાથીના ચહેરા જેવો શણગાર કરવામાં આવે છે. ઠાઠુ સાદુ ગાડું હોય છે. નોમના દિવસે બંને ગાડાઓને અલગ-અલગ વિસ્તારમાં દોડાવવામાં આવે છે તેમાં ગાડાની ઉપર સવાર હોય છે. ગાડા પર બેસવા માટે પણ મોટી બોલી બોલાવવામાં આવે છે. આ ઉપરાંત ગાડા સાથે જોડવા માટે ગામના સૌથી મજબૂત બળદોની પસંદગી કરવામાં આવે છે.

  આ પણ વાંચો, વિસનગર: વાલમ ગામમાં બળદ ગાડું દોડાવવાની પ્રથામાં એક યુવાનનું મોત

  શું છે હાથિયા ઠાડુની પરંપરા?

  વિસનગર તાલુકાના વાલમ ગામમાં હાથિયા ઠાઠુ મહોત્સવના તહેવારની શરૂઆત ચૈત્રી પૂનમથી થઇ, જેમાં મા સુલેશ્વરીની પધરામણી ઘેર ઘેર કરાઇ હતી. ચૈત્ર વદ પાંચમે માતાજીની પલ્લી ભરાઇ, છઠ્ઠે દેવીપૂજક ભાઇ દ્વારા ખીચડો ભરેલું માટલું માના ચોકમાં પછાડી વર્ષ સારું જાય તેવા શુકન જોવાયા. સાતમે નાયક ભાઇઓ હોકો નામનું જૂઠાણું ચલાવ્યું. નોમ-દસમની રાત્રી એટલે ઉત્સવની ચરમસીમા. શુક્રવારે રાત્રે ચોપાડીયા નામના સ્થળે મૂળ હાથિયો અને થડાના ચોકમાંથી ઠાઠું એમ બે રથ તૈયાર કરાયા. જેમાં તમામ જ્ઞાતિના લોકો જોડાયા હતા. હરિજનો લાકડું કાપીને લાવ્યા, તો સુથારે તેને ઘડયા. જ્યારે રથોની ગૂંથણી પટેલ ભાઇઓએ કરી. પરોઢિયે ચાર વાગ્યે બંને રથને જાતવાન ચાર બળદો જોડીને ગામની સાંકડી ગલીઓમાં પલ્લવી માતા તેમજ કાળકા માતાના દર્શનાર્થે લઇ જવામાં આવ્યા. જ્યાંથી બંને રથ ગામના સરદાર ચોકમાં લાવી ગામની વાંકી-ચૂંકી ગલીઓમાં તેજ ગતિથી દોડાવવામાં આવ્યા. જેમાં ગામના અબાલવૃદ્ધ સૌ કોઇએ હાથમાં નાની લાકડીઓ લઇ બોલો સુલઇ માતાકી જય...ના નારા સાથે આગળ દોટ મૂકી હતી.

  ચૈત્રી દશમે યોજાય છે હાથિયા અને ઠાઠુ વચ્ચે હરીફાઇ

  જ્યારે બીજા દિવસે હાથિયાને ચકલીયાના ચોકમાંથી નીકળી થડાના ચોકમાં ઠાઠાને લેવામાં આવે છે. જ્યાંથી બંને રથ સરદાર ચોકમાં આવે છે અને બંને વચ્ચે હરીફાઇ યોજાયે છે. ચાર ચાર બળદોના રથને વાંકી-ચૂંકી સાંકડી ગલીઓમાં ૬૦ થી ૭૦ કિ.મી.ની ઝડપે દોડતા જોવા માટે મોડી રાત્રે પણ મોટી સંખ્યામાં પંથકમાંથી લોકો ઉમટી પડે છે. કલ્પના નાયકે જણાવ્યું કે, હાથિયા અને ઠાઠુની હરીફાઇ જોવા માટે લોકોમાં ઘણી વધુ પ્રમાણમાં ઉત્સુક્તા હોય છે. વાલમના મૂળ વતનીઓ જે અન્ય શહેરોમાં જઈને વસ્યા છે તે આ દિવસે ચોક્કસ હાજર રહેતા હોય છે

  સુલેશ્વરી માતાના મંદિર ખાતે ભરાય છે ત્રણ દિવસનો મેળો

  કલ્પના નાયકના જણાવ્યા અનુસાર, વાલમમાં સુલેશ્વરી માતાના મંદિરના સાનિધ્યમાં ત્રણ દિવસના મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. હાથિયા-ઠાઠુની સાથે લોકો મેળામાં પણ મહાલતા હોય છે. મેળો આખી રાત ચાલતો હોય છે.

  જલીકટ્ટુ કેમ છે સૌથી જોખમી?

  જેમ 'જલીકટ્ટુ' અર્થ છે : જલીનો અર્થ થાય છે 'સિક્કો' અને કટ્ટૂનો અર્થ છે 'બાંધેલો'. આ રમત દરમિયાન આખલા(સાંઢ) ના શીંગડામાં કપડુ બાંધેલું હોય છે. આ કપડામાં ઈનામની રકમ હોય છે. ઈનામની રકમને મેળવવા માટે લોકો આખલાને ખૂંધથી પકડીને થોડી વાર માટે લટકી જાય છે. તેનાથી સાંઢ વશમાં થઈ જાય છે. રમતની શરૂઆતમાં એક દોડતો આખલો ભીડમાં છોડવામાં આવે છે. આ રમતમાં હરીફે આખલાના ખૂંધને ત્યા સુધી પકડી રાખવાની છે જ્યા સુધી તે વશમાં ન થઈ જાય. આ રમતમાં ભાગ લેવા માટે આખલાને એક વર્ષથી વધુ સમય પહેલાથી તૈયાર કરવામાં આવે છે. જો કે, આ ખતરનાક રમતમાં ક્યારેક લોકો જીવ પણ ગુમાવે છે. આ રમત આસ્થાનું પ્રતીક છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Mahesana, Visnagar

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन