24મી જૂનના રોજ ઉંઝાથી નીકળનારી પાટીદાર શહીદ યાત્રાને હાર્દિક પટેલે સમર્થન આપ્યું છે. એટલું જ નહીં હાર્દિક પટેલે પાટીદારોને વ્યક્તિગત સ્વાર્થ છોડીને આ યાત્રામાં જોડાવવા માટે અપીલ પણ કરી છે. આ પહેલા પાલનપુર ખાતે પાટીદાર આગેવાનોએ શહીદોને ન્યાય અપાવવા માટે કરેલા ધરણામાં પણ હાર્દિક પટેલે હાજરી આપી હતી.
મૃત્યુ પામેલા 14 પાટીદારોની યાદમાં યાત્રા
પાટીદાર સમાજને અનામત અપાવવા માટે જેની સ્થાપના કરવામાં આવી છે તે PASS (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના હાલમાં બે ભાગ પડી ગયા છે. જેમાં હાર્દિક પટેલ સિવાય દિલિપ સાબ્વાના જૂથે અનામત આંદોલને ફરીથી જાગૃત કરવા માટે ઉંઝાના ઉમિયાધામથી કાગવડના ખોડલધામ સુધીની યાત્રા કાઢવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે આ બંને સ્થળો પાટીદારોના ધાર્મિક સ્થળો છે. પાટીદારોની આ શહીદ યાત્રા રાજ્યના 97 જિલ્લામાંથી પસાર થશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
આ યાત્રામાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા 14 પાટીદાર યુવકોના ફોટોગ્રાફ્સ હશે. આ ઉપરાંત યાત્રામાં બે રથને સામેલ કરાશે જેમાંથી એક રથ માતા ખોડલ અને બીજો રથ માતા ઉમિયાનો હશે. આ યાત્રામાં એક રથ સરદાર વલ્લભભાઈ પટેલનો પણ હશે.
શા માટે યાત્રા?
યાત્રાનો મુખ્ય ઉદેશ્ય મૃત્યુ પામેલા 14 પાટીદારોનો ન્યાય અપાવવાનો છે. તેમજ પાટીદારો સામે સરકારે કરેલા કેસો પરત ખેંચવા તેમજ અનામત આંદોલનને ફરીથી વેતવંતુ કરવાના ઉદેશ્ય સાથે આ યાત્રા કાઢવામાં આવશે. એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યના તમામ ઝોન મળીને કુલ 3349 કિલોમીટરની યાત્રા કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર