Home /News /gujarat /પાલનપુર પાટીદાર આંદોલનઃ હાર્દિક પટેલ સત્યાગ્રહ છાવણી પહોંચ્યો

પાલનપુર પાટીદાર આંદોલનઃ હાર્દિક પટેલ સત્યાગ્રહ છાવણી પહોંચ્યો

રાજ્યમાં ફરી એકવાર પાટીદારોએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. આંદોલન વખતે શહીદ થયેલા 14 પાટીદારોને ન્યાય અપાવવા માટે પાટીદારો મંગળવારથી પાલનપુરમાં એકઠા થયા છે. જ્યાં તેઓ ન્યાય માટે ઉપવાસ પર ઉતર્યા છે. આજે કોંગ્રેસ એમએલએ મહેશ પટેલ, હાર્દિક પટેલ ઉપરાંત અન્ય પાટીદાર યુવાનો પણ ઉપવાસમાં જોડાયા છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આ આમરણાંત ઉપવાસમાં લાલજી પટેલ, દિનેશ બાંભણીયા સહિતના નેતા ઉપસ્થિત છે. તેમના સિવાય અહીંયા મોટી સંખ્યામાં પાટીદાર નેતાઓ હાજર રહ્યાં છે.

નોંધનીય છે કે આમરણાંત ઉપવાસ દરમિયાન લાલજી પટેલ સહિતના પાટીદાર નેતાઓએ ન્યાય માટે લેખિતમાં રજૂઆત કરી છે. આ સાથે જ ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા સાથે પાટીદાર નેતાઓએ મંત્રણા પણ કરી હતી. જેમાં ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડાનું કહેવું છે કે અમારી પાસે આવી કોઈ માહિતી નથી. મહત્વનું છે કે આંદોલન મામલે CID ક્રાઈમ તપાસ ચલાવી રહી છે.

ન્યાય નહીં મળે તો સરકારે 2019માં ગંભીર પરિણામ ભોગવવું પડશે: લાલજી પટેલ

લાલજી પટેલે પોતાનું નિવેદન આપતા કહ્યું કે જો શહીદ પાટીદારોને ન્યાય નહીં મળે તો સરકારે 2019માં ગંભીર પરિણામ ભોગવવું પડશે. આ સાથે જ કહ્યું કે તમામ ઈતર સમાજ ભેગા થઈને સરકારનો અમે વિરોધ કરીશું.

ઉલ્લેખનીય છે કે આંદોલન વખતે શહિદ થયેલા લોકોને ન્યાય અપાવવા માટે 24મી મેથી શહીદ યાત્રા શરૂ કરવામાં આવી હતી. આ યાત્રા આંદોલન સમયે મૃત્યુ પામેલાઓના પરિવારને ન્યાય આપવા માટે યોજાઇ હતી. જે યાત્રામાં 14 શહિદોની પ્રતિમા બનાવવામાં આવી હતી. યાત્રાએ પહેલા ઉંઝા મંદિરમાં પ્રતિમાઓને અભિષેક કરાવ્યો હતો. બાદમાં 4 કિલોમીટર સુધી યાત્રા કરવામાં આવી હતી. જે યાત્રા ખોડલધામ ખાતે સમાપ્ત થઈ હતી. ત્યારે આજે ફરી એકવાર પાલનપુરમાં પાટીદારોએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા છે.
First published:

Tags: પાટીદાર, હાર્દિક પટેલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો