અમદાવાદ : ગુજરાતના જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળા (Vijay Suvala) એ ભાજપનો ખેસ પહેરી લીધો છે. તેમણે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)સાથે છેડો ફાડ્યો હતો. હવે વિજય સુવાળા ભારતીય જનતા પાર્ટીમાં (Gujarat BJP) જોડાયા છે. જે બાદ વિજય સુવાળાએ કહ્યું કે, ભાજપથી સારું કોઇ સંગઠન નથી. હું તન, મન અને ધનથી લોકની સેવા કરીશ. આ ઉપરાંત તેમણે જણાવ્ચું કે, સી.આર પાટીલ (C. R. Patil) મને પુત્ર જેવો માને છે.
'હું મારા ઘરે પાછો ફર્યો છું'
વિજય સુવાળા સમર્થકો સાથે કમલમ પહોંચ્યા હતા. ભાજપમાં જોડાયા બાદ વિજય સુવાળાએ કહ્યું કે, 'હું મારા ઘરે પરત ફર્યો છું. મારો પરિવાર ત્રણ પેઢીથી ભાજપ સાથે જોડાયેલો છે. રાતનો ભૂલ્યો દિવસે ઘરે પાછો આવ્યો છે. ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે.'
તેમણે વધુમાં કહ્યું કે, 'સંગઠન વિના કંઈ થઈ શકતું નથી અને ભાજપ જેવું સંગઠન મેં ક્યાંય જોયું નથી. હું વચન આપું છું કે, હું તન મન ધનથી ભાજપ સાથે રહી લોકોની સેવા કરીશ.'
આ અંગે સી.આર. પાટીલે કહ્યું હતું કે, વિજયભાઈ સુંવાળા અજે ભાજપમાં જોડાયા છે. ફરીથી ઘરે પાછા આવ્યા છે. એ બીજી પાર્ટીમાં જોડાયા ત્યારે પણ મને મળ્યા હતા. પછી કેટલાક લોકો ભ્રમ ફેલાવે છે તેમા તે આવી ગયા હતા. પરંતુ પછી તેમને લાગ્યું કે, આ મારો રસ્તો નથી. તેમને જે લોકો ચાહે છે, જે લોકો તેમની પર વિશ્વાસ મુકે છે તે લોકોનો વિશ્વાસ તૂટે તેવું તેમને લાગ્યું. અમે ફરીથી તેમને પાર્ટીમાં આવવાનો પ્રસ્તાવ મુક્યો અને તેમને સહર્ષ સ્વીકાર્યા છે.
વિજય સુવાળાએ ઇશુદાન ગઢવી સાથે મુલાકાત બાદ મીડિયા સામે કહ્યું હતુ કે, હું વિચાર કરી મારો આખરી નિર્ણય જાહેર કરીશ. ઇશુદાન મારા મોટા ભાઇ છે. પાર્ટીમા લાવનાર ઇશુદાન ગઢવી જ છે. મારી ઘરે તેઓ ખુદ આવ્યા છે. તેથી હવે હું વિચારમાં પડી ગયો છું કે, મારે શું કરવું જોઇએ. હજુ કોઇ મે નિર્ણય કર્યો નથી. હજુ થોડું વિચારી મારો નિર્ણય જાહેર કરીશ.