Home /News /gujarat /

Power Corridor: આઇપીએસની બદલીઓ વિલંબમા પડવાનું અસલી કારણ શું?

Power Corridor: આઇપીએસની બદલીઓ વિલંબમા પડવાનું અસલી કારણ શું?

આઇપીએસની સમગ્ર બદલીઓ કોઇપણ પ્રકારની ફેવર કે પક્ષપાત વગરની દેખાય તે માટે - ફરીથી લિસ્ટ બનાવવા સીએમને વિનંતી કરવામા આવી છે. (પ્રતીકાત્મક તસવીર)

જો આજની બેઠકમાં સર્વ સહમતિ સંધાઇ તો આગામી બે દિવસમાં આઇપીએસની બદલીઓની જાહેરાત નિશ્ચિત બનશે.

ગાંધીનગર : ગત શનિ - રવિ દરમ્યાન સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલે (CM Bhupendra Patel) ખાસ આઇપીએસની બદલીઓ (IPS Transfer) માટે સમય ફાળવ્યો હતો. તેઓ દ્વારા ફાઇનલ લિસ્ટ રેડી પણ કરાઇ દેવાયું હતું. પરંતુ એ લિસ્ટમાં ૭ પટેલોને પ્રાઇમ પોસ્ટીંગ પર મૂકાતા આ બદલીઓ વિલંબમાં પડી છે. કારણકે, આ નિર્ણય સાથે ભાજપ સંગઠનનાં જ ટોચના નેતા સહમત નથી.  આઇપીએસની સમગ્ર બદલીઓ કોઇપણ પ્રકારની ફેવર કે પક્ષપાત વગરની દેખાય તે માટે - ફરીથી લિસ્ટ બનાવવા સીએમને વિનંતી કરવામા આવી છે. સૂત્રોનું માનીએ તો, આજે આજ મુદ્દે સંગઠનના ટોચના નેતા અને સીએમની બેઠક પણ યોજાનાર છે. જો આજની બેઠકમાં સર્વ સહમતિ સંધાઇ તો આગામી બે દિવસમાં આઇપીએસની બદલીઓની જાહેરાત નિશ્ચિત બનશે.ઉર્જા વિકાસ નિગમના અધિકારીઓ મમતા વર્માથી ખફા કેમ છે?

ગુજરાતના ઉર્જા વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મમતા વર્માના એક વિચારથી ગુજરાત ઉર્જા વિકાસ નિગમના અધિકારીઓ ખફા બન્યાં છે. જો તેણીએ વિચારેલો આઇડિયા સફળ રહ્યો તો, ઉર્જા વિકાસના અધિકારી તેમજ કર્મચારીઓ વિરોધ કરે તેવી સંભાવના દેખાઇ રહી છે.  મમતા વર્મા એક સશ્કત મહિલા અધિકારી છે - ને તેમણે એવો બોલ્ડ આઇડિયા દરખાસ્તમાં સ્વરૂપમાં રજૂ કર્યો છે કે, અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી રહી છે. આ મહિલા અધિકારીએ ગુજરાત ઉર્જા વિકાસ નિગમની વર્ષો જૂની વડોદરા સ્થિત મુખ્ય કચેરીને ગાંધીનગર ખસેડવાનું વિચાર્યું છે. વિચાર જ નહીં તેમણે નિર્ણય કર્યો છે.
ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એટલે કે જીઇબી નામકરણ હતું ત્યારથી આ મુખ્ય કચેરી વડોદરામાં રહી છે. મમતા વર્મા હવે આ કચેરીને કેપિટલમાં ખસેડવાનું મન બનાવી રહ્યાં છે.

ઉર્જા વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મમતા વર્મા


વર્ષો પહેલાં આવો પ્રયોગ થયો હતો પરંતુ તે સફળ રહ્યો ન હતો. તેઓ ઇચ્છી રહ્યાં છે કે, ઉર્જા વિકાસ નિગમ અને અન્ય ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓનો વહીવટ ગાંધીનગરથી થવો જોઇએ. જોકે, તેમને નિગમના અધિકારીઓ તેમજ કર્મચારીઓનો તેમને સહકાર મળી રહ્યો નથી. તાજેતરમાં નિગમના અધિકારીઓના એક ગ્રુપે મમતા વર્માની મુલાકાત લીધી હતી અને વિનંતી કરી હતી કે, મુખ્ય કચેરીને યથાવત રાખવામાં આવે. જોકે, ફાઇલન નિર્ણય મુખ્યમંત્રી કાર્યાલયમાં લેવાય તેવી સંભાવના છે.

આ પણ વાંચો - Power Corridor: અમદાવાદના પૂર્વ સીપી એ.કે.સિંઘ હવે સાયકલના પંચર બનાવશે

ગુજરાતના પહેલા એવા આઇએએસ જેની પોતાની યુ ટયૂબ ચેનલ છે 

ટુરિઝમ વિભાગને સાડા ચાર વર્ષ બાદ નવા એમ.ડી. મળ્યા છે. એમ.ડી અલોકકુમાર પાંડે ટુરીઝમમાં આવતા પહેલા જ શિલ્પ સ્થાપત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિમાં રુચિ ધરાવે છે. તે તેમની પર્સનલ યુ ટયૂબ ચેનલ પરથી સ્પષ્ટ થાય છે. અલોક કુમાર પાંડે કદાચ રાજ્યના પહેલા એવાઆઇએએસ છે - જેઓ પોતાની યુ ટયૂબ ચેનલ ધરાવે છે.  તેની પર દસ હજારથી વધુ લોકો તેમની ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી ચૂક્યા છે. આ ચેનલ પર તેઓ ધણા એકટીવ છે તે તેમના અપલોડેડ વીડિયો પરથી સ્પષ્ટ થાય છે. આ ચેનલ પર તેઓએ વિવિધ પ્રાંતોના શિલ્પ સ્થાપત્ય, ઇતિહાસ પર જાણકારી આપીને લોકોને એજ્યુકેટ કરવાનો પ્રયત્ન કર્યો છે.

અલોકકુમાર પાંડે


ગુજરાત કેડરના આ ઓફિસરે હજુ ગઇકાલે જ તામિલનાડુના તાંજોર જિલ્લાના બૃહાદિશ્વર મંદિરના ઇતિહાસ ને દર્શાવતી ડોક્યુમેન્ટરી અપલોડ કરી છે. જોકે તમિલનાડુના સ્થાપત્યો સુધી પહોંચેલા ગુજરાત કેડરના આ ઓફિસરે હજુ સુધી ગુજરાતની ધરોહરોના કોઇ વિડિયો અપલોડ કર્યા નથી.

આઇએએસની એકલ - દોકલ બદલીઓથી અસંતોષ 

પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રુપાણીની સરકારમાં સાઇડલાઇન થયેલા અધિકારીઓ ખુશ હતા. જ્યારે ભૂપેન્દ્ર પટેલની સરકાર આવી તમામને હતું કે, નવી સરકાર આવતા હવે નવા સીએમની કાર્યશૈલી અનુસાર અધિકારીઓ બદલાશેને તેઓને પણ નવી તક મળશે. પરંતુ , હાલ જે પ્રકારે આઇએેસની એકલ દોકલ બદલીઓના ઓર્ડર આવી રહ્યા છે -તે જોતા છેલ્લા ઘણાં  વર્ષોથી એકને એક વિભાગમાં બદલીઓ લઇ રહેલા અથવા તો રુપાણી સરકારમાં સાઇડ લાઇન થયેલા અધિકારીઓ મા ભયંકર અસંતોષ વ્યાપ્યો છે. સરકારની આ નિતીને કારણે રુપાણી સરકારમાં વગર કારણે સાઇડ લાઇન થયેલા અધિકારીઓના મોરલ અને કાર્યક્ષમતા પર અસર પડી રહી છે.

આ પણ વાંચો - પાવર કોરિડોરના તમામ આર્ટિક અહીં વાંચો.

ખાસ કરીને મૂળભૂત રીતે ગુજરાતી અધિકારીઓ પોતાને - ઓરમાયા મહેસૂસ કરી રહ્યા છે. તેમને લાગે છે કે, આઇએેએસ અધિકારી હોવા છતાંય- મહત્વની જવાબદારીઓવાળા હોદ્દા માટે તેમની પસંદગી એમ કહીને રીજેક્ટ કરી દેવાય છે કે - તેમનું અંગ્રેજી એટલું સારુ નહી હોય. મહિલા અને બાળ વિકાસ, પંચાયત અને ગ્રામ વિકાસ અને  શિક્ષણ વિભાગ - જેવા વિભાગો એવા છે - જયાં અધિકારીઓ વર્ષો સુધી એકને એક વિભાગમા ફરી રહ્યા છે. હવે તો આ ત્રણેય વિભાગ જ પનિશમેન્ટ પોસ્ટીંગ તરીકે ખ્યાતનામ થઇ ચૂક્યા છે.

એક આઇપીએસ હોમ રાજ્યમંત્રીની નજીક આવ્યા

ગુજરાતમાં પોલીસ અધિકારીઓની બદલી ફરી એકવાર વિલંબમાં પડી છે પરંતુ ભાવનગર રેન્જમાં આઇજી તરીકે ફરજ બજાવી રહેલા અશોકકુમાર યાદવને ટૂંક સમયમાં પ્રાઇમ પોસ્ટીંગ મળે તેવી સંભાવના સૌ કોઇ નિહાળી રહ્યા છે. પોલીસ ભવનના સૂત્રો જણાવે છે કે, યાદવ અત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની નજીક છે. મીડલ કેડરના આ પોલીસ ઓફિસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાત સમયે રોડ-શોમાં અતિ મહત્વની જવાબદારી નિભાવી હતી. સોશિયલ મીડિયા સેવી એવા યાદવ હાલની ભાજપની સરકારમાં ખૂબ નજીક હોવાનું માનવામાં આવી રહ્યું છે. આઇપીએસ ઓફિસરોની બદલીમાં યાદવને પ્રાઇમ પોસ્ટીંગ મળે તેવી અટકળો ગાંધીનગરમાં તેજ બની રહી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Power Corridor, ગાંધીનગર, ગુજરાત

આગામી સમાચાર