Home /News /gujarat /

Power Corridor: આ ચાલુ સપ્તાહમાં પોલીસ વિભાગમાં થશે ધરખમ ફેરફારો

Power Corridor: આ ચાલુ સપ્તાહમાં પોલીસ વિભાગમાં થશે ધરખમ ફેરફારો

પ્રતીકાત્મક તસવીર

Gandhinagar news: ઓછામાં ઓછા 70 જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ બદલાઇ રહ્યાં છે. જેમાં વિવિધ શહેરોમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિકારીઓ, જિલ્લાના પોલીસ વડા અને રેન્જ આઇજીનો સમાવેશ થાય છે.

ગાંધીનગર: બહું લાંબા સમયના ઇન્તજાર પછી રાજ્યના પોલીસ (Gujarat Police) વિભાગમાં ઉચ્ચ અધિકારીઓની બદલી કરવા માટેનો તખ્તો તૈયાર થયો છે. બે તબક્કાની યાદીમાં એક તબક્કો એવો છે કે, જેમાં એક ડઝન ઉચ્ચ અધિકારીઓ જમીનની લેતી-દેતીમાં સંડોવાયેલા છે.  બીજા તબક્કામાં હાલ સાઇડલાઇન પોસ્ટીંગ પર રહેલા પ્રામાણિક અધિકારીઓને પ્રાઇમ પોસ્ટીંગ કરવાનું થાય છે. ઓછામાં ઓછા 70 જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ બદલાઇ રહ્યાં છે. જેમાં વિવિધ શહેરોમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિકારીઓ, જિલ્લાના પોલીસ વડા અને રેન્જ આઇજીનો સમાવેશ થાય છે.

વિધાનસભાના બજેટ સત્ર દરમ્યાન મુખ્યમંત્રી પોલીસતંત્રમાં મોટાપાયે ફેરબદલ કરવાના મૂડમાં છે. હાલ રાજકોટના પોલીસ કમિશનરની બદલી પછી જગ્યા ખાલી પડી છે. મહત્વની બાબત એવી છે કે, આઇપીએસ ઓફિસરની બદલી કરવાના ઓર્ડર કરવાની જેમની પાસે સત્તા છે. તે અધિકારીને વધુ એક્સટેન્શન મળવાની સંભાવના ઓછી દેખાય છે.

આ બદલીમાં એવા કોઇ ઓફિસર નહીં બદલાય કે, જેમની કામગીરી સુચારુ રીતે ચાલી રહી છે ને હજી એક સ્થળે ત્રણ  વર્ષ થયા નથી અને જેમની સામે ગંભીર પ્રકારની ફરિયાદો થઇ નથી. અગાઉની સરકારમાં પ્રાઇમ પોસ્ટીંગ મેળવીને કેટલાક અધિકારીઓએ ગોટાળા કર્યા છે અથવા તો જમીનના સોદામાં પડ્યાં છે તેમની ફરજીયાત બદલી થશે.

બદનામ થયેલા કૃષિ વિભાગમાં સાફસૂફી થવાના એધાણ

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના 300 કરોડના કૌભાંડ પછી બદનામ થયેલા સમગ્ર કૃષિ વિભાગમાં નાના-મોટા તમામ અધિકારીઓના ટેબલ બદલાય તેવી સંભાવના છે.  એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં કૌભાંડ કરનારા અધિકારીઓ તો સસ્પેન્ડ થયાં છે પરંતુ તેમને સાથ આપનારા બીજા અધિકારીઓ તેમજ કર્મચારીઓ યથાવત છે. હાલ તેમનો રિપોર્ટ મેળવાઇ રહ્યો છે. આ કૌંભાંડમાં સંડોવાયેલા એવા તમામ કર્મચારીઓ પણ બદલાશે, એ સાથે ગાંધીનગર સ્થિત કૃષિ ભવનના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ કે જેઓ વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવે છે તેવા 70થી વધુ અધિકારીઓના ટેબલ બદલવાના આદેશ થયાં છે.

આ પણ વાંચો - ખેડૂતોની પાણીની માંગ: બનાસકાંઠામાં તળાવ ભરાય તે માટે 5 હજારથી વધુ ખેડૂતોએ કર્યું પ્રદર્શન

કૃષિ વિભાગના અગ્રસચિવ તરીકે ફરજ બજાવતા મનીષ ભારદ્વાજને એવું હતું કે, તેમને પ્રમોશન મળ્યા પછી બ્યુરોક્રેસીમાં હવે જ્યારે બદલી થશે ત્યારે તેમને મહત્વનું ખાતું આપવામાં આવશે પરંતુ એવું થયું નથી. તેમને બદલીને નર્મદા અને જળસંપત્તિ વિભાગમાં મૂકી દેવામાં આવ્યા છે.

ગુજરાત એગ્રોના ચેરમેન તરીકે ફરજ બજાવતા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે રાજીનામું આપતાં પહેલાં તેમના જાહેર સાહસનું આ મોટું કૌભાંડ બહાર પાડીને મેનેજર કક્ષાના બે અધિકારીઓ સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી. બીજા તબક્કામાં તેમણે એગ્રોના પૂર્વ એમડી રંધાવા સામે પણ આંગળી ચિંધી તેમને સસ્પેન્ડ કરવાનું કહ્યું હતું અને સરકારને એવું કરવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો - પાવર કોરિડોરના તમામ આર્ટિકલ અહીં ક્લિક કરીને વાંચો

સચિવાલયના વિભાગોની શાખાઓમાં ફાઇલ પડી રહે છે

સચિવાલયમાં એક એવી મેન્ટાલિટી ક્રિયેટ થઇ છે કે, કોઇપણ અરજદાર રૂબરૂ તપાસ કરવા આવે નહીં ત્યાં સુધી ફાઇલ ટેબલ બદલતી નથી. એનો સીધો અર્થ એ થયો કે, વિભાગના કર્મચારીઓને કામના બદલામાં લાલચ જાગે છે. સચિવાલયના 26 વિભાગો પૈકી મહેસૂલ, શહેરી વિકાસ, ઉદ્યોગ, ગૃહ, આરોગ્ય, ઉર્જા, પંચાયત અને હવે નાણા વિભાગની કેટલીક બ્રાન્ચમાં અરજદારોની ફાઇલો મહિનાઓ સુધી પડી રહે છે.

તાજેતરમાં એક અરજદાર તેમના કામ માટે સચિવાલય આવ્યા અને કેબિનેટ મંત્રીને મળ્યા પછી ખબર પડી કે, તેમની ફાઇલ છેલ્લા ત્રણ મહિનાથી એક જ ટેબલ પર પડી રહી છે. બીજા એક અરજદાર તેમની જમીનના ઇસ્યુને લઇને આવ્યા હતા અને તેમની ફાઇલ મહેસૂલની એક બ્રાન્ચમાં બે મહિનાથી પડી રહી હતી. આ બન્ને ફાઇલો માટે મંત્રીએ સીધી સૂચના આપી ત્યારે વિભાગ હરકતમાં આવ્યો હતો અને ફાઇલની મુવમેન્ટ પ્રતિ કલાકે બદલાતી જોવામાં આવી હતી.
સરકારી ફાઇલમાં આખરી નિર્ણય વિભાગના વડા કે કેબિનેટ મંત્રી અથવા મુખ્યમંત્રીને લેવાનો હોય છે પરંતુ નાણાકીય આશાએ વિભાગની શાખાના કેટલાક વડાઓ ફાઇલ મૂકી રાખતા હોય છે. આ વલણની ગંભીર નોંધ મુખ્યમંત્રી કક્ષાએ લેવામાં આવી છે. હવે વિભાગોના વડાને એવી સૂચના છે કે, સાત દિવસની અંદર તમામ પ્રકારની ક્વેરી સોલ્વ કરીને જે તે ફાઇલનો નિકાલ કરવાનો રહેશે.

મારી ચેમ્બરમાં આવવું હોય તો મોબાઇલ અલાઉ નથી

મારી ચેમ્બરમાં આવવું હોય તો અગાઉથી મુલાકાતનો સમય લઇને જ્યારે બોલાવવામાં આવે ત્યારે મોબાઇલ બહાર મૂકીને આવો. આવી સૂચના તમામ અરજદારોને આપી દેવામાં આવી છે. આ કોઇ વિભાગના અધિકારીની સૂચના નથી પરંતુ ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં કામ કરતાં ચીફ નોટીકલ ઓફિસરે આપી છે.

આ પણ વાંચો - ખેડૂતોની પાણીની માંગ: બનાસકાંઠામાં તળાવ ભરાય તે માટે 5 હજારથી વધુ ખેડૂતોએ કર્યું પ્રદર્શન

મુખ્યમંત્રીની ચેમ્બરમાં દાખલ થતાં પહેલાં મોબાઇલ બહાર મૂકવામાં આવે છે તેમ આ ઓફિસરની ચેમ્બરમાં દાખલ થતાં પહેલાં મોબાઇલ બહાર મૂકવો પડે છે. તાજેતરમાં ઉદ્યોગજૂથના એક પ્રતિનિધિને કડવો અનુભવ થયો હતો. તેઓ જ્યારે આ પ્રતિનિધિ ચેમ્બરની બહાર ઉભા હતા ત્યારે પટાવાળાએ કહ્યું કે, તમે મોબાઇલ લઇને અંદર જઇ શકશો નહીં. તમારે મોબાઇલ બહાર મૂકીને અંદર દાખલ થવું પડશે. આવો આદેશ સાંભળીને પ્રતિનિધિએ ધમાચકડી મચાવી દીધી હતી. છેવટે સમજાવટથી મામલો શાંત પડ્યો હતો.

ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં ઘણાં ઉચ્ચ અધિકારીઓ ફરજ બજાવે છે અને ઉદ્યોગ પ્રતિનિધિઓ તેમજ અરજદારોને નિયમિત મળતાં હોય છે. બોર્ડના એમડી અને ચેરમેન પણ અરજદારને મોબાઇલ સાથે અંદર પ્રવેશ કરવા દેતાં હોય છે પરંતુ આ અધિકારીનું આવું ફરમાન જોઇને ઉદ્યોગજૂથોના પ્રતિનિધિઓને નવાઇ લાગી રહી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat police, Power Corridor, ગાંધીનગર, ગુજરાત

આગામી સમાચાર