ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાનો (Gujarat Monsoon 2022) વિધિવત્ પ્રારંભ થઇ ગયો છે. ત્યારે મંગળવારે રાજ્યના 22થી વધુ તાલુકામાં વરસાદની પધરામણી થઇ હતી. ત્યારે હવામાન વિભાગની (weather forecast) આગાહી પ્રમાણે, આવતા સપ્તાહથી ગુજરાતમાં સોળેકળાએ ખીલશે. આગામી ચાર દિવસ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે અનેક વિસ્તારોમાં વીજળીના કડાકાં અને પવન સાથે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં 96થી 104 ટકા વરસાદ પડવાનું અનુમાન પણ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં ગત વર્ષે 32 ઈંચ સાથે મોસમનો સરેરાશ 96.70 ટકા વરસાદ નોંધાયો હતો.
16મીથી વરસાદનું જોર વધશે
રાજ્યમાં શરૂ થયેલો વરસાદી માહોલ મંગળવારે પણ યથાવત રહ્યો હતો. મંગળવારે દ્વારકા, કચ્છ, ખેડા, બનાસકાંઠામાં વરસાદી માહોલ છવાયો હતો. કોઈક જગ્યાએ સવારે તો કેટલાક સ્થળે બપોર બાદ મેઘરાજાએ જમાવટ કરી હતી. ગાજવીજ અને પવન સાથે મેઘરાજાએ પધરામણી કરતા લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઇ હતી. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે રાજ્યમાં બે દિવસ વરસાદનું જોર ઘટશે જે બાદ છૂટો છવાયો વરસાદ રહેશે. 16 જૂનથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયામાં કરંટ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અનુમાન પ્રમાણે આવતા સપ્તાહે રાજ્યભરમાં સારા વરસાદના સંજોગ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે. વલસાડના તિથલમાં બપોર બાદ દરિયો તોફાની બન્યો અને ઉંચા મોજા ઉછળ્યા. જેના કારણે પ્રવાસીઓને દરિયાની નજીક ન જવા સૂચના અપાઈ. આ તરફ દ્વારકાના દરિયામાં પણ ઉંચા મોજાં ઉછળ્યા હતા. ગોમતીઘાટ પર 5થી 6 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે. ત્યારે સહેલાણીઓને પણ સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી.
આજે ક્યાં છે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
समुद्र देव द्वारा द्वारिकाधीश के जलाभिषेक का अलौकिक दृश्य
જો પાણીના પુરવઠા પર નજર કરીએ તો, સિંચાઇ વિભાગના અધિકારીએ માહિતી આપી કે, 'સરદાર સરોવર જળાશયમાં 154915 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહશક્તિના 46.37 ટકા છે. રાજ્યનાં 206 જળાશયોમાં 1,94,954 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 35 ટકા જેટલો છે.'
છેલ્લા પાંચ વર્ષના વરસાદના આંકડા
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષના ચોમાસાના આંકડા પર નજર કરીએ તો, વર્ષ 2017માં સરેરાશ 112 ટકા વરસાદ વરસ્યો હતો. વર્ષ 2018માં 76 ટકા, 2019માં 144 ટકા, 2020માં 137 ટકા અને ગત વર્ષે 2021માં 97 ટકા વરસાદ વરસ્યો હતો. જ્યારે હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આ વખતે મોસમનો 104 ટકા જેટલો વરસાદ વરસી શકે છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર