રાજસ્થાનના જાલોર જિલ્લાની સરવણા પોલીસે નકલી લગ્ન અને રૂ.5 લાખ સહિતના દાગીના પડાવી લેવાના મામલે એક મહિલાની ધરપકડ કરી છે. પકડાયેલી નકલી દુલ્હન ગુજરાતની રહેવાસી છે. લગ્ન બાદ વરરાજાના પરિવારની મહિલાઓ સાથે દુલ્હનના ફોટો સેશનમાં આ મામલો સામે આવ્યો હતો. ત્યાં દુલ્હનનો ચહેરો જોઈને પરિવારની મહિલાઓએ કહ્યું કે, આ તે દુલ્હન નથી જેનો ફોટો બતાવવામાં આવ્યો હતો. જે બાદ પીડિતે પોલીસનો સંપર્ક કર્યો અને પોતાની આપવીતી જણાવી હતી. રિપોર્ટ નોંધાયા બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરી નકલી દુલ્હનની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી હતી. ત્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવી હતી.
ફોટો બતાવીને લગાવ્યો ચૂનો
પોલીસના જણાવ્યા મુજબ, 27 મેના રોજ દાંતિયાના રહેવાસી સોહન સિંહ ભોમિયાએ સરવણા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ રજૂ કર્યો અને જણાવ્યું કે, તેની સાથે લગ્ન કરવાના નામે છેતરપિંડી થઈ છે. તેણે કહ્યું કે, મુરાદ ખાન અને ગણપત સિંહે પૈસા અને ઘરેણાં લઈને બીજી છોકરી સાથે તેના લગ્ન કરાવી દીધા. જ્યારે તેને લગ્ન માટે અન્ય યુવતીનો ફોટો બતાવવામાં આવ્યો હતો. કેસ નોંધતી વખતે, સરવણા પોલીસે નકલી કન્યા હિના (31) પત્ની રફીક શેખની ધરપકડ કરી હતી, જે ગુજરાતના હિંમતનગરમાં રહે છે.
દાંતિયાના રહેવાસી મુરાદ ખાને સોહન સિંહને ગુજરાતના ડીસાના રહેવાસી ગણપતસિંહ ચૌહાણના સાળાની દીકરી સાથે લગ્ન કરવાનું કહ્યું હતું. તેના બદલામાં તેણે સોહન સિંહ પાસેથી 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. સોહન સિંહ તેની મુંઝવણમાં આવ્યો અને મોટા ભાઈ તેજ સિંહ, ભંવર સિંહ અને ગેન સિંહ સાથે મુરાદ ખાન સાથે ડીસામાં ગણપત સિંહના ઘરે પહોંચ્યો. ત્યાં ગણપત સિંહે તેને 20 વર્ષની છોકરીનો ફોટો બતાવ્યો અને કહ્યું કે, તે તેના સાળા કીર્તિ સિંહની દીકરી છે.
યુવતીનો ફોટો બતાવીને લગ્નની પુષ્ટિ કર્યા દરમિયાન પૈસા માંગવા પર સોહન સિંહના મોટા ભાઈ તેજ સિંહે 2 લાખ રૂપિયા આપ્યા અને એક મહિના પછી લગ્નની ખાતરી આપી. 26 મેના રોજ મુરાદ ખાને સોહન સિંહના પરિવારના સભ્યોને કહ્યું કે, ગણપત સિંહના પરિવારનું મૃત્યુ થઈ ગયું છે. તેથી ચાર-પાંચ જણે તેની સાથે જઈને સોહન સિંહ સાથે લગ્ન કરીને કન્યાને ઘરે લઈ આવે. આના પર સોહન સિંહ ફરીથી તે જ દિવસે ભાઈ તેજ સિંહ સાથે જેઠ સિંહ, ભંવર સિંહ, હદમત સિંહ, જાલમ સિંહ અને મુરાદ ખાન સાથે ડીસા જવા રવાના થયા.
રાતોરાત લગ્ન કરી લીધા
તેઓ રાત્રે 10 વાગ્યે ડીસા પહોંચ્યા હતા અને ત્યાં એક હોટલમાં રોકાયા હતા અને ભોજન લીધું હતું. રાત્રે લગભગ 12 વાગ્યાના અરસામાં બધા ગણપતસિંહના ઘરે પહોંચ્યા અને તેમને દોઢ લાખ રૂપિયાની સાથે કાનની બુટ્ટી, સોનાની વીંટી, ચાંદીના કંદોરા અને પાયલ આપી. ત્યારપછી ગણપત સિંહે સોહન સિંહના લગ્ન એક છોકરી સાથે કરાવ્યા અને તેને ત્યાંથી મોકલી દીધો.
આ દરમિયાન યુવતી બુરખામાં રહી હતી. 27 મેના રોજ સવારે 5 વાગ્યે બધા ઘરે પહોંચ્યા અને સૂઈ ગયા. તે દરમિયાન આ કન્યા નકલી હોવાનું બહાર આવ્યું હતું.
બપોરે જ્યારે ઘરની મહિલાઓએ દુલ્હન સાથે ફોટો પડાવવા માટે દુલ્હનને જોઇ તો ખબર પડી કે, એ દુલ્હન એ નથી જે છોકરી ફોટામા હતી. યુવતીની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ અને સરનામું હિંમતનગરની રહેવાસી હિના હોવાનું જણાવ્યું હતું. આ સાથે તેણે જણાવ્યું કે ગણપત સિંહે 30 હજાર રૂપિયા આપીને તેના લગ્ન કરાવ્યા છે. રિપોર્ટ નોંધ્યા બાદ પોલીસે બીજા દિવસે જ નકલી કન્યા હિનાની ધરપકડ કરી હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર