Home /News /gujarat /

Power Corridor: ગુજરાતના વન વિભાગને નવા વડા મળશે

Power Corridor: ગુજરાતના વન વિભાગને નવા વડા મળશે

આ કમિટિમાં વન વિભાગના નવા વડાના નામ પર મહોર મારવામાં આવશે.

Gujarat Gandhinagar news: વન વિભાગના સૂત્રો કહે છે કે, નવા ફોરેસ્ટ વડા ચાર પૈકી કોઇ એક અધિકારી બનશે તે નક્કી છે.

ગાંધીનગર:  ગુજરાતના વન વિભાગમાં પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અને ફોરેસ્ટ વિભાગના વડા ડીકે શર્મા આ મહિનાના અંતમાં વયનિવૃત્ત થવાના છે. તેઓ આઇએફએસ કેડરના અધિકારી છે.  તેમની નિવૃત્તિ પહેલાં રાજ્ય સરકારે ફોરેસ્ટના નવા વડાને શોધવા માટેની કવાયત શરૂ કરી છે. આ માટે ટૂંક સમયમાં ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટિ (ડીપીસી) બોલાવવામાં આવે તેવી સંભાવના છે.

આ કમિટિમાં વન વિભાગના નવા વડાના નામ પર મહોર મારવામાં આવશે. ડીપીસી બોલાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેના વડા ચીફ સેક્રેટરી પંકજકુમાર છે. જોકે, સામાન્ય વહીવટ વિભાગે આ પોસ્ટ માટે હજી સુધી કોઇ નામ આપ્યું નથી.

પરંતુ આ પોસ્ટ માટે 1985 બેચના આઇએફએસ ઓફિસર એમએમ શર્મા અને એસકે ચતુર્વેદી તેમજ 1986ની બેચના આશુતોષ જહા અને શ્યામલ ટિકેદારના નામો વહેતાં થયાં છે. વન વિભાગના સૂત્રો કહે છે કે, નવા ફોરેસ્ટ વડા આ ચાર પૈકી કોઇ એક અધિકારી બનશે તે નક્કી છે.

નાયબ એસઓની 605 જગ્યાઓ ખાલી પડી છે

સચિવાલયમાં નાયબ સેક્શન ઓફિસરોની 605 જેટલી જગ્યાઓ ખાલી પડી છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, મહત્વની જગ્યા ખાલી હોવાથી તેની સીધી અસર વહીવટી તંત્રમાં પર પડે છે. સરકાર આ કડવી વાસ્તવિકતાનો સ્વિકાર કરે છે, પરંતુ ખાલી જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયામાં વિલંબ કરી રહી છે. હાલની સ્થિતિએ જે જગ્યાઓ ખાલી છે તે મહત્વના વિભાગોની છે.

આશ્ચર્ય એ બાબતનું છે કે, ખાલી પડેલી 230 જેટલી જગ્યાઓ તો છેલ્લા બે વર્ષથી ખાલી પડી છે છતાં ભરતી કરવામાં આવી નથી. નાયબ સેક્શન ઓફિસર એટલે ક્લાસ-2 ગણાય છે. ખાલી પડેલી કુલ જગ્યા પૈકી 282 એવી જગ્યાઓ છે કે, જેને સીધી ભરતીથી ભરી શકાય તેમ છે. આ જગ્યાઓ પૈકી 257 ઉમેદવારોની ભલામણ યાદી ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી સરકારને આપવામાં આવી છે. એ ઉપરાંત બઢતીથી પણ કેટલીક જગ્યાઓ ભરી શકાય છે પરંતુ સરકારમાં વહીવટી અનુકૂળતા ઉપલબ્ધ થઇ શકતી નથી.

ચૂંટણી આવી ત્યારે રાહતદરના પ્લોટ યાદ આવ્યા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી છે ત્યારે સરકારના કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે. વર્ષોથી અટકેલા રાહતદરના પ્લોટ આપવાની ફાઇલ ફરી શરૂ કરવા વિવિધ કર્મચારી મંડળોએ દબાણ શરૂ કર્યા છે.
એક તરફ ગાંધીનગરમાં પ્લોટ માટે જમીન નથી ત્યારે કર્મચારી યુનિયનોએ છેલ્લા 18 વર્ષથી રાહત દરના પ્લોટ આપવાની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે તેને ચાલુ કરવા રજૂઆતો શરૂ કરી છે. યુનિયનોનું કહેવું છે કે, સરકાર પાસે ઉદ્યોગોને આપવાની જમીન છે પરંતુ કર્મચારીઓને રાહત દરના પ્લોટ માટે જમીન નથી. રાહત દરના પ્લોટ લઇને ખુલ્લા બજારમાં ઉંચી કિમતે વેચી દેવાની ઘટનાઓ સામે ગુજરાત હાઇકોર્ટ પણ ખફા છે. ત્યારે સરકાર નિર્ણય લઇ શકતી નથી.

બીજી તરફ ગાંધીનગર શહેરમાં રાહત દરના પ્લોટ માટે જમીન બચી નથી. ગાંધીનગર બહાર ગુડા વિસ્તારમાં પ્લોટ આપી શકાય તેમ છે તેવી રજૂઆત છતાં સરકાર અદાલતના આદેશને આગળ કરીને કોઇ નિર્ણય લઇ શકતી નથી. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં ગાંધીનગરમાં ધારાસભ્યો, સંસદસભ્યો, આઇએએસ, આઇપીએસ, આઇએફએસ ઉપરાંત ગુજરાતના વર્ગ-1થી વર્ગ-4 સુધીના તમામ અધિકારી અને કર્મચારીઓને રાહતદરના પ્લોટ આપવામાં આવ્યા છે. આ પ્લોટની સંખ્યા 17000 જેટલી થવા જાય છે જે પૈકી 40 ટકા પ્લોટ ધારકોએ તેને ઉંચા ભાવે અન્ય લોકોને વેચી દીધા છે.

આ પણ વાંચો - પાવર કોરિડોરના તમામ આર્ટિક અહીં વાંચો.

કર્મચારીઓ હવે જૂની પેન્શન યોજના માગે છે

જૂની પેન્શન યોજનાનો ફરીથી અમલ થાય તેવી કર્મચારીઓની માગણી છે. આ માગણી આગળ કરીને કર્મચારી યુનિયનોએ સરકાર સામે મોરચો ખોલવાનું નક્કી કર્યું છે.  અગાઉ વિશ્વ મહિલા દિન નિમિત્તે જૂની પેન્શન યોજના શરૂ કરવા આવેદનપત્ર આપ્યાં હતા. હવે એપ્રિલ મહિનાના આંદોલનના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે. 1લી એપ્રિલ 2005થી ગુજરાતમાં નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી હોવાથી 1લી એપ્રિલ 2022ના રોજ તમામ કર્મચારીઓ કાળી પટ્ટી પહેરીને ડ્યુટી બજાવશે. આ કાળી પટ્ટી એપ્રિલ અને મે મહિના દરમ્યાન રાખવામાં આવશે. આ સમયગાળામાં પ્રતિક ઉપવાસ, ધરણાં, રેલી અને અન્ય પ્રતિકારાત્મક કાર્યક્રમો અપાશે. કેટલાક કર્મચારી મંડળોએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાની રજૂઆત કરી છે.

નાણા વિભાગના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકાર પર પેન્શનનું ભારણ વધારે આવતું હોવાથી નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે. આવી યોજના શરૂ કરનાર ગુજરાત એકલું નથી. દેશના બીજા કેટલાક રાજ્યોમાં પણ પેન્શનની જૂની સ્કીમ બંધ કરી દેવામાં આવી છે.

કોરોના સંક્રમણમાં અધિકારીઓને કેવી રાહત મળી?

ગુજરાત માહિતી અધિકાર કાયદા હેઠળ એક વર્ષમાં 94,997 જેટલી અરજીઓ આવી છે. જે પૈકી સૌથી વધુ અરજીઓ બોર્ડ-નિગમ અને જાહેર સત્તામંડળમાં જોવા મળી છે. સરકારી વિભાગોમાં આરટીઆઇ કરવાના પ્રમાણમાં ઘટાડો થયો હોવાનું જણાયું છે. કોરોના સંક્રમણના કારણે સરકારમાં આરટીઆઇ હેઠળ અરજી કરવાની સંખ્યામાં ઘટાડો થયો છે. સરકારના 29 જેટલા વિભાગોમાં અરજી કરવાનું પ્રમાણ ઘટ્યું છે પરંતુ જિલ્લા અને તાલુકા કક્ષાએ આવેલી પંચાયતી રાજની સંસ્થાઓ અને અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અરજી કરવાનું પ્રમાણ વધ્યું છે.

આ પણ વાંચો - હરિચરણદાસજી મહારાજે બનાવડાવી હતી ગોંડલમાં હોસ્પિટલ, નરેન્દ્ર મોદી લોકાર્પણમાં રહ્યા હતા હાજર

બીજી તરફ આરટીઆઇમાં અપેક્ષા પ્રમાણેનો જવાબ નહીં મળતાં એક વર્ષમાં અપીલની સંખ્યા 6123 અને ફરિયાદની સંખ્યા 707 થઇ છે. વિભાગોમાં મુખ્યત્વે આવી ફરિયાદો પંચાયત, મહેસૂલ, શહેરી વિકાસ, શિક્ષણ અને ગૃહ વિભાગની જોવા મળી છે. માહિતી આયોગ હેઠળ 2020-21માં કુલ 8562 અપીલનો નિકાલ કરવામાં આવ્યો છે. અપીલ અને ફરિયાદની સુનાવણી દરમ્યાન આયોગે 76 કેસોમાં જાહેર માહિતી અધિકારીઓને માહિતી અધિકાર હેઠળ જોગવાઇના ભંગ બદલ દંડ કર્યો છે. જે કેસોમાં દંડના આદેશ થયાં છે તે પૈકી અપીલના 65 અને ફરિયાદના 11 હતા જેમાં દંડની કુલ રકમ 5,89,500 રૂપિયા થઇ છે.

માહિતી આયોગમાં નોંધવામાં આવ્યું છે કે, આરટીઆઇ કાયદાનો અસરકારક અમલ થાય અને ચુકાદાની તારીખથી ત્રણ મહિનામાં સબંધિત અધિકારી પાસેથી દંડની વસૂલાત થાય તે જરૂરી છે. આયોગ દ્વારા કરવામાં આવેલા દંડની રકમ સમયસર ભરપાઇ થાય તે માટેની સૂચના પણ આપવામાં આવી છે.
આયોગને વર્ષ દરમ્યાન મળેલી મોટાભાગની અરજીઓમાં ગ્રામ-તાલુકા-જિલ્લા પંચાયતો, પાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા કલેક્ટર, પોલીસ સ્ટેશન, વીજસ્ટેશન, યુનિવર્સિટી તેમજ જિલ્લા શિક્ષણાધિકારી સહિત ગ્રાન્ટેડ સંસ્થાઓનો સમાવેશ થાય છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Power Corridor, ગાંધીનગર, ગુજરાત

આગામી સમાચાર