Home /News /gujarat /

ગુજરાતભરના પ્રાથમિક શિક્ષકોને મોટી ભેટ, બદલી સહિતના નિયમો તૈયાર

ગુજરાતભરના પ્રાથમિક શિક્ષકોને મોટી ભેટ, બદલી સહિતના નિયમો તૈયાર

જીતુ વાઘાણીની ફાઇલ તસવીર

રાજ્યના યુવાનોને વિશ્વકક્ષાનું ગુણવત્તાયુકત શિક્ષણ સરકારી યુનિવર્સિટીઓની સાથે વધુ ૧૧ ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ઘર આંગણે મળતું થશે : શિક્ષણ મંત્રી  જીતુ વાઘાણી

ગાંધીનગર :  ગુજરાતના બે લાખ પ્રાથમિક શિક્ષકોના હિતમાં શિક્ષણ વિભાગ દ્વારા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. આગામી ટૂંક સમયમાં આ નિયમોનો પરિપત્ર જાહેર કરવામાં આવશે તેમ વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી  જીતુ વાઘાણી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ મંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે, રાજ્યભરમાં વિવિધ સ્થળોએ ધણા લાબા સમયથી ફરજ બજાવતા શિક્ષકો માટેના બદલી સહિતના નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. અરસ પરસ બદલીમાં વતન શબ્દ દૂર કરવામાં આવ્યો છે. વધુમાં  રાજ્યના બોન્ડેડ શિક્ષકોના કિસ્સામાં 5 વર્ષ પછી અરસ પરસ બદલીની છૂટ આપી  બદલીની જોગવાઈ કરવાથી તેમના પરિવાર સાથે જોડાયેલા લોકોને આ નવા નિયમોથી ફાયદો-લાભ મળશે તેમ પણ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.

શિક્ષણ મંત્રી  જીતુ વાઘાણીએ ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ૨૦૨૨ પરની ચર્ચામાં સહભાગી થતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતના વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિ અનુરૂપ વિશ્વકક્ષાનું ગુણવત્તાયુકત અને સમયની માંગ આધારિત ઉચ્ચ શિક્ષણ પુરૂં પાડવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આ રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યમાં સરકાર સંચાલિત યુનિવર્સિટીઓને પૂરક બનીને ખાનગી યુનિવર્સિટીઓ પણ ક્વોલિટી એજ્યુકેશન આપવામાં કસોટીની એરણે ખરી ઉતરી છે. એટલું જ નહિ, રાજ્યના યુવાનોને ગુજરાત બહાર કયાંય ઉચ્ચ શિક્ષણ મેળવવા મોંઘીદાટ ફી ભરીને જવું ન પડે અને ઘરઆંગણે જ વર્લ્ડ કલાસ એજ્યુકેશન આપીને ગુજરાતને એજ્યુકેશનલ હબ બનાવવાના નિર્ધારમાં પણ આવી યુનિવર્સિટીઓ સ્પર્ધાત્મક શિક્ષણ પુરૂં પાડી રહી છે.

શિક્ષણ મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ દેશની એજ્યુકેશન સિસ્ટમમાં સમયાનુકૂલ બદલાવ લાવવા ગહન વિચાર મંથન બાદ નવી શિક્ષણ નીતિ જાહેર કરીને તેનો અમલ શરૂ કરાવ્યો છે. આ નીતિના આયોજનમાં વર્ષ ૨૦૩૦ સુધીમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ૫૦ ટકા સુધી લઇ જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલ ધોરણ-૧૨ પછી કોલેજમાં પ્રવેશની જે ટકાવારી છે તેને નવી શિક્ષણ નીતિ મુજબ ૫૦ ટકાએ પહોચાડવા શિક્ષણનો વ્યાપ વિસ્તારવો આવશ્યક છે. આ હેતુસર જ્ઞાન-વિજ્ઞાનની આ ૨૧મી સદીમાં ગુજરાતને અદ્યતન અને સમયાનુકૂલ શિક્ષણમાં દેશમાં અગ્રેસર રાખવા રાજ્ય સરકારની યુનિવર્સિટીઓ ઉપરાંત ખાનગી યુનિવર્સિટીઓનું પ્રદાન પણ એટલું જ આવકાર્ય છે.

જીતુ વાઘાણીએ કહ્યુ કે, આપણી સરકારી, ગ્રાંટ-ઇન-એઇડ કોલેજોમાં ગત વર્ષે વર્ગદીઠ મહત્તમ સંખ્યા ૧૭૦ થી ૧૮૦ આપવી પડી હતી. જે સારા શિક્ષણ માટે ઉચિત ન હતી. આ ભારણ ઘટાડવા માટે પણ ખાનગી યુનિવર્સિટીઓની આવશ્યકતા છે. શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ કે, વિકાસના રોલ મોડેલ બની ગયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ સમયથી બે કદમ આગળ ચાલી વિશ્વની સ્પર્ધામાં ઊભા રહી શકે તેવી નેમ સાથે આ સુધારા વિધેયક દ્વારા વધુ ૧૧ ખાનગી યુનિવર્સિટીઓ રાજ્યમાં કાર્યરત કરવાની સુગમતા થઇ છે. વિધાનસભા ગૃહમાં આજે પસાર થયેલા ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ર૦રરને પરિણામે હવે રાજ્યમાં નવી ૧૧ ખાનગી યુનિવર્સિટીઓ ઉમેરાશે.

મંત્રીએ વધુમાં કહ્યુ કે, ખાનગી યુનિવર્સિટીઓ ઊંચી ફી વસૂલ કરે છે. ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય પરંતુ ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી અથવા તે એવી સંસ્થા છે જે વિદ્યાર્થીઓના વિકાસ અને વિકાસને બદલે નફા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પ્રકારના ખ્યાલ બદલવાની જરૂર છે. ખાનગી યુનિવર્સીટીમાં ફીનાં ધારાધોરણો માટે સુપ્રિમ કોર્ટના ચુકાદા અન્વયે FRC - Fees Regulations Committee કાર્યરત છે. જે પ્રોફેશનલ કોર્સની ફી નું નિયમન કરે છે. નોન પ્રોફેશનલ કોર્સની ફી માટે સરકાર અવારનવાર ખાનગી યુનિવર્સીટી પાસેથી જાણકારી મંગાવાની સત્તા ધરાવે છે આવા કોર્ષમાં વિવિધ યુનિર્સિટીઓ વચ્ચે હરીફાઇનાં કારણે માંગ પુરવઠાને આધારે મોટાભાગની યુનિવર્સિટીઓમાં ફીનાં ધોરણો દેશની કે પરદેશની યુનિવર્સિટીઓ સાથે સરખાવતા ઓછા છે.

આ પણ વાંચો - રાજકોટ : પરિવારજનોની છીનવાઇ 'ખુશી', બોર્ડની પરીક્ષા આપી રહેલી દીકરીએ પેટ્રોલ છાંટી કર્યું અગ્નિસ્નાન

શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં વર્ષ ૨૦૦૨માં ૧૧ યુનિવર્સિટીઝ હતી જે વધીને બાવન(૫૨) ખાનગી યુનિવર્સિટીઓ સાથે અત્યારે ૯૧ યુનિવર્સિટીઓ થઇ ગઇ છે. જેમા હજુ પણ ૧૧ નવી યુનિવર્સિટીનો વધારો થશે.
આ યુનિવર્સિટીઓમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીથી માંડીને રક્ષાશક્તિ, ફોરેન્સીક સાયન્સ અને મરિન યુનિવર્સિટી જેવી સેકટર સ્પેસીફિક યુનિવર્સિટીઓ વિશ્વકક્ષાનું જ્ઞાન ગુજરાતમાં ઘર આંગણે પુરૂં પાડે છે.

ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ૨૦૨૨ના પરિણામે હવે, ગાંધીનગર યુનિવર્સિટી-ગાંધીનગર ઉપરાંત ડKIPS યુનિવર્સિટી-ગાંધીનગર, સ્વામીનારાયણ યુનિવર્સિટી-ગાંધીનગર, ડૉ. સુભાષ યુનિવર્સિટી-જુનાગઢ, નોબલ યુનિવર્સિટી-જુનાગઢ, ટ્રાન્સસ્ટેડીયા યુનિવર્સિટી-અમદાવાદ, અદાણી યુનિવર્સિટી-અમદાવાદ, એમ. કે. યુનિવર્સિટી-પાટણ, વિદ્યાદીપ યુનિવર્સિટી-સુરત, મગનભાઇ અદેનવાલા મહાગુજરાત યુનિવર્સિટી-ખેડા અને લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન-ભાવનગર એમ વધુ ૧૧ નવી ખાનગી યુનિવર્સિટીઓ રાજ્યમાં શરૂ થશે.

આ પણા વાંચો - Gujarat Corona Update: ગુજરાતમાં કોરોનાના સૂંપડા સાફ, અમદાવાદ કોરોના ફ્રી નજીક

મંત્રીએ જણાવ્યુ કે, રાજ્યની ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સીટી રેન્કિંગ અને રેટિંગમાં અગ્ર સ્થાન ધરાવે છે. ગુજરાત સ્ટેટ ઇન્સ્ટીટયુશનલ રેટિંગ ફ્રેમવર્ક વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન આર્કીટેક્ચર કેટેગરીમાં સેપ્ટ યુનિવર્સીટી અને ફાર્મસી કેટેગરીમાં ઇન્સ્ટીટયુટ ઓફ ફાર્મસી, નિરમા યુનિવર્સીટીએ ૦૫ સ્ટારમાંથી ૦૫ સ્ટાર મેળવેલ છે. વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન GSIRFમાં યુનિવર્સિટી કેટેગરીમાં પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સીટીએ 73મો ક્રમાંક મેળવ્યો છે. NIRFમાં આર્કિટેક્ચર કેટેગરીમાં સેપ્ટ યુનિવર્સીટીએ ૦૫મો રેન્ક મેળવ્યો છે. એન્જીનીયરીંગ કેટેગરીમાં PDEU એ ૬૮મો, DAIICT એ ૧૦૭મો તથા નીરમા યુનિવર્સીટીએ ૧૫૩મો રેન્ક મેળવ્યો છે. NAAC એક્રેડિટેશનમાં DAIICT 'A' ગ્રેડ ધરાવે છે. જે ખાનગી યુનિવર્સિટીએ મેળવેલ સફળતા અને ગુણવત્તાયુક્ત શિક્ષણની નિશાનીઓ છે.

શિક્ષણ મંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓના રાજ્યમાં વધી રહેલા આ વ્યાપને પરિણામે ગુજરાતના યુવાઓને ઘર આંગણે અદ્યતન ઉચ્ચ શિક્ષણ મળતું થશે. જેના પરિણામે ભારતને વિશ્વગુરૂ અને જ્ઞાન યુગની અધિષ્ઠાતા બનાવવાના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પમાં ગુજરાત ગ્લોબલ એજ્યુકેશન હબ તરીકે કદમ થી કદમ મિલાવવા પણ સજ્જ બનશે.
ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ૨૦૨૨ વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર થયું હતું.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Education, ગાંધીનગર, ગુજરાત

આગામી સમાચાર