ગુજરાત કોંગ્રેસનું મિશન 2019, અંબાજીથી શરૂ કરી સંવાદ યાત્રા

ગુજરાત કોંગ્રેસનું મિશન 2019, અંબાજીથી શરૂ કરી સંવાદ યાત્રા
અંબાજી મંદિરે દર્શને પહોંચેલા કોંગ્રેસના નેતા અમિત ચાવડા

 • Share this:
  વડાપ્રધાન મોદી સહિત દેશભરના ભાજપના નેતાઓ આજે કોંગ્રેસના વલણ વિરુદ્ધ એક દિવસના પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસ આગામી 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજથી પવિત્ર યાત્રાધામ અંબાજીથી સંવાદ યાત્રાની શરૂઆત કરી છે.

  કોંગ્રેસની આ સંવાદ યાત્રામાં નવા નિમાયેલા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, વિઘાનસભામાં વિપક્ષના નતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના નેતાઓ જોડાયા છે. 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ આ સંવાદ યાત્રાનો પ્રારંભ કરી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સારા પ્રદર્શન બાદ કોંગ્રેસ એક્શનમાં આવી છે.  કોંગ્રેસી નેતાઓએ કર્યા મા અંબાના દર્શન

  પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમજ વિપક્ષ નેતા પરેશ ધાનાણી આજે સંવાદ યાત્રાને લઈને અંબાજી પહોંચ્યા હતા. અહીં મંદિરના ટ્રસ્ટ દ્વારા બંને નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને નેતાઓએ મા અંબાની પૂજા અર્ચના કરી હતી તેમજ ગુજરાતની જનતાની સુખાકારી માટે આશીર્વાદ માંગ્યા હતા.

  શું છે કોંગ્રેસની સંવાદ યાત્રા?

  2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે લોકો સાથે સીધો સંવાદ કરવા માટે સંવાદ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રા રાજ્યના તમામ જિલ્લામાં જઈને પક્ષના કાર્યકરો તેમજ બૂથના કાર્યકરો સાથે મુલાકાત કરશે. એક દિવસમાં બે જિલ્લાના કાર્યકરોનો સંપર્ક કરવાનો કોંગ્રેસ દ્વારા ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. પ્રથમ દિવસે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કાર્યકરોની મુલાકાત કરવામાં આવશે.
  Published by:Vinod Zankhaliya
  First published:April 12, 2018, 10:19 am