ગાંધીનગર: હાલ રાજ્ય (Gujarat Petrol diesel price) સહિત આખા દેશમાં પેટ્રોલનાં ભાવે લોકોના બજેટમાં પંચર પાડી દીધું છે. હાલ પેટ્રોલનાં ભાવ 100 રૂપિયાની આસપાસ લિટર મળી રહ્યું છે. ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) વધતા પેટ્રોલનાં ભાવ અંગે નિવેદન કરતા જણાવ્યું છે કે, થોડા દિવસોમાં બધું સારું થઇ જશે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રોજગાર મેળાનાં કાર્યક્રમ બાદ પત્રકારો સાથે કરેલી વાતચીત દરમિયાન આ અંગે જણાવ્યું હતુ કે, પેટ્રોલ-ડીઝલના ભાવો વધ્યા છે. તે ક્રૂડના ભાવોમાં થયેલા વધારાને આધારિત છે. રાજ્યમાં અન્ય ચીજોના ભાવોમાં સ્થિરતા છે. કોંગ્રેસના સમયમાં ન તો રોટી મળતી હતી કે ન તો દાળ, આ સાથે સ્ટિલ અને સિમેન્ટ પણ ગાયબ હતા. આજે ગુજરાતમાં આવી પરિસ્થિતિ નથી. પેટ્રોલ અને ડીઝલનો ભાવ હાલ આંતરરાષ્ટ્રીય સમસ્યા છે. થોડા દિવસોમાં બધું સારું થઇ જશે.
નોંધનીય છે કે, આજે અમદાવાદમાં પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર છે. સુરતમાં પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર છે. વડોદરામાં પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે રાજકોટમાં પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટર ભાવ છે.
દેશમાં ઓછામાં ઓછા 19 રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગઈ છે. જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, લદાખ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ અને નાગાલેન્ડ સામેલ છે.