Gujarat: હિન્દુત્વ પર સવાલ ઉઠાવવા મુદ્દે BJPની બેઠકમાં કોંગ્રેસ અને ખુર્શીદની નિંદા

BJPની બેઠકમાં હિન્દુત્વને લઈને કોંગ્રેસ અને ખુર્શીદની નિંદા કરવામાં આવી. (File pic)

સંગઠનાત્મક બાબતો અને આગામી વર્ષની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરવા માટે ગાંધીનગરના ગુજરાત બીજેપી મુખ્યાલયમાં પ્રદેશ કારોબારીની એક દિવસીય બેઠક બોલાવવામાં આવી હતી.

  • Share this:
    અમદાવાદ. બીજેપી (BJP)ના ગુજરાત એકમે (Gujarat) બુધવારે રાજ્ય કારોબારીની બેઠકમાં પસાર કરવામાં આવેલા એક રાજકીય ઠરાવમાં હિન્દુત્વ પર નિશાનો સાધવા માટે કોંગ્રેસ (Congress)ની નિંદા કરી. આ ઉપરાંત આઈએસઆઈએસ તથા બોકો હરામ જેવા કટ્ટરપંથી જિહાદી ગ્રુપ સાથે વૈચારિક સિદ્ધાંતની સરખામણી કરવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદ (Salman Khurshid)ની આકરી ટીકા કરી.

    સંગઠનાત્મક બાબતો અને આગામી વર્ષની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરવા માટે ગાંધીનગરના ગુજરાત બીજેપી મુખ્યાલયમાં પ્રદેશ કારોબારીની એક દિવસીય બેઠક બોલાવવામાં આવી હતી. સપ્ટેમ્બરમાં બીજેપી દ્વારા પોતાના મુખ્યમંત્રી અને અન્ય તમામ મંત્રીઓના બદલ્યા બાદ રાજ્ય કારોબારીની આ પહેલી બેઠક હતી.

    બેઠકમાં પસાર કરવામાં આવેલા રાજકીય પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે, ‘દેશના વિવિધ રાજ્યોમાં ચૂંટણી પહેલાં પોતાની તુષ્ટિકરણની રાજનીતિના ભાગરૂપે કોંગ્રેસ પાર્ટી હિન્દુત્વને નિશાનો બનાવી રહી છે. તેના એક નેતા સલમાન ખુર્શીદે હિંદુ ધર્મની સરખામણી ISIS અને બોકો હરામ સાથે કરીને સમગ્ર હિંદુ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડી છે. પ્રદેશ ભાજપ, કોંગ્રેસ પક્ષની આ હિંદુ વિરોધી માનસિકતાની સખત નિંદા કરે છે.’

    પ્રસ્તાવ પાર્ટી નેતા ભરત બોઘરાએ રજૂ કર્યો હતો. ખુર્શીદે પોતાના પુસ્તક ‘સનરાઇઝ ઓવર અયોધ્યા: નેશનહુડ ઇન અવર ટાઈમ્સ’ (Sunrise Over Ayodhya: Nationhood in Our Times)માં હિન્દુત્વની તુલના આઈએસઆઈએસ અને બોકો હરામ જેવા કટ્ટરપંથી ઇસ્લામી સમૂહો સાથે કરી. તો બીજી તરફ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હિન્દુત્વ અને હિન્દુ ધર્મને અલગ-અલગ કોન્સેપ્ટ ગણાવ્યા છે.

    આ પણ વાંચો: તેલંગાણાના CMને પગે લાગીને ચર્ચામાં આવેલા IASએ રાજીનામું આપ્યું, TRSમાં સામેલ થઈ શકે છે

    ખુર્શીદના નૈનિતાલ સ્થિત ઘર પર પથ્થરમારો અને આગજની થઈ હતી

    હિન્દુત્વ પર વિવાદાસ્પદ નિવેદન આપતાં વિરોધીઓએ નૈનિતાલમાં સલમાન ખુર્શીદના ઘર પર પથ્થરમારો કરીને આગ લગાડી હતી. સલમાન ખુર્શીદે ફોટો શેર કરીને આ અંગે પ્રતિક્રિયા આપી હતી કે, ‘શું હું હજુ પણ ખોટો છું? શું આ હિન્દુત્વ હોઈ શકે?’ કોંગ્રેસ નેતાએ કહ્યું કે, 'જે પણ ધર્મનો દુરુપયોગ કરે છે તે ખરાબ છે અને તેના માટે આપણા બંધારણમાં કોઈ સ્થાન નથી.' તો હુમલા અંગે ખુર્શીદે કહ્યું હતું કે પોલીસનું કામ શોધવાનું છે અને તેમના તરફથી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી.

    અન્ય એક વિરોધ પ્રદર્શનમાં VHPએ સલમાન ખુર્શીદનું પૂતળું બાળ્યું હતું, એટલું જ નહીં, વીએચપીએ ખુર્શીદની જીભ કાપી નાખવાની ધમકી પણ આપી હતી.
    Published by:Nirali Dave
    First published: