આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં લોકશાહીને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. પ્રમુખ કિરણબેન સોનીના પતિ સંજયભાઈ સોનીએ ભાજપના સદસ્ય અલકેશભાઈ રાણાના પિતાને 5 લાખણી ઓફર આપી હોવાની કલીપ હાલ ઘણી જ વાયરલ થઇ રહી છે. પાલિકાના એક સદસ્યને પોતાની તરફેણમાં મતદાન કરવા માટે પાંચ લાખ રૂપિયાની ઓફર કરવામાં આવતી હોવાની બે ઓડિયો ક્લિપ વાયરલ થતાં બનાસકાંઠા જીલ્લામાં રાજકીય હડકંપ મચી ગયો છે. પાલિકાના સદસ્યે આ ઓફરને ઠુકરાવી દીધી છે અને આ અંગે તપાસની માંગ થઇ રહી છે.
બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકાના પ્રમુખનું નિધન થતાં ગત 18 જૂનના રોજ ધાનેરા નગરપાલિકાની ચૂંટણી યોજાઇ હતી. પરંતુ ચૂંટણી યોજાયે તે પહેલા ધાનેરા નગરપાલિકાના 15 સદસ્યોને હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા આ ચૂંટણી ભાજપના 12 સભ્યો વચ્ચે યોજાઇ હતી. આ ચૂંટણી દરમ્યાન પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યોત્સ્નાબેન યોગેશભાઈ ત્રિવેદીને મેંડેડ આપવામાં આવ્યો હતો પરંતુ મેંડેડના વિરુધ્ધમાં જઈને ભાજપના સદસ્ય કિરણબેન સોનીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને ત્યારબાદ મતદાન થતાં બંને ઉમેદવારોને 6-6 મત મળતા પ્રમુખ પદની ચૂંટણી ટાઈ થઈ ગઈ હતી.
ચૂંટણી ટાઈ પડતાં ચૂંટણી અધિકારી ચિઠ્ઠી ઉછાળીને પ્રમુખ પદ માટે નિર્ણય લેવાનું નક્કી કરતાં પરિણામ કિરણબેન સોનીની તરફેણમાં આવ્યું હતું. આમ કિરણબેન સોની ધાનેરા નગરપાલિકાના પ્રમુખ બની ગયા. પરંતુ આ ચૂંટણી સંપન્ન થયા બાદ હવે કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે. અત્યારે તો કિરણબેન સોનીના પતિ દ્વારા ધાનેરા નગરપાલિકાને કરવામાં આવેલા કોલનું રેકોર્ડિંગ વાયરલ થતાં સમગ્ર ધાનેરામાં ચકચાર મચી ગઈ છે.
આ કોલ રેકોર્ડિંગમાં કિરણબેન સોનીના પતિ ભાજપના સદસ્ય અલકેશભાઇ રાણાના પિતાને કોલ કરીને કિરણબેન સોનીની તરફેણમાં મતદાન કરવા બદલ પાંચ લાખ રૂપિયાની ઓફર કરી રહ્યા છે અને સાથે સાથે ધાનેરા નગરપાલિકામાં સમિતિના ચેરમેન બનાવવાની પણ વાત કરી રહ્યા છે.
તો સાંભળો ધાનેરની વા.રલ ઓડિયો ક્લિપ. જેમાં ધાનેરા નગરપાલિકાના પ્રમુખ કિરણબેન સોનીના પતિ સંજયભાઈ સોની પાલિકાના ભાજપના સદસ્ય અલકેશભાઇ રાણાના પિતા રાજુભાઇ રાણાને કોલ પર કિરણબેનની તરફેણમાં મતદાન કરવા માટે પાંચ લાખની ઓફર કરી રહ્યા છે. અને જ્યારે ફોન પૂરો થાય છે. ત્યારે રાજુભાઇ રાણા કિરણબેન સોનીની તરફેણમાં મતદાન કરવા માટે વીસથી પચ્ચીસ લાખ રૂપિયાની સામે ઓફર કરે છે અને તેવામાં ફોન કટ થઈ જાય છે.. હવે બીજા કોલમાં પાંચ લાખ રૂપિયા માત્ર ચૂંટણી દરમ્યાન ગેર હાજર રહેવા માટે ઓફર કરવામાં આવી રહ્યા છે.
વાયરલ થયેલી ઓડિયો ક્લિપ બાદ અમે અલકેશભાઈ રાણા અને તેમના પિતા રાજુભાઇ રાણાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે પણ આ બાબતની ઊંડી તપાસ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
આ સમગ્ર ઘટના ક્રમને પગલે અમે ધાનેરા નગરપાલિકાના પ્રમુખ કિરણબેન સોનીનો સંપર્ક કર્યો ત્યારે તેમનો ફોન બંધ હતો અને તેમના પતિ સંજયભાઈ સોનીનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે રૂબરૂ મળીએ જણાવીશ અત્યારે તેઓ કામમાં છે તેમ જણાવીને ફોન કટ કરી દીધો હતો. જ્યારે ફરીથી તેમણે કોલ કરવામાં આવ્યો ત્યારે તેમણે પોતાના સાસુ બીમાર હોવાનું જણાવી વાત કરવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ ધાનેરા જેવી નાનકડી નગરપાલિકામાં જ્યારે એક સભ્ય માટે પાંચ લાખ રૂપિયાની બોલી લગાવવામાં આવતી હોય અને તે પણ માત્ર એક વર્ષનો કાર્યકાળ બાકી રહી ગયો હોય ત્યારે તો કલ્પના કરો કે દેશમાં ભ્રષ્ટાચારનો કીડો કેટલો સક્રિય બની ગયો હશે.