Home /News /gujarat /

37 વર્ષ પહેલા નખાયો હતો ઠાકોર સેનાનો પાયો, જાણો અલ્પેશ ઠાકોરની કેવી રહી ભૂમિકા?

37 વર્ષ પહેલા નખાયો હતો ઠાકોર સેનાનો પાયો, જાણો અલ્પેશ ઠાકોરની કેવી રહી ભૂમિકા?

અલ્પેશ ઠાકોર ફાઇલ તસવીર

  ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. આવી સ્થિતિમાં રાજ્યમાં વિવિધ સમાજના સંગઠનો પણ સક્રિય બની ગયા છે અને પોતાના આગેવાનને ટિકીટો અપાવવાની મથામણો ચાલી રહી છે. આવું જ એક સંગઠન ક્ષત્રિય-ઠાકોર સેનાનું અસ્તિત્વ દિગ્ગજ નેતા અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના હસ્તે આવ્યુ હતું. આજે આ લેખમાં અમે તમને ઠાકોર સેના શું છે અને રાજકારણની દ્રષ્ટિએ કેટલી મહત્વની છે તેની વિગતવાર માહિતી આપીશું.

  આ રીતે નખાયો ઠાકોર સેનાનો પાયો

  ગુજરાતમાં ક્ષત્રિય-ઠાકોર સમાજમાં પ્રવર્તી રહેલી દારૂની બદી દૂર કરવા અને સમાજના યુવાનોને શિક્ષિત અને રોજગાર લક્ષી બનાવવાના હેતુથી 2011માં અલ્પેશ ઠાકોરે 'ઠાકોરસેના'ની સ્થાપના કરી હતી. આ ઉપરાંત ઠાકોર સમાજની આર્થિક સ્થિતિ સુધારવા માટે તથા સમાજમાં પ્રવર્તમાન સામિજક તથા આર્થિક દૂષણોને નાબૂદ કરવાના તથા સમાજમાં એકતા સ્થાપિત કરવાનો ધ્યેય પણ હતો.ઠાકોર સેનાનું વડું મથક અમદાવાદમાં છે. જો પાટીદારોને ઓબીસી અનામત મળે તો ઠાકોરોનું હિત જોખમાય તેમ હતું. એટલે 'ઠાકોરસેના' સક્રિય બની હતી.

  અલ્પેશે OSS (ઓબીસી, એસસી, એસટી) એકતા મંચની પણ સ્થાપના કરી હતી. જેમાં સમાજના વિકાસના અને દારૂબંધીના મુખ્ય મુદ્દા થોડા સમય પછી કોરાણે મુકાયા હતા અને મુખ્ય ઉદ્દેશનું રાજકારણમાં વિલીનીકરણ થયું હતું. ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર અન ક્ષત્રિય ઠાકોર સેનાનું કોંગ્રેસમાં જોડાણ થયું હતું. જેથી કોંગ્રેસમાં અલ્પેશ ઠાકોરને મહત્વનું સ્થાન અને હોદ્દો અપાતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસનું નાક દબાવવામાં સફળ રહ્યા હતા. આ દરમિયાન વિધાનસભા 2017માં ક્ષત્રિય ઠાકોર સેનાના કહ્યા મુજબ ટિકિટોની ફાળવણી પણ થઈ હતી. ઠાકોરસેનાના ધવલસિંહના કહેવા પ્રમાણે હાલમાં લગભગ 20 લાખથી વધુ કાર્યકરો ઠાકોરસેના સાથે સંકળાયેલા છે.

  ઠાકોર રાજકારણનો ઉદય

  ગુજરાતના રાજકારણમાં ઠાકોર પૉલિટિક્સનો ઉદય અચાનક નથી થયો. એનાં મૂળિયાં 37 વર્ષ પહેલાં નંખાવાની શરૂઆત થઈ ગઈ હતી.1981માં પહેલીવાર વિદ્યાર્થીઓ દ્વારા અનામત આંદોલન થયું હતું. જોકે તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ દબાવી દીધું હતું. અનામત આંદોલન બાદ સોલંકીએ પટેલો પરની નિર્ભરતાને ઘટાડવા માટે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમોને સાથે લઈને KHAM થીયરી ઊભી કરી હતી. આ થીયરી આજે અમલમાં નથી પણ લોકપ્રિય જરુંર છે.

  આમ તો ઠાકોર સમુદાયનો સમાવેશ અન્ય પછાત જ્ઞાતિઓ (ઓબીસી)માં થાય છે, પરંતુ એ ગણતરીમાં ઠાકોરને ક્ષત્રિયો ગણી લેવાયા હતા. ઠાકોરો ગુજરાતના નવ જિલ્લામાં નિર્ણાયક હતા અને આજે પણ છે. KHAM સમીકરણની મદદથી 1985માં કૉંગ્રેસનો 182માંથી 149 બેઠક પર વિજય થયો હતો, ગુજરાત વિધાનસભામાં આ એક રેકૉર્ડ છે, જે હજી સુધી કોઈ પક્ષ તોડી શક્યો નથી. 2017ની વિધાનસભા ચૂંટણી સમયે ભાજપે મિશન-150નો નારો આપ્યો, પરંતુ માત્ર 99 બેઠકો જ મેળવી શકી હતી.

  તે સમયે સોલંકીથી નારાજ પાટીદારોને સાથે લઈને 1990માં જનતા દળ સાથે મળીને ભાજપે ગુજરાતમાં યુતિ સરકાર બનાવી હતી. ત્યારબાદ 1995 અને 1998માં પણ ભાજપ વિજેતા થયો હતો. આ દરમિયાન 2006માં નરેન્દ્ર મોદીએ પહેલીવાર અમદાવાદના મેયર અને અનેક જિલ્લા તથા તાલુકા પંચાયતોમાં ઠાકોર નેતાઓની નિમણૂંકો કરી હતી. આ નિમણૂંકોના કારણે કૉંગ્રેસની પરંપરાગત વોટબૅન્કમાં મોટું ગાબડું પડ્યું હતું અને ઠાકોર સમાજ ભાજપ તરફ થયો હતો. ત્યારબાદ ફરી ઠાકોર સમાજના નામે રાજકારણ શરૂ થયું હતું. 2007 અને 2012ની વિધાનસભા તથા 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને તેનો લાભ મળ્યો હતો.

  અલ્પેશનો પક્ષ પલ્ટો અને ઠાકોર સેના

  મહત્વકાંક્ષી અલ્પેશ ઠાકોર ગુજરાતમાં કોંગ્રેસની સરકાર ન બનતા મંત્રી બનવાના અભરખા અધૂરા રહેતા નબળી નેતાગીરી અને કોંગ્રેસમાં તેમને અન્યાય થતો હોવાની અનેકવાર બૂમો પાડી ભાજપમાં જોડાઇ રહ્યાની અફવાઓ ઉડી હતી. આ વચ્ચે અરવલ્લી જીલ્લાના ક્ષત્રિય ઠાકોર સેનાના કેટલાક હોદ્દેદારોએ તો અલ્પેશ ઠાકોર સામે રીતસર બંડ પોકારી દીધું હોતું હતું.  તે દરમિયાન તેમણે ભાજપમાં જોડાવવું હોય તો જોડાઇ શકે છે અમે તો કોંગ્રેસ સાથે ઊભા રહીશુંના અને 15 લાખ ઠાકોરોના કહેવાથી કોંગ્રેસમાં જોડાયા હતા તો હવે ફરીથી 15 લાખ ઠાકોરો ભેગા કરો અને તેમને પૂછી કોંગ્રેસ છોડવાની વાત કરો સહિતના અલ્પેશ ઠાકોર સામે ઉગ્ર રોષ વ્યક્ત કરતા મેસેજ પણ વાયરલ થયા હતા. જેણે ઠાકોર સેનામાં બે સોપા પાડી દીધા હતા.

  જોકે, ઠાકોર સમાજમાં અનેક અટકળો અને અસંતોષ વચ્ચે 18 જુલાઇ, 2019માં અલ્પેશ ઠાકોર, પોતાના રાજકીય સાથીદાર ધવલસિંહ સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાઇ ગયા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ બન્ને નેતાઓને કેસરીયો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા.

  આ કારણે તૂટી ઠાકોર સેના

  - રાજકીય બેઠકો માટે ઠાકોર સેનાનો ઉપયોગ નહીં કરવા નક્કી કરાયું હતું છતાં કેમ ઉપયોગ કર્યો છે.

  - ઠાકોર સેનાની મંજૂરી વગર નિર્ણયો લેવાયા છે.

  - ઠાકોર સેનાનો કોઈ કાર્યક્રમ કરવાનો હોય તો તે માટે કોર સમિતિની મંજૂરીથી જ કરવો.

  - 2011થી ઠાકોર સેનાની નોંધણી થઈ તેમાં કોઈને વિશ્વાસમાં લીધા વગર કેમ એકલાએ જ નિર્ણયો લીધા છે.

  ઠાકોર સેનાના નવા માળખાની જાહેરાત

  વર્ષ 2019માં જ્યારે એક તરફ લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ વાગી ગયું હતું અને બીજી તરફ કોંગ્રેસની સાથે અલ્પેશ ઠાકોરની નારાજગી ચરમસીમાએ હતી. આ દરમિયાન અલ્પેશ ઠાકોરે સેનાના ઉપપ્રમુખ રમેશજી ઠાકોરની હકાલપટ્ટી કરી દીધી હતી. નવા માળખાની જાહેરાત સાથે તેમની જગ્યાએ બાયડના એમએલએ ધવલસિંહ ઝાલાને ઉપપ્રમુખ બનાવાયાં હતા. જાહેર થયેલાં નવા માળખામાં જગતસિંહ ઠાકોરને અમદાવાદના ઉપપ્રમુખ બનાવાયા હતા.

  મૃતપ્રાયઃ ઠાકોર સેનાને જીવંત કરવા પ્રયાસો

  દરેક તાલુકા મથકે ઠાકોર તેમજ OBC સમાજના આગેવાનો સાથે અલ્પેશ ઠાકોરે 10 એપ્રિલથી ખાટલા બેઠક શરૂ કરી હતી. ભૂગર્ભમાં ધકેલાયેલી ઠાકોર સેનાને વિધાનસભા ચૂંટણી પહેલા જીવંત કરવા અલ્પેશ ઠાકોરની આ સામાજીક રાજકીય યાત્રા શરૂ કરી હતી.

  ઠાકોર સેનામાં બે ફાટા

  અલ્પેશ ઠાકોર કોગ્રેસમાં જોડાઇ જવાના કારણે ઠાકોર સમાજના અનેક આગેવાનો અલ્પેશથી નારાજ ઠાકોર સમાજના કેટલાક નેતાઓએ અલગ થઇને રોયલ ઠાકોર સેના નામના નવા સંગઠનની રચના કરી હતી. આ સંગઠનના પ્રમુખ તરીકે રમેશજી ઠાકોરની વરણી કરવામાં આવી હતી.

  ઠાકોર સેનાનો વિવાદાસ્પદ નિર્ણય

  ગુજરાતના જેગોલ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠક મળી હતી, જેમાં કુંવારી છોકરીઓને મોબાઇલ નહીં આપવા સહિતના નવ મુદ્દા નક્કી કરવામાં આવ્યા હતા.

  અલ્પેશના બચાવમાં ઠાકોર સેના

  અલ્પેશ ઠાકોર સામે જમીન પચાવી પાડવાનો આરોપ નવઘણજી ઠાકોર દ્વારા લગાવવામાં આવતા ઠાકોર સેના મેદાને આવી હતી. ઠાકોર સેના અને OBC, SC, ST એકતા મંચે નવઘણજી ઠાકોર પર જમીન પચાવી પાડ્યાનો આક્ષેપ કર્યો હતો. ઠાકોર સેનાએ નવઘણજી ઠાકોર વિરુદ્ધ પુરાવા રજૂ કર્યા હતા.

  ‘અલ્પેશ તેરી રાધનપુર મેં ખેર નહીં’

  રાધનપુર પેટાચૂંટણી માટેના પ્રચાર દરમિયાન પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે અલ્પેશ ઠાકોર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, “અલ્પેશ તેરી રાધનપુર મેં ખેર નહીં, ઠાકોર સેના સે વેર નહીં. અમે અલ્પેશને કેડમાં બેસાડ્યો, પછી ખભે પછી માથે, પરંતુ અલ્પેશે છેવટે શું કર્યું? મત આપવાવાળાનો હાથ હંમેશાં ઊંચો અને લેવાવાળાનો હાથ નીચે હોય છે.”
  Published by:mujahid tunvar
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन