ગાંધીનગર: કોરોનાની દહેશત (Coronavirus cases in Gujarat) વચ્ચે રાજ્ય સરકારે વાયબ્રન્ટ સમિટ (Vibrant Gujarat Global Summit 2022) મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, ગાંધીનગરમાં આગામી તારીખ 10મી જાન્યુઆરીથી દસમી ગ્લોબલ વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ થવાનો હતો. જે સમિટમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સહિત અન્ય દેશોના વડાપ્રધાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હતા. પરંતુ જે રીતે દેશ અને રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે તેને જોતા વાયબ્રન્ટ સમિટ મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે.
સમિટની તડામાર તૈયારીઓ કરાઇ હતી
આગામી 10થી 12 જાન્યુઆરીના રોજ ગ્લોબલ વાઇબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ 2022ના દેશ- વિદેશથી આવતા મહેમાનોને આવકારવા અમદાવાદના સરદાર વલ્લભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તાડામાર તૈયારીઓ પણ કરવામાં આવી હતી. આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મહાત્મા મંદિરનું નિરીક્ષણ પણ કરવા જવાના હતા. પરંતુ આજે સવારે જ સીએમ પટેલે કેન્દ્ર સાથે મળીને આ મોટો નિર્ણય લીધો છે.
મહેમાનોની સુરક્ષા માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરમાં આયોજીત સમિટના મહેમાનોની સુરક્ષા માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઓમિક્રોન વેરિઅન્ટને લઇ સરકારની ગાઈડલાઈન મુજબ મુસાફરો માટે છેલ્લા 14 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી તેમજ કોવિડ નેગેટીવ ટેસ્ટનો રિપોર્ટ ફરજીયાત કરાયો છે. હાઇરિસ્ક કન્ટ્રીમાંથી આવતા મુસાફરોને અલગ રાખવાની વ્યવસ્થા કરાઇ છે. ચાર્ટડ વિમાનોના પાર્કિંગ માટે પુરતા પાર્કિંગ બેઝની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આપને જણાવીએ કે, રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે બુધવારે કોરોના વાયરસના નવા 3350 કેસ નોંધાયા છે. ગુજરાતમાં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે રાજ્યમાં આજે નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક છે. કોરોના વાયરસના કેસ વધવાની સાથે આજે બે મોત થયા છે. આજે અમદાવાદ શહેરમાં 1637 નવા કેસ નોંધાયા છે જ્યારે જિલ્લાના મળીને 1660 કેસ છે, સુરત શહેરમાં 630, વડોદરા શહેરમાં 150, રાજકોટ શહેરમાં 141, આણંદમાં 114, ખેડા 84, સુરત 60, ગાંધીનગર શહેરમાં 59, કચ્છામાં 48, નવસારીમાં 47, ભાવનગર 38, વલસાડ 34, વડોદરા 31, ગાંધીનગર 26, પંચમહાલમાં 26, મોરબીમાં 25, અમદાવાદ જિલ્લામાં 23, જામનગર શહેરમાં 19, રાજકોટ 18 કેસ નોંધાયા છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર