Home /News /gujarat /Paper leak કાંડ: હેડ કલાર્કની પરીક્ષા રદ, મુખ્ય આરોપી જયેશ પટેલ ઝડપાયો

Paper leak કાંડ: હેડ કલાર્કની પરીક્ષા રદ, મુખ્ય આરોપી જયેશ પટેલ ઝડપાયો

હર્ષ સંઘવી

Gujarat paper leak: આગામી પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવશે. જૂના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તે ઉમેદવારો લાયક ગણાશે.

સાબરકાંઠા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડકલાર્ક પેપર લીક મામલે પોલીસને મોટી સફળતા મળી છે. મુખ્ય આરોપી જયેશ પટેલને ગાંધીનદગરથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ સાથે  આ કાંડમાં બીજી મહત્ત્વની જાહેરાત કરવામા આવી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરતા જણાવ્યુ છે કે, હેડકલાર્કની પરીક્ષા રદ કરવામા ંઆવી છે. આગામી પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવશે. જૂના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તે ઉમેદવારો લાયક ગણાશે.

ફરાર જયેશ સાથે અન્ય બે આરોપીઓ પણ ઝડપાયા

હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે પોલીસને મોટી સફળતા મળી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગાંધીનગરથી જયેશ પટેલ અને અન્ય 2 ઉમેદવારોને ઝડપી પાડ્યા છે. જયેશ પટેલે દેવલ પાસેથી પેપર લઇને દર્શનને આપ્યા હતા. જયેશ પટેલ સૂત્રધારની કડીમાં મુખ્ય આરોપી છે. પેપરકાંડ મામલે હાલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હજુ અન્ય 2 આરોપીઓ ફરાર છે.

જૂના ઉમેદવારો પરીક્ષા આપવા લાયક ગણાશે

હર્ષ સંઘવીએ આ જાહેરાત કરતા જણાવ્યુ કે, જે જૂના ઉમેદવારોએ આ ફોર્મ ભર્યા હશે તે તમામ લોકો આ પરીક્ષા આપવા માટે લાયક ગણાશે. જો તેમની ઉંમર પણ વધી જતી હશે તો પણ તેઓ આ પરીક્ષા આપવા માટે લાયક ગણાશે.

CMના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક

પેપરલીક કાંડમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સમગ્ર કેસની CM ભૂપેન્દ્ર પટેલને જાણ કરી હતી. સમગ્ર કેસમાં તપાસ ક્યાં સુધી પહોંચી છે અને આગળ આ મામલે શું કરી શકાય તે અંગે વિગતવાર માહિતી આપશે. આ બેઠક બાદ આ પરીક્ષા રદ થશે કે નહીં તે અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી જાણ કરશે.

પહેલા જયેશ પટેલે પેપર મેળવ્યુ હતુ

એફઆઇઆરમાં જયેશ પટેલનો મુખ્ય આરોપી તરીકે ઉલ્લેખ છે. જયેશ પટેલે જ ગૌણ સેવા પસંદગી મંડળમાં આ પેપર ફોડયું હોવાનું પહેલા કહેવામાં આવી રહ્યું હતું. પરીક્ષાના એક દિવસ પહેલા જ કૌભાંડીઓ પાસે પેપર પહોંચી ગયા હતા. આ કાંડની પોલીસ ફરિયાદ પ્રમાણે, પ્રાંતિજ તાલુકાના ઉંછા ગામના જયેશ પટેલે કોઈની મદદથી પેપરની નકલ મેળવી હતી.

તેણે ઉંછા ગામના જસવંત પટેલ અને તેના પુત્ર દેવલ પટેલને પેપરની નકલ આપી હતી. જે બાદ દેવલ પટેલ પ્રાંતિજના પોગલું ગામે પોતાના સસરા મહેન્દ્ર પટેલના ઘરે પાંચ પરીક્ષાર્થીઓને લઈને ગયો હતો. જેમા ધૃવ બારોટ પણ હતો. આ પાંચેય પરીક્ષાર્થીઓને પેપર સોલ્વ કરાયા હતા. આ દરમિયાન તેમના મોબાઈલ પણ બંધ કરાવી દેવાયા હતાં. બાદમાં તેમને અલગ અલગ વાહનોમાં બેસાડીને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચડાયા હતાં. પરીક્ષા પુરી થયા બાદ તેમને મોબાઈલ પરત કરાયા હતાં.

આ પણ વાંચો - Paper Leak: હેડ ક્લાર્કની પરીક્ષા રદ થવી જોઈએ કે નહીં, જાણો શું કહી રહ્યા છે નિષ્ણાંતો

હિંમતનગર પણ પહોંચાડ્યુ હતુ પેપર

જયેશ પટેલે પેપરની એક નકલ હિંમતનગરના દર્શન વ્યાસને આપી હતી. જેને દર્શને હિંમતનગરના કુલદિપ પટેલને આપી હતી. કુલદીપે પાંચ પરીક્ષાર્થીઓને તેના ઘરે બેસાડી પુસ્તકો આપીને પેપર સોલ્વ કરાવ્યાં હતાં. બાદમાં તેણે હિંમતનગરના સુરેશ પટેલ તથા અન્ય પરીક્ષાર્થીઓને ગાંધીનગરથી એક ગાડીમાં સતીશ પટેલના ઘરે મોકલી આપ્યા હતાં. આ સોલ્વ કરેલા પેપર તેણે પરીક્ષાર્થીઓને ગોખવા માટે આપ્યાં હતાં. સવારે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવ્યાં હતાં.



પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ પેપર થયુ હતુ લીક

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાથ ધરાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે એવો ખુલાસો સામે આવ્યો હતો કે પેપર પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ લીક થયું હતું. આ બાબતે ગાંધીનગરના રેન્જ આઈજી અભય ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, સાણંદમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં હેડ ક્લાર્કનું પેપર લીક થયું હતું. આરોપી કિશોર આચાર્યએ 9 લાખ રૂપિયામાં મંગેશને આ પેપર વેચ્યું હતું. ગાંધીનગર એલસીબીએ કિશોર આચાર્યની અટકાયત કરી છે. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પૂછપરછ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી ઉમેદવારોની વિગતો પણ મેળવી હોવાનું સૂત્રો મુજબ જાણવા મળ્યું છે. પોલીસે અત્યાર સુધી 70થી વધુ ઉમેદવારોના નામ અને સરનામા મેળવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
First published:

Tags: GSSSB, Paper leak, Sabarkantha, ગુજરાત