ગાંધીનગર: બિન સચિવાલયની (GSSSB) હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપરલીક (head clerk paper leak) થતાં રાજ્યમાં ગરમીનો માહોલ છવાયો છે. આ અંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા (Asit Vora) પર કોંગ્રેસ અને આપના યુવરાજસિંહે અનેક આક્ષેપ કર્યા છે. આ સાથે અસિત વોરા શંકાના દાયરામાં છે. ત્યારે આ દરમિયાન અસિત વોરા ગુજરાતના મુખ્યમંત્રી (Asit Vora Meeting with CM Bhupendra Patel) ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી હતી. જેના કારણે હાલ અસિત વોરાના રાજીનામાની અટકળો તેજ થઇ છે. અસિત વોરાએ આ બેઠક બાદ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત હતી.
ગઇકાલે ભાજપે કર્યો હતો અસિત વોરાનો બચાવ
ગઇકાલે એટલે કે, મંગળવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે, પેપર લીક કાંડમાં અસિત વોરાની સંડોવણીના કોઈ પુરાવા હજુ સુધી સામે નથી આવ્યા. જો તેમની સામે થતાં આક્ષેપ સાચા ઠરશે તો તેમની વિરુદ્ધ પણ પગલાં લેવાશે. આ ઉપરાંત પાટીલે જણાવ્યું હતું કે પેપર લીક કાંડમાં જે પણ વ્યક્તિની સંડોવણી બહાર આવશે તેને છોડવામાં નહીં આવે. જ્યારે 88 હજાર જેટલા યુવકોએ પરીક્ષા આપી હોય અને તેમના ભવિષ્ય સાથે ચેડા થતાં હોય તો તેને કોઈ સંજોગોમાં ચલાવી ના લેવાય.
જે પ્રેસમાં પેપર છપાયું હતું તેના માલિક સામે કોઈ પગલાં હજુ કેમ નથી લેવાયા તે સવાલનો જવાબ આપતા પાટીલે કહ્યું હતું કે, આ અંગે હાલ તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે, યુવાનોનો વિશ્વાસ ના તૂટે તે માટે સરકાર પૂરાં પગલાં ભરી રહી છે તેવું આશ્વાસન પણ સંગઠન તરફથી મળ્યું હોવાનું જણાવતા પાટીલે કહ્યું હતું કે ફરી પરીક્ષા કઈ રીતે લેવી તેની તૈયારી એ રીતે કરાઈ રહી છે કે પેપર ફુટવાની કોઈ શક્યતા ના રહે.
અસિત વોરાની મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, આ બેઠકમાં શું વાત થઇ ત્યારે તેમણે મીડિયા સામે માત્ર ત્રણ જ શબ્દો કહ્યા હતા, જે હતા - નમસ્તે, થેન્ક યુ અને શુભેેચ્છા મુલાકાત. આ બેઠક અંગે તેમણે જણાવ્યુ કે, મુખ્યમંત્રી સાથેની મુલાકાત શુભેચ્છા મુલાકાત હતી. જે બાદ તેમણે મીડિયાના કોઇપણ પ્રશ્નનો જવાબ આપ્યો નહીં અને ચાલતી પકડી હતી.
વર્ષ 2019માં પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક થયુ હતુ. જે બાદ 2021માં લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું છે. આ મામલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાની કામગીરી પર ફરી એકવાર સવાલો ઉઠી રહ્યા છે. જોકે, આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે, સરકાર પણ અસિત વોરાના બચાવમાં હોય તેમ લાગી રહ્યુ છે.